આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

પાઠશાળા પ્રશ્નોતરી

પાઠ - ૧

સ. ૧. જૈન કોને કહેવાય ?

જ. ૧.  શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જૈન કહેવાય.

સ. ૨. જૈન ધર્મ એટલે શું ?

જ. ૨.  શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલો ધર્મ.

સ. ૩. શ્રી જિનેશ્વર ભગવાન કોને કહેવાય ?

જ. ૩.  જેમણે રાગ દ્વેષ જીત્યા હોય, જેમનામાં સર્વે ગુણો હોય અને એક પણ દોષ ન હોય તેમને શ્રી

   જિનેશ્વર ભગવાન કહેવાય.

સ. ૪. જૈન ધર્મના બીજાં નામો કયાં કયાં છે?

જ. ૪.  જૈન ધર્મનાં બીજાં નામો દયાધર્મ્, સ્યદ્વાદધર્મ, આર્હત ધર્મ વગેરે છે.

સ. ૫. શ્રી જિનેશ્વર ભગવાન કેટલા થયા છે?

જ. ૫.  આ અવર્સિપણીમાં શ્રી જિનેશ્વર ભગવાન ચોવીસ થયા છે.

સ. ૬. શ્રી જિનેશ્વર ભગવાનનાં બીજાં નામો આપો.

જ. ૬.  અરિહંત, તીર્થંકર, વીતરાગ, જિનેશ્વર, પરમાત્મા, ભગવાન, દેવાધિદેવ વગેરે.

સ. ૭. દહેરાસરમાં પેસતાં શું બોલવું? અને પ્રભુ નજરે પડે ત્યારે શું બોલવું?

જ. ૭.  દહેરાસરમાં પેસતાં ત્રણવાર નિસીહિ અને પ્રભુ નજરે પડે ત્યારે બે હાથ જોડીને "નમો જિણાણં" બોલવું.

સ. ૮. ગુરૂ મહારાજ મળે ત્યારે શું બોલવું?

જ. ૮.  બે હાથ જોડી ને ‘મત્થેણ વંદામિ’ બોલવું.

પાઠ - ૨

સ. ૧. હાલમાં કયાં ભગવાનનું શાસન ચાલે છે?

જ. ૧.  હાલમાં ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામી પરમાત્માનું શાસન ચાલે છે.

સ. ૨. તત્ત્વ કેટલાં છે ? અને તે ક્યાં ક્યાં?

જ. ૨.  તત્ત્વ ત્રણ છે. (૧) દેવ (૨) ગુરુ (૩) ધર્મ.

સ. ૩. ધર્મ એટલે શું ?

જ. ૩. જીવને દુર્ગતિમાં જતો અટકાવી સારી ગતિમાં લઈ જાય અને પરંપરાએ મોક્ષ પમાડે  તે.

સ. ૪. શ્રાવક એટલે શું?

જ. ૪. શ્રાવક એટલે શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનો ઉપર શ્રદ્ધા રાખે, વિનય - વિવેક રાખે અને દર્શન,   પૂજા, સામાયિક, પ્રતિકરણ, પૌષધ કરે તથા દેવ-ગુરુની ભક્તિ વગેરે કરે તે.

સ. પ. શ્રાવક શબ્દનો અર્થ આપો.

જ. પ.  ‘શ્ર’  અક્ષરથી શ્રદ્ધા રાખે.

  ‘વ’ અક્ષરથી વિનય વિવેક રાખે.

  ‘ક’ અક્ષરથી ક્રિયા કરે.

સ. ૬.  શ્રી નવકાર મંત્ર કયારે કયારે સ્મરણ કરાય છે?

જ. ૬. આ મહામંત્ર ઉપદ્રવની શાન્તિ માટે, તેમજ માંગલિક માટે સ્મરણ કરાય છે. ઉત્તમ મનુષ્યો સૂતાં,    બેસતાં, ઊઠતાં, બોલતાં, ચાલતાં, તેમજ કોઈ પણ કાર્ય કરતાં રાત્રે અગર દિવસે સર્વ સ્થળે આ     નવકાર મંત્રને યાદ કરે છે.

સ. ૭. સામાયિક એટલે શું?

જ. ૭. સામાયિક એટલે સમતાનો લાભ, જેનાથી જૂનાં બંધાયેલા કર્મો નાશ પામે અને નવાં કર્મ બંધાતાં    અટકી જાય, એવી શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલી ક્રિયા.

