આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

મર્યાદાયૈ નમસ્તસ્મૈ

શત્રુંજય તીર્થના વહીવટ માટે કોઈ સારો માણસ મળતો ન હતો.

મંત્રીશ્વર વસ્તુપાળે ઘણાંને અજમાવ્યા પણ બધાં કટકી કરવાવાળા જ નીકળ્યા. આ.ભ. સેનસૂરીશ્વરજી, આ.ભ. ઉદયપ્રભસૂરિજી વિશાળ સમુદાય સાથે ધોળકા પધાર્યા હતા. મંત્રીને થયું આચાર્ય ભગવંત પાસેથી માર્ગદર્શન મેળવું.

આચાર્ય ભગવંતોને મુનિ ભગવંતોને વંદના કરતાં મંત્રીશ્વરની નજર એક વયોવૃદ્ધ મુનિ ઉપર પડી. વાળ બધા ધોળા હતા પણ શરીર સશક્ત હતું. આંખો તેજસ્વી હતી. અવાજ સત્તાવાહી હતો. મોટી વયે દીક્ષા લીધી હોય એવું જણાતું હતું.

વસ્તુમાળ મંત્રીને થયું આ મહાત્મા જો પાલીતાણા સ્થિરવાસ કરે તો વહીવટ સુધારી દે એવા છે.

આચાર્ય ભગવંત પાસે મંત્રીશ્વરે વ્યથા ઠાલવતાં કહ્યું ઃ 'સિદ્ધગિરી જેવા પવિત્ર તીર્થમાં ભાવિકો ઊલટથી ચડાવા બોલે. ભંડારમાં સોના રૃપા નાણું ભરે. અનેક પ્રકારની વિવિધ દ્રવ્યોની આવક થાય. જાત્રાળુ રકમ આપી જતા રહે.'

પછી એ રકમમાં ગરબડ થાય છે. વહીવટીતંત્રને લૂણો લાગ્યો છે. આખું તંત્ર ભ્રષ્યાચારથી ખદખદે છે. દેવદ્રવ્ય વગેરે દ્રવ્યોનું ભક્ષણ થાય છે. અમે તો જ્યારે જઈએ ત્યારે વહીવટ તપાસીએ ગોટાળા પકડાય પણ ખરા. માણસોને બદલી પણ પરિસ્થિતિ સુધરતી નથી.

બંને આચાર્ય ભગવંતો પણ આ સાંભળી વ્યથિત થયા. ગંભીર સ્વરે કહ્યું.

આનો ઉપાય તમને શું યોગ્ય લાગે છે ?

'ગુરુદેવ ! મને લાગે છે કે કોઈ સંસારી માણસ આમાં શુદ્ધ રહી શકે તેમ નથી. આપના પેલા મહાત્મા છે. એ જો પાલિતાણા સ્થિરવાસ કરે તો હું આખા વહીવટીતંત્રને એમના હાથ નીચે મૂકી શકું.'

આચાર્ય ભગવંત કહે  'એ મુનિરાજે મોટી વયે દીક્ષા લીધી છે. સંસારમાં ઘણાં વહીવટો સંભાળ્યા છે. એટલે એ પ્રકારની ક્ષમતા જોકે એમાંના છે પણ, સાધુ જીવનની મર્યાદાનું શું ?'

'ગુરુદેવ ! દેવદ્રવ્યાદિના ભક્ષણને ટાળવા મને આ સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી.'

કમને આચાર્યશ્રીએ મંત્રીનો પ્રસ્તાવ સ્વીકાર્યો. મુનિ નયવિજયજી પાલીતાણા પહોંચ્યા. થોડા સમયમાં એમણે વહીવટી ગરબડોના છીંડા બંધ કરી દીધા. રોજે રોજ હિસાબ કિતાબ તપાસે.

કટકી કરવાવાળા તો અકળાઈ ગયા. આ મુનિ જો અહીં કાયમ રહે તો આપણી ઉપરની આવક બંધ થઈ સમજો અને આ મુનિ હવે અહીં જ સ્થિર રહેવાના લાગે છે. સર્વોપરિ સત્તા એ જ છે. એટલે એમને જ એમના આચારથી ભ્રષ્ટ કરવા પડે તો જ આપણને ભ્રષ્ટાચાર કરવા મળે. નામથી સજ્જનસિંહ નામના ઠાકોરે આ જવાબદારી ઉપાડી.

ધીરે ધીરે મુનિરાજનો સંપર્ક વધાર્યો.

એક દિવસ હળવેથી કહ્યું  'મહારાજ સાહેબ ! આપને વંદન કરવા દેશ-પરદેશના મોટા મોટા માણસો આવે છે. આવા મેલા કપડાંમાં આપને જોતા એ લોકો કુગંછા કરે છે.'

ઠાકોરની સમજાવટ કામ આવી. મુનિએ ઉજળાં કપડાં પહેરવા માંડ્યા.

વળી એક દિવસ સજ્જનસિંહે કહ્યું ઃ 'આપના દાંત પીળા પડી ગયા છે. મોંમાંથી વાસ પણ આવે છે. દાંતે પાઉડર ઘસો અને મોઢામાં મુખવાસ રાખો.' નયવિજયને સમજ ન પડી કે નામથી સજ્જનનો ઈરાદો મલિન છે.

આટલા મોટા વહીવટ પર ધ્યાન રાખવા સમય ઘણો જોઈએ એમ કહી ગોચરી છોડાવી દીધી. પાલખી ચાલુ કરાવી દીધી.

ફરી એકવાર મંત્રીશ્વર પાલીતાણા આવ્યા ત્યારે જાત્રા કરી બપોરે મુનિ નયવિજયને મળી વહીવટ વિશે માહિતી મેળવવાનું નક્કી કર્યું. યાત્રા કરી ઉતરતા નયવિજયની પાલખી મળી. આજુ-બાજુ જીહજૂરિયાઓનું ટોળું, મોઢામાં મુખવાસ, ઉજળાં કપડાં.

વસ્તુપાળ તો ડઘાઈ ગયા. અરરર. આ મુનિ અહીં આવીને કેટલા શિથિલ બની ગયા.

છતાં વિવેકપૂર્વક એણે પૂછ્યું  'આપ જાત્રા કરી ક્યારે પધારશો ? આપને મળવા ક્યારે આવું ?'

મુનિ નયવિજયજીને પણ આઘાત લાગ્યો. આચાર્ય મ.ની ઈચ્છા ન છતાં મંત્રીના આગ્રહથી મને અહીં મોકલ્યો અને હું આ લોકો દ્વારા આચારભ્રષ્ટ થઈ ગયો.

આદેસર દાદાના ચરણોમાં પોષ પોષ આંસુએ રડ્યા નયવિજય. ગુરુને મોં બતાવવા લાયક પણ પોતે ન રહ્યા.

બપોરે વસ્તુપાળને કહે  'મંત્રીશ્વર ! મેં ઘણું અનુચિત વર્તન કર્યું છે. મુનિજીવનની મર્યાદાને બટ્ટો લગાડ્યો છે. હવે હું અણસણ કરીશ. ગુરુદેવને મારી વંદના ક્ષમાયાચના જણાવશો.'

પતન પછીનું પનરુત્થાન પણ વખાણવા લાયક છે. ભ્રષ્ટ તંત્રે હવેથી ગેરવહીવટ ન કરવાના સોગંદ લીધા.