આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

કોણ રહે સદા નિરોગી

૧. જળ-વાયુ ને ખેત પ્રદૂષણ, રોગનો વાયો વાયરો, દવાવાદની મહેફિલમાં, ડૉકટર જમાવે ડાયરો...૧

ર. દવાખાનાઓ દેખી ભરેલા, રોગ કહે હું નાચું, ડૉકટર ભણ્યા નહીં સાચું, ને કપાઈ રહ્યું છે કાચું...ર

૩. વિજ્ઞાન વિના શાક શોધથી, સાજા પણ માંદા થયા, પેટ-પટારા ભરવા કાજે, દાકતરો ઝાઝા થયા...૩

૪. સારી દુનિયા છે માંદી, ને ફાર્મસીઓ કમાય ચાંદી, દવાખાનામાં જામે મેળા, ડૉકટરને ઘી કેળાં...૪

પ. ડૉકટર નહીં કોઈ દેવના દીકરા, કરી શકે ના જાદુ, શીદને ઘેલા થઈ પાછળ, ખાઈ પડ્યા છો આદુ...પ

૬. વિટામીનની નકલી તાકાત, કરી મૂકશે આફત, દોડી રહ્યા સૌ દવાખાનાએ, ડૉકટરને જયાફત...૬.

૭. આધુનિકમાં અંજાયા વિના, મજા જીવનની લૂંટો,

   વિટામિનોની એબીસીડીને ભૂલી, દેશીનો કક્કો ઘૂંટો...૭

૮. ભૌતિકવાદી જીવનશૈલી, લોક થયું છે ગાંડુ, પશ્ચિમી સંસ્કૃતિ આકર્ષણથી, જીવન થયું છે બાંડુ...૮

૯. ગર્ભપાતને ગર્ભ નિરોધક, કામ થાય છે ખોટાં, કુટુંબ નિયોજન નસબંધીના, શસ્ત્ર કર્મ છે ખોટાં...૯

૧૦. રક્તદાનને ચક્ષુદાનની, ચાલી ખોટી રીતિ, બ્લડ બેંકમાં બ્લડ ભરવાની, હાલી ખોટી નીતિ...૧૦

૧૧. અપ્રાકૃતિક જીવનશૈલીએ, મૂકી દીધી છે માઝા, અપ્રાકૃતિક ખાનપાનથી, રોગ વધ્યા છે ઝાઝા...૧૧

૧ર. વીજળીની પેદાશ બધીયે, પ્રકૃતિ વિનાશનું મૂળ છે,

      યંત્રવાદ આધારિત જીવન, સર્વનાશનું શૂળ છે...૧ર

૧૩. વીજ આધારિત યંત્રવાદથી, પ્રદૂષિત હવાને પાણી,

      વિલાયતી ખાતરની ખેતી, ધાન્ય થયા ધૂળધાણી...૧૩

૧૪. ખાન-પાન બગડી ગયા, ને લોક સૌ ઊંઘી રહ્યા, જળ-પ્રદૂષિત પી રહ્યા, ને પ્રદૂષણ સુંઘી રહ્યા...૧૪

૧પ. રસાયણો ને જંતુનાશકો, ખાનપાન થયા ઝેરી, ધરતીનો રસકસ બધોયે નાશ કરે છે વૈરી...૧પ

૧૬. રસાયણોને જંતુનાશકો, હિંસક ખેતીવાડી, ચાલી રહી છે ખેતરોમાં, પાપની ટ્રેેકટર ગાડી...૧૬

૧૭. કેમિકલ યુગમાં જીવી રહ્યા છે, જીવન થયા છે ઝેર,

       ખાનપાનમાં પોષક તત્ત્વોની, નીકળી જાય છે ખેર..૧૭

૧૮. ખાનપાનમાં રંગ રસાયણ, બગાડે જીવની મજા, માંદા પડવાની મજા, ને હોસ્પિટલની સજા...૧૮