સ. ૮. સામાયિકનો કાળ કેટલો?

જ. ૮.  ૪૮ મિનિટનો, પોણો કલાક અને ત્રણ મિનિટનો અથવા બે ઘડીનો.

સ. ૯. શ્રી જિનપૂજા પ્રભુના કયા કયા નવ અંગે કરાય છે ?

જ. ૯.  ૧. જમણા અને ડાબા પગનના અંગૂઠે.

  ૨. જમણા અને ડાબા ઢીંપણે.

  ૩. જમણા અને ડાબા કાંડે.

  ૪. જમથા અને ડાબા ખભે.

  ૫. મસ્તકે (શિખાએ) ૬. કપાળે.

  ૭. કંઠે  ૮. હૃદયે ૯. નાભીએ.

સ. ૧૦. પ્રભુને અંગે પૂજા કરવાનું શું કારણ?

જ. ૧૦. પ્રભુ નવ તત્ત્વના ઉપદેશક છે અને એ નવ તત્ત્વોમાં દુનિયાનાં સર્વ તત્ત્વોનો સમાવેશ થાય છે, માટે     પ્રભુને નવ અંગે પૂજા કરવી જોઈએ.

સ. ૧૧. પ્રભુદર્શન કેવી રીતે કરવાં જોઈએ?

જ. ૧૧. સંસારના વિચારોનો ત્યાગ કરી, બે હાથ જોડી, માથું નમાવી, પ્રભુની સમક્ષ દ્રષ્ટિ રાખીને, પ્રભુના     ગુણો યાદ કરવાપૂર્વક પ્રભુદર્શન કરવાં જોઈએ.

સ. ૧૨. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા શા માટે દેવી જોઈએ?

જ. ૧૨. દર્શન, જ્ઞાન અને ચારિત્ર - એ ત્રણની પ્રાપ્તિ માટે અને સંસારના ચોરાશી લાખ ફેરા ટાળવા માટે      પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેવી જોઈએ.

સ. ૧૩. આપણાં તીર્થોનાં નામ આપો.

જ. ૧૩.  શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, અચલગઢ, સમેતશિખરજી, શંખેશ્વર, કુભારીયાજી,      મક્ષીજી, અંતરિક્ષ પાર્શ્વનાથ, તારંગાજી, રાણકપુર, ભોયણી, પાવાપુરી, ચંપાપુરી, કેશરીયાજી,      પાનસર, શેરીસા વગેરે.

 

પાઠ - ૩

સ. ૧. પ્રતિક્રમણ એટલે શું?

જ. ૧. પ્રતિક્રમણ એટલે પાપથી હઠવું, પાપ ધોવાઈ જાય-પાપનો નાશ થાય તેવી જ્ઞાની ભગવન્તોએ બતાવેલી   મહાન ક્રિયા.

સ. ૨. પ્રતિક્રમણ શા માટે કરવું જોઈએ?

જ. ૨.  દિવસનાં કે રાત્રિનાં થયેલા પાપોનો નાશ કરવા પ્રતિક્રમણ કરવું જોઈએ.

સ. ૩. પ્રતિક્રમણ કેટલાં છે? અને તે કયાં કયાં?

જ. ૩. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં છે (૧) દેવસિ (૨) રાઈઅ (૩) પક્ખી (૪) ચૌમાસી (૫)સંવચ્છરી.

સ. ૪. રાત્રિભોજન કરવાથી શું નુકશાન થાય છે?

જ. ૪. રાત્રિભોજન કરવાથી જિનાજ્ઞાભંગનો મહાન દોષ લાગે છે અને શુભ પરિણામનો નાસ થાય છે. વળી   આજના વૈજ્ઞાનિકો પણ કહે છે કે રાત્રે જમવાથી પાચનતંત્ર ઉપર અસર થાય છે. સુસ્તી, આળસ,   નિરાશા - હતાશા વગેરે જલ્દી આવે છે. પર ભવમાં કાગડા, ઘુવડ, ગીધ, બીલાડી, શિયાળ, સાપ,   વીંછી, અને ગરોળી જેવા દુષ્ટ અવતાર પ્રાપ્ત થાય છે. અહીં પ્રત્યક્ષ પણ ઘણાં નુકસાન થાય છે.   ભોજનમાં કીડી આવી જવાથી બુદ્ધિનો નાશ થાય છે. જુથી જલોદરનો રોગ થાય છે. માખીથી ઊલટી   થઈ જાય છે.  કરોળિયો કોઢરોગ કરે છે. આ તથા બીજા ઘણા દોષો અને અપચો વગેરે રોગો થાય   છે. માટે કદી  પણ રાત્રિભોજન કરવું નહી.

