આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

મસ્ત  મસ્ત  રસદાર  ટેસ્ટો

૧) કોન બનેગા કુમારપાળ ઃ આ ટેસ્ટમાં કુમારપાળ રાજાના જીવનચરિત્ર પર અલગ અલગ પ્રશ્નો ગોતીને બધાને કોન બનેગા કરોડપતિની જેમ રમાડી શકાય છે. આ પરથી શ્રીપાળ રાજા અને મયણા સુંદરી જીવન ચરિત્ર  પર, મહાવીર સ્વામીના જીવન ચરિત્ર પર, કલીકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવન ચરિત્ર વગેરે જે મહાન વિભૂતી થઈ ગઈ હોય તેમના જીવન ચરિત્ર પર આધારીત પ્રશ્નોત્તરી ગોઠવી આ ટેસ્ટ લઈ શકાય અને જેનો પ્રથમ નંબર આવે તેને કુમારપાળ-શ્રીપાળ વગેરેનું બિરુદ આપી બહુમાન કરી શકાય.

૨) આંગી, ઓછા ચોખામાં સાથિયો અને નંદાવર્ત ટેસ્ટ ઃ આ ટેસ્ટમાં સામુહિક અષ્ટપ્રકારી પૂજા દરમ્યાન ગોઠવી શકાય છે. ચંદનપૂજા પછી થોડો સમય આપી ભગવાનની આંગી ટેસ્ટ ગોઠવવો જોઈએ. બને ત્યાં સુધી આંગીનો સામાન સંઘમાંથી આપશો તો છોકરા ઉત્સાહપૂર્વક ભાગ લેશે. પછી અક્ષત પૂજા વખતે સૌથી ઓછા ચોખામાં સાથિયો બનાવનાર અને સંપૂર્ણ નંદાવર્ત બનાવનારને ત્રણ નંબર આપી શકાય.

૩) સ્મરણશક્તિ ટેસ્ટ ઃ ગોળ રાઉન્ડમાં બેસાડી, બેઠેલા પાસે દર્શન જ્ઞાન અને ચારિત્રના ઉપકરણોનાં નામ બોલાવો. દરેક નામો વધારતા-વધારતા બોલાવતા જવા જેનો ક્રમ તૂટે કે ઓછા નામ બોલે તે આઉટ થતા જાય જે છેલ્લા ત્રણ બાકી રહે તેમાંથી જે સૌથી છેલ્લે સુધી રહે તેને પ્રથમ નંબર આપવો.

૪) હાઉસી ટેસ્ટ ઃ આ ટેસ્ટમાં સૌ પ્રથમ શક્ય હોય તો ૧૦૮ તીર્થના નામની ચિઠ્ઠીઓ બનાવવી. દરેક સ્પર્ધકે પોતાની પાસે એક પેન અને કાગળ રાખવો ત્યારબાદ સ્પર્ધા લેનાર વ્યક્તિ વારા-ફરતી ૧૦૮ તીર્થના નામો જાહેર કરે. દરેક સ્પર્ધક તેમાથી પોતાના મન-ગમતા ૧૫ તીર્થના નામ લખશે. દરેક પંદર નામ પાંચ પાંચ અને એની નીચે બીજા પાંચ એમ ત્રણ લાઈનમાં લખવા. પછી નાના બાળકો દ્વારા પેલી ચિઠ્ઠિઓ વારાફરતી ઉપાડીને જાહેર કરે. સ્પર્ધક એ પોતાના નામ માંથી એક નામ હોય તો ટીક કરવું. એમ વારાફરતી ૧૦૮ નામ બોલવા. એમાં પ્રથમ નામ જેને આવે તે ત્રીજો (૩) નંબર. પ્રથમ અને બીજી બે લાઈન પૂરી કરી તેને બીજો (૨) અને પંદરે પંદર નામો પુરા કરે તેને પ્રથમ (૧) નંબર આપવો.

