આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

જ્યાં દયા ત્યાં જ તીર્થયાત્રા

પવિત્ર કાશીનગરીમાં વહેતી પરમ પાવન એવી ગંગાના કાંઠે એકવાર મેળો ભરાયો. લાખો લોકોની ત્યાં હલન ચલન. જ્યાં નજર નાંખો ત્યાં કીડિયારાની જેમ માનવો જ દેખાય છે.

બધાં જ ભક્તો લોકો ગંગાનું જળ લઈને ભગવાન રામેશ્વરના પાદ પ્રક્ષાલન માટે જઈ રહ્યાં હતાં. તેમાં એક અતિ પ્રસિદ્ધ સંત એકનાથ પણ ગંગાજળ લઈ હાથ-પગ મુખની શુદ્ધિ કરી પગપાળા રામેશ્વરના ચરણાભિષેક  માટે જન સમૂહની સાથે ભજન-કિર્તન કરતાં કરતાં નીકળ્યાં.

ત્યારે વૈશાખી વાયરાની ભયંકર લૂ અને જાણે આકાશમાંથી સૂર્ય અગ્નિની વર્ષા ન કરતો હોય તેમ. ધોમ ધખતો તડકો હતો. લોકો પણ આ તાપથી ત્રાહિમામ્ પોકારી ગયા હતાં. તેવા સમયે રસ્તાની બાજુમાં એક ગધેડો પણ આગ ઝરતી ગરમીમાં પાણી માટે વલખાં મારતો હતો. પણ પાણી પાય કોણ ?

એવામાં કરુણાથી આર્દ્ર થયા છે જેના પ્રાણ તેવા સંત એકનાથની નજર તે ગધેડા ઉપર પડી. તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. સંત એકનાથથી રહેવાયું નહિ ને તેમના હૃદયમાં ભૂત (પ્રાણી) દયા પ્રગટી ઊઠી. તે સમયે સાથે રહેલા યાત્રિકોની ના છતાં પણ એકનાથે આ રામેશ્વરના પાદ પ્રક્ષાલન માટે લાવેલું ગંગાજળ પેલા તડપતા ગધેડાને પીવડાવી દીધું. ગધેડાને પણ પ્રાણ આવ્યા હોય તેમ એને શાંતિ વળી.

સંત એકનાથની સાથે રહેલ સહયાત્રી બધા પરસ્પર વાતચીત કરવા લાગ્યાં. આ સંત કેવા છે. ભગવાનના પાદ પ્રક્ષાલન માટે લાવેલ ગંગાજળ બધું વેડફી નાખ્યું. અરે ? ભગવાનના અભિષેક માટે લાવેલ જળ વળી ગધેડાને પિવડાવાતું હશે ? પરંતુ દંતકથા એવી છે કે સ્વયં ભગવાન રામેશ્વર દિવ્ય સ્વરૃપને ધારણ કરી સંત એકનાથની સામે પ્રગટ થઈને દર્શન આપ્યા અને કહ્યું ઃ 'એકનાથ તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે. ગધેડાને તે પાયેલું ગંગાજળ મને પહોંચી ગયું છે ? માટે ચિંતા ન કરીશ.' તેમ કહીને રામેશ્વર અદૃશ્ય થઈ ગયા.

તીર્થયાત્રા કરતાં હિંસા ન થાય તેની સાવધાની રાખી સાથે સાથે હૃદયને દયાથી આર્દ્ર રાખીને ભગવાન ભક્તિ કરવામાં અવો તો સફળતાના સોપાન સર થયા વિના રહેતા નથી. દયા વિનાની ભક્તિની કોઈ શક્તિ નથી અને દયા સહિત ભક્તિની તોલે કોઈ શક્તિ આવી શકે તેમ છે. માટે સંત એકનાથની જેમ યાત્રા કરતા ભગવાન સામેથી દર્શન આપ્યા વિના રહેશે નહીં.