સ. ૫. પાંચ પરમેષ્ઢિનાં નામ આપો.

જ. પ.  પાંચ પરમેષ્ઢિ-

 (૧) અરિહંત, (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ.

સ. ૬. નવકારવાળીમાં ૧૦૮ મણકા રાખવાનું શું કારણ?

જ. ૬.  પંચપરમેષ્ઢીના ગુણો ૧૦૮ છે. તેનું સ્મરણ કરવાં માટે ૧૦૮ મણકા રાખવામાં આવે છે.

સ. ૭. વિહરમાન તીર્થંકર એટલે શું ? તે કેટલા છે? અને ક્યાં વિચરે છે?

જ. ૭.  વિહરમાન તીર્થંકર એટલે વિચરતા તીર્થંકરો, તે ૨૦ છે, તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે.

સ. ૮. સંઘ એટલે શું? તે કેટલા પ્રકારના છે ? અને કયો કયો છે?

જ. ૮. સંધ એટલે શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનનારાઓ અને પાલન કરનારાઓનો સમૂહ, તે ચાર   પ્રકારના છે.

 (૧) સાધુ (૨)સાધ્વી (૩)શ્રાવક (૪) શ્રાવિકા.

સ. ૯. ક્ષેત્ર એટલે શું? અને તે કેટલાં છે? તેનાં નામ આપો.

જ. ૯. ક્ષેત્ર એટલે જયાં ધન-ધાન્ય-વસ્ત્ર-પાત્ર વગેરે વાપરવાથી ઘણો લાભ મળે એવાં ઉત્તમ સ્થાનો તે સાત   છે.

 (૧) જિનમંદિર (૨) જિનપ્રતિમા (૩) જિનગમ (૪)સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા.

સ. ૧૦. શિયળ (બ્રહ્મચર્ય)વ્રતની નવ વાડો કઈ કઈ છે?

જ. ૧૦. સ્ત્રી,પશુ, નપુંસક ન રહેતા હોય એવા સ્થાનમાં રહેવું

 ૨)  સ્ત્રીની સાથે રાગથી વાર્તા ન કરવી.

 ૩)  સ્ત્રી જે આસને બેઠી હોય તે આસને પુરુષે બે ઘડી સુધી બેસવું નહિ. અને પુરુષ બેઠો    હોય તે   આસન ઉપર સ્ત્રીએ ત્રણ પહોર સુધી બેસવું નહી.

 ૪)  સ્ત્રીનાં અંગોપાંગ રાગથી જોવાં નહિ.

 ૫)  જયાં સ્ત્રી પુરુષ સૂતાં હોય અથવા કામક્રીડાની વાતો કરતાં હોય ત્યાં ભીત પ્રમુખને આંતરે    રહેવું નહિ.

 ૬)  સ્ત્રીની સાથે પહેલાં ભોગવેલા ભોગો સંભારવા નહિ.

 ૭)  વિકાર ઉત્પન્ન કરે એવી દૂધ, ઘી, વગેરે રસવાળા આહાર ન કરવા.

 ૮)  ભૂખ શાન્ત થાય તે કરતાં વધારે અને ભારે આહાર ન કરવો.

 ૯)  શરીરની શોભા વગેરે ન કરવી.

પાઠ - ૪

સ. ૧. નિસીહિ એટલે શું? તે કેટલી છે ? તે ક્યારે ક્યારે કહેવાય ? અને કઈ કઈ   નિસીહિથી હયો કયો   ત્યાગ કરવો?

જ. ૧. નિસીહિ એટલેે સાવધ ક્રિયાનો ત્યાગ કરવો. તે ત્રણ છે.

 (૧) દહેરાસરમાં મુખ્ય દ્વારમાં પેસતાં-

 આ નિસીહિથી ઘરના તમામ કામકાજનો ત્યાગ થાય છે.

