આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

સત્સંગનો મહિમા

સત્ + સંગ = સત્સંગ. સંતનો સમાગમ કરાવે તે સત્સંગ. એકવાર દેવર્ષિ નારદે બ્રહ્મલોકમાં બ્રહ્મદેવને સત્સંગના મહિમા વિશે પૂછયું. બ્રહ્માએ નારદને સત્સંગના મહિમાને જોવા માટે પૃથ્વીલોકમાં રહેલા એક નગરની બહાર રહેલ જંગલના એક વૃક્ષ ઉપર બેઠેલા એક કાકિડાને સત્સંગનો મહિમા પૂછવા જણાવ્યું. દેવર્ષિ નારદે વૃક્ષ ઉપર રહેલ કાકિડાને પૂછ્યું ઃ 'સત્સંગનો મહિમા શું ?'

દેવર્ષિ નારદના શબ્દ સાંભળતા જ કાકિડો ઝાડ પરથી પડીને મરી ગયો. તેથી નારદજી ફરીને બ્રહ્મદેવ પાસે ગયા. ત્યારે બ્રહ્માએ એ જ જંગલના બીજા વૃક્ષ ઉપર બેઠેલ પોપટને સત્સંગનો મહિમા પૂછવાનું કહ્યું. પોપટ પણ નારદજીના શબ્દ સાંભળતા જ વૃક્ષ પરથી પડીને મરી ગયો.

ત્યારબાદ બ્રહ્મદેવે નારદજીને એક ગામમાં એક ખેડૂતને ત્યાં તેના ઘરે જઈને તેની ગાયનાં તાજા જન્મેલા વાછરડાંને પ્રશ્ન પૂછવા જણાવ્યું. 'સત્સંગનો મહિમા શું ?' આ શબ્દ સાંભળતા જ તાજું જન્મેલ વાછરડું પણ મોતના મુખમાં ધકેલાઈ ગયું. ફરીને નારદજી બ્રહ્મદેવ પાસે ગયા ને પૂછ્યું ઃ 'આમ કેમ થાય છે ?' ત્યારે બ્રહ્માએ નારદજીને એક પ્રતિષ્ઠિત નગરના રાજાના ઘેર જવાનું કહ્યું અને કહ્યું 'રાણીને જન્મેલ રાજકુમાર તમારા પ્રશ્નનો જવાબ આપશે.'

દેવર્ષિ છનનન કરતાં ઉપડ્યાં. રાજાના મહેલમાં સંકોચ રાખીને પહોંચ્યા. 'ક્યાં છે રાજકુમાર ?' રાણી રાજકુમારને લઈને સભાગૃહમાં આવી ત્યાં જ નારદજી એ પ્રશ્ન કર્યો ઃ 'સત્સંગનો મહિમા શું રાજકુમાર ?'

તે સાંભળતા જ રાજકુમાર ખનનન કરતાં હસવા લાગ્યો. પણ રાજકુમાર પેલાના ત્રણની જેમ મર્યો નહિ તેથી દેવર્ષિ નારદે રાહતનો શ્વાસ ખેંચ્યો. રાજકુમારને અતિ હર્ષિત જોઈને નારદજી બોલ્યા ઃ 'સત્સંગનો મહિમા શું ?' એ મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે તું હસે છે કેમ ?

રાજકુમારે કહ્યું ઃ 'મેં તમારા પ્રશ્નનો જવાબ આપી જ દીધો છે.' ત્યારે નારદજી આશ્ચર્યની એની સામે ટગર ટગર જોઈ રહ્યા. તેમની કુતૂહલ વૃત્તિને દૂર કરતાં રાજકુમારે કહ્યું ઃ 'દેવર્ષિ નારદ ! તમે સ્વયં સાચા સંત છો અને તમારા સંગનો મહિમા અપાર છે. સત્સંગનો સંગ લાગે તેને સંસારનો રંગ ચડતો નથી તમારા સંગથી હું કાકિડામાંથી પોપટ, પોપટમાંથી વાછરડો અને અંતે રાજકુમારના પદને પામ્યો છું.'

એક ઘડી, આધી ઘડી, આધી સે પુનિ આધ,

તુલસી સંગત સાધુ કી, કટે કોટિ અપરાધ ?

સત્સંગને સેવનાર મનુષ્ય ક્રમિક ઉત્તરોત્તર વિકાસ સાધતો જાય છે. પ્રભુ મહાવીરના સંગે પણ અનેક આત્માઓ ઉન્માર્ગ છોડીને સન્માર્ગે વળ્યા હતા. સંતના પ્રીતિજન્ય વિચારો માનવીની બુદ્ધિને વિવેકી બનાવે છે, તો સંતના પ્રીતિજન્ય વિચારો માનવીની બુદ્ધિને વિવેકી બનાવે છે, તો સંતની વસંત બાગમાં જે મહાલે તે સંત થયા વિના રહે નહિ. સત્સંગના સાતત્યથી ચંચલતા ઓછી થાય છે. સંતનો સત્સંગ માણસને અસ્થિરતામાંથી સ્થિરતા તરફ લઈ જાય છે. માટે સંતનો સત્સંગ કરતાં રહેવું જોઈએ.