૫) કાઉસગ્ગ ટેસ્ટ ઃ આ ટેસ્ટમાં સ્પર્ધકને સાચો કાઉસગ્ગ શીખવાડે છે. આમાં જેટલા વ્યક્તિ હોય તેને લાઈનસર ગોઠવી દેવા. પછી કાઉસગ્ગની સાચી રીત શીખવાડવી. કાઉસગ્ગમાં બે પગ વચ્ચે આગળ ચાર આંગળ અને પાછલ ત્રણ આંગળ જેટલું અંતર. બન્ને બાજુ હાથ સીધા રાખવા. મુઠ્ઠીન વાળવી. નજર સ્થાપનાચાર્ય  સામે રાખવી. જરાયે હલવું નહીં. વગેરે સૂચના આપીને અન્નથ કહીને કાઉસગ્ગ મુદ્રામાં ઉભા રાખવા. પછી જે કાઉસગ્ગ મુદ્રામાં ન હોય અથવા આંખો બંધ હોય, હાથ હલતા હોય ઉપરના મુદ્દામાંથી એક મુદ્દો

 

ન પાળ્યોહોય તેને આઉટ કરવા છેલ્લે જેટલા વધે તેઓને ડગમાવવા એક નાનો બાળક સંગમ બનાવીને મોકલવો. છેલ્લે ત્રણ જણા વધે ત્યારે તેમાંથી તેમને ક્રમસર નંબર આપવો. (નોધ ઃ સંગમ બનનાર વ્યક્તિ  સ્પર્ધકના શરીરને અડે નહીં.)

૬) શેર બજાર ઃ આ સ્પર્ધામાં જેટલા વ્યક્તિ હોય તેટલી નાની ચિઠ્ઠી બનાવી વ્યક્તિ પ્રમાણે ચિઠ્ઠીને વહેંચવી. જેમ કે, ૪૦ વ્યક્તિ હોય તો એક નામની ચાર ચિઠ્ઠી બનાવવી. અને તેવી કુલ દસ ચિઠ્ઠી બનાવવી. ચાર થી વધારે ઓછી ચિઠ્ઠી બનાવી શકાય. ત્યારબાદ વ્યક્તિ પ્રમાણે ચિઠ્ઠીને વહેંચવી અથાવ એક જગ્યાએ બધી ચિઠ્ઠી મુકવી. અને સ્પર્ધકોને તેમાંથી એક ચિઠ્ઠી ઉપાડવા માટે કહેવું. આ સમયે કોઈએ પણ ચિઠ્ઠી ખોલીને જોવું નહીં. ચાલીસ ચિઠ્ઠી વહેંચાય પછી બધાને સાથે ચિઠ્ઠી ખોલવા માટે કહેવું. જાહેર કરવું કે દરેક ચિઠ્ઠીમાંનું નામ જોરશોરથી બોલવું અને તે નામની બીજી, ત્રણ વ્યક્તિને ગોતવી ચારે જણા ભેગા થતા તરત આપણી પાસે આવે. જે ગ્રુપ પહેલું આવે તેને  બીજો નંબર અને ત્રીજું આવે તેને ત્રીજો નંબર તેમ ત્રણ નંબર આપવા.

૭) સૂત્ર લખવાની ટેસ્ટ ઃબે પ્રતિક્રમણના સૂત્રોમાં વંદિત્તા સુધીના સુત્રોમાંથી કોઈ પણ એક સૂત્ર શુદ્ધિ પૂર્વક લખાવવા જે સૌથી ઓછી ભૂલ સાથે સુંદર અક્ષરે અને સ્વચ્છ લખે તેઓને ત્રણ નંબર આપવા.

૮) મિચ્છામિ દુક્કડમ્ , નવકાર, અરિહંત લેખન ટેસ્ટ ઃ દરેક  સ્પર્ધકે પોતાની યથાશક્તિ પ્રમાણે થર્મોકોલ, લાકડાની સીટ, ડ્રોેઈંગ પેપર ઉપર અલગ અલગ ડીઝાઈન પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ અથવા સંપૂર્ણ નવકાર અને અરિહંત બનાવીને આપવાના આમાથી પણ ત્રણ નંબરે આપવાના. આ વસ્તુઓ વરઘોડા દરમ્યાન શોભામાં પણ મુકી શકાય છે.

૯) બર્થ ડે કાર્ડ અને ભગવાનનું પારણું બનાવવાની ટેસ્ટ ઃ ઉપર જણાવ્યા મુજબ પોતાની યથાશક્તિ પ્રમાણે વસ્તુ વાપરીને ભગવાન શ્રી મહાવીર સ્વામીને જન્મદિનની શુભેચ્છા પાઠવવા પોતાની હાથ બનાવટનું બર્થડે કાર્ડ બનાવવાનું અને ભગવાનને ઝુલાવવા પારણું બનાવવાનું. આમાં પણ સારું અને સુંદર બનાવનારને ત્રણ નંબર આપવા.