 (૨) દહેરાસરના મુખ્ય ગભારા આગળ-

 આ નિસીહિથી દહેરાસર સંબંધી કામકાજનો ત્યાગ થાય છે.

 (૩) ચૈત્યવંદન કરતાં પહેલાં-

 આ નિસીહિથી દ્રવ્યપૂજાનો ત્યાગ થાય છે.

સ. ૨. આરતિ અને મંગળ દીવો શા માટે ઉતારવો ?

સ. ૨.  આરતિ ઉતારવાથી શરીરની તથા મનની પીડા દૂર થાય છે અને મનને શાન્તિ મળે છે.

સ. ૩. આરતિ અને મંગળ દીવો કેવી રીતિએ ઉતારવો?

જ. ૩.  તે ડાબી બાજુએથી ઊંચે લઈ જઈને જમણી બાજુએ ઉતારવો, તેમજ તે નાભિની નીચે અને   મસ્ત્કથી ઉપર લઈ જવો જોઈએ નહિ, ઊલટી રીતિએ ઉતારવાથી આશાતના થાય છે.

સ. ૪. સાથીઓ શા માટે કરવો જોઈએ?

સ. ૪.  ચાર ગતિનો નાશ કરવા માટે સાથીઓ કરવો જોઈએ.

સ. ૫. ગતિ કેટલી છે? અને તે કઈ કઈ ?

જ. ૫.  ગતિ ચાર છે. (૧) દેવગતિ (૨) મનુષ્યગતિ, (૩) તિર્યંચગતિ (૪) નરકગતિ.

સ. ૬. સાથીઆ ઉપરની ત્રણ ઢગલીને શું કહેવાય?

જ. ૬.  સાથીઆ ઉપરની ત્રણ ઢગલીને રત્નત્રયી કહેવાય.

સ. ૭. રત્નત્રયીનાં નામ આપો.

જ. ૭.  ૧) દર્શન,  ૨) જ્ઞાન ૩) ચારિત્ર.

સ. ૮. સાથીઆ ઉપરની ત્રણ ઢગલી ઉપર અર્ધચંદ્ર જેવો આકાર કરીએ છીએ તે શું કહેવાય?

જ. ૮.  સિદ્ધશીલા કહેવાય.

સ. ૯. સાથીઓ કરીને શું બોલવું?

જ. ૯.  હે પ્રભુ! ચાર ગતિમાંથી છૂટવા દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરી સિદ્ધશિલા      ઉપર   પહોંચવા શક્તિમાન કરો.

સ. ૧૦. આવશ્યક એટલે શું? તે કેટલાં છે? અને કયાં કયાં છે?

જ. ૧૦. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય કરણી. તે ૬ છે. (૧) સામાયિક (૨) ચઉવીસત્થો    (૩) વાંદણાં (૪) પડિક્કમણું (૫) કાઉસ્સગ્ગ (૬) પચ્ચક્ખાણ.

સ. ૧૧. વ્યસન એટલે શું? તે કેટલાં છે ? કયાં કયાં?

જ. ૧૧.  વ્યસન એટલે જીવને આ ભવ અને પરભવમાં દુઃખ આપનારી ભયંકર કુટેવો. તે સાત છે.

 (૧) જુગાર રમવો, (૨) માંસ ખાવું, (૩) દારૂપીવો, (૪) પરસ્ત્રી સાથે સંગ કરવો.

 (૫) વેશ્યાનો સંગ કરવો, (૬) ચોરી કરવી, (૭) શિકાર કરવો.

સ. ૧૨. શ્રી મહાવીર પ્રભુનાં બીજાં નામ આપો.

જ. ૧૨.  વીર, વર્ધમાન, ચરમજિન, સિદ્ધાર્થ નંદન, જ્ઞાતપુત્ર વગેરે.

સ. ૧૩. ગુરુ મહારાજનાં બીજાં નામ આપો.

જ. ૧૩.  સાધુ, મુનિ, શ્રમણ, નિગર્રંથ, અણગાર, તપસ્વી, સંયમી વગેરે.

પાઠ - પ

સ. ૧. પૂજાના મુખ્ય કેટલા ભેલ છે? અને કયા કયા?

જ. ૧. પૂજાના બે ભેદ છે. (૧) દ્રવ્યપૂજા (૨)ભાવ પૂજા.

સ. ૨. દ્રવ્યપૂજા અને ભાવપૂજા એટલે શું?

જ. ૨.   દ્રવ્યપૂજા એટલે જલ-ચંદન-પુષ્પાદિ સામગ્રી વડે પ્રભુની પૂજા કરવી તે અને ભાવપૂજા એટલે     ચૈત્યવંદન તથા પ્રભુના ગુણગાન આદિ કરવાં તે.

સ. ૩. દ્રવ્યપૂજા કેટલા પ્રકારની છે?

જ. ૩. દ્રવ્યપૂજા પાંચ, આઠ, સત્તર, એકવીસ, અને એકસો આઠ પ્રકારની છે.

સ. ૪. ભાવપૂજા કેટલા પ્રકારની છે?

જ. ૪. ચૈત્યવંદન કરવું, સ્તુતિ બોલવી, ગીત, નૃત્ય, ભાવના વગેરે ભાવવી તે.

સ. ૫. અષ્ટપ્રકારી પૂજાનાં નામ આપો.

જ. પ. ૧. જલપૂજા, ૨. ચંદન પૂજા, ૩. પુષ્પપૂજા, ૪. ધૂપપૂજા, ૫. દીપકપૂજા, ૬. અક્ષતપૂજા,       ૭. નૈવેધપૂજા. ૮. ફળપૂજા.

સ. ૬. દ્રવ્યપૂજાના મુખ્ય કેટલા ભેદ છે? અને કયા કયા?

જ. ૬. દ્રવ્યપૂજાના બે ભેદ છે. (૧) અંગપૂજા (૨)અગ્રપૂજા.

સ. ૭. અંગપૂજા એટલે શું? અને કઈ કઈ પૂજા અંગપૂજામાં ગણાય છે.

જ. ૭. અંગપૂજા એટલે શુદ્ધ વસ્તુઓ વડે પ્રભુના શરીરે પૂજા થાય તે. પહેલી ત્રણ પૂજા

 (૧) જલપૂજા (૨) ચંદન પૂજા (૩)પુષ્પપૂજા અંગપૂજામાં ગણાય છે.

સ. ૮. અગ્રપૂજા એટલે શું? કઈ કઈ ને પૂજા અગ્રપૂજામાં ગણવામાં આવે છે?

જ. ૮. અગ્રપૂજા એટલે પ્રભુની સામે ઉભા રહીપૂજા થાય તે, છેલ્લી પાંચ પૂજાઓ અગ્રપૂજા    ગણાય   છે. (૪) ધૂપપૂજા (૫) દીપરપૂજા (૬) અક્ષતપૂજા (૭) નૈવેધપૂજા (૮) ફળપૂજા.

સ. ૯. પંચામૃત એટલે શું?

જ. ૯.  દૂધ-દહી-ઘી-સાકર અને પાણી.

સ. ૧૦. જળપૂજા એટલે શું?

જ. ૧૦.  જળપૂજા એટલે પ્રથમ પંચામૃતથી પ્રભુને અભિષેક કરી પછી પાણીથી પ્રક્ષાલ કરવો તે.

સ. ૧૧. ચંદનપૂજા એટલે શું?

જ. ૧૧.  ચંદનપૂજા એટલે કેસર, સુખડ, બરાસ, કસ્તૂરી વગેરેથી પ્રભુની પૂજા કરવી તે.

સ. ૧૨. પુષ્પપૂજા એટલે શું?

જ. ૧૨.   પુષ્પપૂજા એટલે સુગંધી-રંગબેરંગી અને ભાત-ભાતનાં ઉત્તમ ફૂલો પ્રભુને ચઢાવવાં તે.

સ.૧૩.  ધૂપપૂજા એટલે શું?

જ. ૧૩.  ધૂપપૂજા એટલે પ્રભુની સામે ઊભા રહીને દશાંગ-કપૂર અગરબત્તી-ચંદન વગેરેનો ધૂપ કરવો તે.

સ. ૧૪. દીપકપૂજા એટલે શું?

જ. ૧૪.  પ્રભુની સાભે ઊભા રહીને આરતિ-મંગળદીવો ઉતારવો તે અથવા પ્રભુની આગળ  દીપક ધરવો    તે.

સ. ૧૫. અક્ષતપૂજા એરલે શું?

જ. ૧૫.  અક્ષતપૂજા એટલે પ્રભુની સામે ચોખાનો સાથીઓ કરવો તે.