૧૦) અંતાક્ષરી ઃઆ ટેસ્ટમાં અલગ અલગ ગ્રુપ પાડી ત્રણ રાઉન્ડ લઈ શકાય. પ્રથમ રાઉન્ડમાં છેલ્લા અક્ષર પરથી સ્તવન અથવા ગીત ગવડાવવું. બીજા રાઉન્ડમાં સ્તુતિ બોલાતી હોય તે આખી સ્તુતિમાંથી એમ શબ્દ લઈ સ્તુતિ ગવડાવવી અને ત્રીજા રાઉન્ડમાં એક શબ્દ આપવામાં આવે તેના પરથી સ્તવન સ્તુતિ ગીત બોલાવવું. આમાં પ્રથમ રાઉન્ડમાં ૧૦, બીજા રાઉન્ડમાં ૧૦ અને ન આવડે તો - ૫, ત્રીજા રાઉન્ડમાં  + ૨૦ અને ન આવડે તો - ૧૫, આ પ્રમાણે પોઈન્ટ આપવા. સૌથી વધારે પોઈન્ટ વાળું ગ્રુપ વિજેતા બને.આ રીતે સૂત્ર અંતાક્ષરી પણ રાખી શકાય.

૧૧) નિબંધ સ્પર્ધા ઃ ઉપરના વિષયો ઉપર અથવા તો ‘વિશ્વધર્મ કોણ બની શકે?’, ‘માનુ મુલ્ય’, ‘ટીવી જોવું યોગ્ય કે અયોગ્ય’ વગેરે વિષયો ઉપર નિબંધ સ્પર્ધા રાખી શકાય છે.

૧૨) એક જ ગીતને અલગ અલગ રાગમાં ગાવાની સ્પર્ધા ઃ આ સ્પર્ધા સ્પર્ધકે પોતે પોતાના મન પસંદ ગીત અથવા સ્તવન, સ્તુતિ અલગ અલગ રાગમાં ગાઈને બતાવે. જે સૌથી વધુ રાગમાં ગીત ગાઈ બતાવે તેને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ કે તેથી વધુ નંબર આપી શકાય છે.

૧૩) ૨૭ ડંકાની ટેસ્ટ ઃજે બાળક કાંસાની થાળીનાા પુજા કરતી વખતે અથવા તો પૂજન વખતે ૨૭ ડંકા તાલબદ્ધ અને સુંદર રીતે વગાડી બતાવે તેને નંબર આપવા.

૧૪) દાંડીયા ટેસ્ટ ઃદેરાસરમાં ભાવના કે પૂજન કરતી વખતે નૃત્ય પૂજા કોઈ બાળક દાંડીયાને તાલ બદ્ધ રીતે રમે. અને સૌથી સારા દાંડિયા લે તેને નંબર આપી શકાય.

૧૫) ગહુંલી ટેસ્ટ ઃ દેરાસરમાં ભગવાન સન્મુખ અક્ષતની અલગ અલગ આકારની ગહુંલીઓ બનાવવાની સ્પર્ધા રાખવી જોઈએ. જેમાં સૌથી સારી ગહુંલીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબર આપવા.

૧૬) એક જ વાક્યને અલગ અલગ રાઈટીંગમાં લખવાની ટેસ્ટ ઃ દરેક સ્પર્ધકને એક કાગળ અને પેન લઈને બેસવું. સ્પર્ધા લેનાર વ્યક્તિ એક લાઈન લખાવે તેને સ્પર્ધકે અલગ અલગ રાઈટીંગમાં લખવું જેમ કે, આડી ઉભી, ત્રીકોણ રીતે, ગોળમાં નાના અક્ષરેથી મોટા અક્ષરે વગેરે લખાવું. જે સૌથી વધુ રાઈટીંગથી લખે તેને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબર આપવા.

૧૭) પેટી શણાગર ટેસ્ટ ઃદરેક સ્પર્ધક પોતપોતાની પૂજાની પેટીને શણગારે તેમાં અષ્ટપ્રકારી પૂજાનો સામાન ગોઠવાયેલો હોય. આંગીનો સામાન સરસ રીતે પડ્યો હોય, સ્વચ્છ હોય અને સૌ ને જોવી ગમે એવી હોય એવી ત્રણ શ્રેષ્ઠ પેટી પસંદ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબર જાહેર કરવાં.

૧૮) કંઠસ્થ ટેસ્ટ ઃ હાલરડું, ૨૭ ભવનું સ્તવન, પર્યુષણની થોયો, સ્તવન સજઝાય રત્નાકર પચ્ચીશી, ચોવીસ ભગવાનના નામ અને લાંછન વગેરે કંઠસ્થ કરવાની ટેસ્ટ ગોઠવી શકાય.

 (નોંધ ઃ પાઠશાળાના શિક્ષકો દ્વારા જાણી લેવું કે, તે બાળકે અગાઉ પાકું કરેલ છે કે નહીં.)

૧૯) સૌથી વધુ સામાયિક સ્પર્ધા ઃ પર્યુષણના આઠ દિવસ દરમ્યાન અથવા તો રવિવાર જેવા રજાના દિવસોમાં સૌથી વધુ સામાયિક જે કરે તેને ઈનામ આપવું. આમ ત્રણ નંબર આપવા.

૨૦) ખમાસમણ ટેસ્ટ ઃ દરેક સ્પર્ધકોને બે બેના ગ્રુપમાં સામ સામે ઉભા રાખવા. પહેલા પ્રથમ લાઈનના સ્પર્ધકો ખમાસમણ દે ત્યારે બીજી લાઈનવાળા ગણે અને બીજા લાઈન આપે ત્યારે પહેલી લાઈન ગણે. એક મિનિટમાં જે સૌથી વધુ ખમાસમણ આપે તેને નંબર આપવો. દરેક ખમાસમણ પંચાગ પ્રણિપાત જ હોવા જોઈએ.

૨૧) ધ્યાન ટેસ્ટ ઃ પદ્માસનમાં બેસાડી હાથમાં પંજા સુધી ઘુંટણપર રાખવી. આંખ મીંચી જે વધુ સમય બેસી શકે તેવા ત્રણ નંબરો આપવા.

૨૨) નૃત્ય ટેસ્ટ ઃ ભાંગડા, ગરબા, ત્રિતાલ, નાગીન વગેરે જુદા જુદા પ્રકારનાં નૃત્યો મ્યુઝિક તથા તબલાના તાલ સાથે કરાવી જેના સ્ટેપ બરાબર પડે તેવા બાળકોનાં નંબર આપવા.

૨૩) ઉખાણા - કોયડા - શાયરી સ્પર્ધા ઃર્ધાિમક ઉખાણાંઓ - પુછી તેના જવાબો માંગવા તથા તેવા હોંશીયાર બાળકોનાં નંબર આપવા તથા ઉખાણા-કોયડાની લેખિત ટેસ્ટ પણ રાખી શકાય જે વધુમાં વધુસારા  ઉખાણા લખી લાવે તેવા બાળકોનાં નંબર આપવા. આ જ રીતે સંસ્કારલક્ષી બોધદાયક પણ રાખી શકાય છે.

૨૪) પંકતિપૂર્ણ ટેસ્ટ ઃસ્તવન, થોય, ગીત વગેરેનું છેલ્લું ચરણ બોલી સ્પર્ધકને સ્તવનાદિ પંકતિ બોલવાનું કહેવું જે શુદ્ધ બોલે તેવા બાળકોને નંબંર આપવો.

૨૫) સાચુ લખો ટેસ્ટ ઃ દા. ત. મહારાજ સાહેબ ! મારા ઘરે જમવા ચાલોને, ગુરુજી તમે કપડા ક્યારે ધોવાનાં છો વગેરે જેવા ૩૦, ૪૦ કે ૫૦ જુદી જુદી જાતનાં ખોટા વાક્ય લખી બાળકો પાસે સાચા વાક્ય લખાવવાની લેખિત સ્પર્ધા ગોઠવવી.

૨૬) સ્મૃતિ ટેસ્ટ ઃ ૪૦ થી ૫૦ દર્શન, જ્ઞાન, ચારિત્રનાં ઉપકરણો બાળકોને ક્રમશઃ બતાડતા જઈને ઉપયોગ કહેવો. છેલ્લે કોરા કાગળમાં બાળકો પાસે તે નામો લખાવડાવવા જે બાળકો ક્રમસરતથા વધારે નામો લખે તેને ઈનામ આપવા.

૨૭) નાટક, એક પાત્રીય અભિનય સ્પર્ધા ઃઆ માટે તપોવન પ્રકાશિત તપોવન સ્ટેજ પ્રોગ્રામ, ચાલો વક્તા બનીએ  પુસ્તકમાંથી નાટકો તથા અૈતિહાસીક પાત્રૌ બાળકો પાસે તૈયાર કરાવી સ્પર્ધા ગોઠવી શકાય.

૨૮) આઈ ક્યુ ટેસ્ટ ઃ (૧) રાજા, તલવાર, હાથી જંગલ, ચશ્મા, બકરી, વાંદરો વગેરે ત્રીસ કે વધુ નામો બોલી તેનુ સંકલન કરતાં જવું. પછી બાળકો પાસે મૌખિક બોલાવવું વધુ બોલનારને ઈનામ.

૨૯) વેશભૂષા સ્પર્ધા ઃ ભિખારી, સિપાહી, રાજા, શેઠ, મંત્રી વગેરે જુદા જુદા પાત્રોનો વેશ પહેરીને સ્ટેજ ઉપર આવે તેમાં આબેહૂબ વેશ પરિધાન કરનાર તથા તે પ્રમાણેના હાવભાવ કરનારને નંબરો આપવા.

૩૦) વાદ્ય વાદન ટેસ્ટ ઃ મંજીરા, તબલા, કેસીઓ, તાળીનાં તાલ વગેરે પદ્ધતિસર વગાડનારનાં નંબરો આપી ઈનામ આપવા.

૩૧) એક મિનિટ ટેસ્ટ ઃ એક જ મિનિટમાં અરિહંત લેખન, ચોવીસ ભગવાનનાં નામ લેખન, નવકાર લેખન વગેરે જે બાળક વધુ લખે કે બોલે તેને નંબર આપી ઈનામો આપવા.

અન્ય વિવિધ પ્રવૃત્તિઓ

૧) પોઈન્ટ સિસ્ટમ ઃ પર્યુષણમાં આઠ દિવસ દરમ્યાન દરેક બાળક વિરાધનાથી બચે એ માટે દરેક બાળક પાળી શકે તેવા નિયમોની નોંધપોથી બનાવવી. જે બાળક સૌથી વધુ નિયમ પાળે તેને ઈનામ આપવું.

૨) સાંસ્કૃતિક પ્રોગ્રામ ઃ સંવત્સરીના બીજા દિવસે પાઠશાળાના બાળકોને પ્રોત્સાહિત કરો ને તેમને નાટક, એક પાત્રિય અભિનય, સંવાદ વગેરે તૈયાર કરાવડાવી કરાવવા જોઈએ. તેમાં પણ શ્રેષ્ડ અભિનય કળા કરનારને  ઈનામ આપી પ્રોત્સાહિત કરવો જોઈએ.

૩) કુમારપાળ મહારાજની આરતી ઃ સંવત્સરીના દિવસે સાંજે કુમારપાળ રાજા બનવાની બોલી બોલાવીને તેની ભવ્ય આરતી રાખવી જોઈએ.

૪) વેશભૂષા ઃવરઘોડાના દિવસે પાઠશાળાના બાળકોને તૈયાર કરી વિવિધ વેશભૂષા આ પહેરાવી વરઘોડામાં બેસાડવા જોઈએ. જેથી વરઘોડાનું આકર્ષણ વધશે.

૫) છેલ્લે દિવસે પૌષધ ઃબને તેટલા યુવાનો બાળકોને પ્રોત્સાહન કરી છેલ્લે સંવત્સરીને દિવસે પૌષધ કરાવવો જોઈએ.

૬) અઢાર અભિષેક ઃ દેરાસરજીની શુદ્ધિ માટે અઢાર અભિષેકનો પ્રોગ્રામ કરાવવો જોઈએ.

૭) સામુહિક અષ્ટપ્રકારી પૂજા ઃ સંઘમાં જો પાઠશાળા ચાલતી હોય તો પાઠશાળાના બાળકોના બે - બે અથવા ત્રણ - ત્રણના ગ્રુપ બનાવીને દરેક ગ્રુપમાં એક એક ધાતુના પ્રતિમાજી આપીને ભગાવની અષ્ટપ્રકારી પૂજા (૧) જળપૂજા (૨) ચંદન પૂજા (૩) પુષ્પ પૂજા, (૪) ધુપ પૂજા, (૫) દીપક પૂજા, (૬) અક્ષત પૂજા, (૭) નૈવેદ્યપૂજા, (૮) ફળ પૂજા, આ રીતે પૂજાનું આયોજન કરવું જોઈએ. (નોંધ ગ્રુપ ગમે તેટલા વિદ્યાર્થીઓના બનાવી શકાય.