સ. ૧૬. નૈવેધપૂજા એટલે શું?

જ. ૧૬.  નૈવેધપૂજા એટલે સાથીઆ ઉપર પતાસું, સાકર, પેંડા, બરફી વગેરે મૂકવું તે.

સ. ૧૭. ફળપૂજા એટલે શું?

જ. ૧૭. ફળપૂજા એટલે સિદ્ધશિલા ઉપર શ્રીફળ, બદામ, સોપારી, નારંગી, મોસંબી, કેરી, જામફળ વગેરે     મૂકવાં.

 

પાઠ - ૬

સ. ૧. શ્રી જિનેશ્વર ભગવાને ધર્મ કેટલા પ્રકારે કહ્યો છે?

જ. ૧. શ્રી જિનેશ્વર ભગવાને ધર્મ બે પ્રકારનો કહ્યો છે. (૧) સાધુ ધર્મ (૨) શ્રાવક ધર્મ.

સ. ૨. પ્રભુનાં દર્શન કરવાથી શો લાભ થાય ?

જ. ૨. પ્રભુ અઢાર દૂષણોથી રહિત અને સર્વ ગુણોએ સહિત છે, તેથી તેમનાં દર્શન કરવાથી આપણો   આતમા તેમના તરફ વળે છે, દોષો જતા રહે છે અને ગુણો પ્રગટ થાય છે.ટૂંકાણમાં પ્રભુનાં દર્શન   કરવાથી પ્રભુ જેવા ગુણો આવે છે અને દોષો જતા રહે છે.

સ. ૩. દેવગતી અને મનુષ્યગતિમાં કોણ જાય?

જ. ૩. જે જીવ દાન, શીલ, તપ, ભાવના, જિનપૂજા, સામાયિક વગેરે ઉત્તમ કર્યો કરે તે.

સ. ૪. તિર્યંચગતિમાં કોણ જાય ?

જ. ૪. હૃદયમાં આંટી-ઘૂંટી રાખનારા, ઠગાઈ કરનાર, પ્રપંચી, શલ્યવાળા વગેરે તિર્યંચગતિમાં જાય છે.

સ. ૫. નારકીમાં કોણ જાય?

જ. ૫. જે મનુષ્ય અગર તિર્યંચ ઘણાં ભયંકર પાપ કરે તે નકરમાં જાય. જેમકે - પંચેન્દ્રિય     પ્રાણીનો વધ કરે - માંસાહાર વગેરે કરે તે.

સ. ૬. કલ્યાણ એટલે શું? અને તેના નામ આપો.

જ. ૬. કલ્યાણક એટલે કલ્યાણક કરનારા દિવસો, અર્થાત્ જે દિવસોમાં તીર્થંકર પરમાત્મા  દેવગતિમાંથી    કે નરકગતિમાંથી આવી માતાની કુક્ષિમાં આવે, જન્મ પામે, દીક્ષા લે,   કેવળજ્ઞાન પામે અને મોક્ષે   જાય-તે પવિત્ર દિવસો.

સ. ૭. શ્રી મહાવીર પ્રભુનાં પાંચ કલ્યાણક ક્યારે ક્યારે થયાં?

જ. ૭. ચ્યવન - કલ્યાણક...... ....અષાડ સુદ ૬.

  જન્મ - કલ્યાણક..... ....     ચૈત્ર સુદ ૧૩

  દીક્ષા કલ્યાણક.... .....    કારતક વદ ૧૦

  કેવલજ્ઞાન - કલ્યાણક..     વૈશાખ સુદ ૧૦

  મોક્ષ - કલ્યાણક....    આસો વદ ૦))

સ. ૮. ત્રેસઠ શલાકા પુરુષ કયા કયા ?

જ. ૮.   ૨૪. તીર્થંકર, ૯ વાસુદેવ ૯ બળદેળ ૧૨ ચક્રવર્તી ૯ પ્રતિવાસુદેવ.

સ. ૯. ત્રણેય લોકમાં શાશ્વતાં  દહેરાસરો કેટલાં છે?

જ. ૯.    ૮,૫૭,૦૦૨૮૨ ( આઠ ક્રોડ, સત્તાવન લાખ, બસો બ્યાસી)

સ. ૧૦. ત્રણેય લોકમાં શાશ્વતી પ્રતિમાઓ કેટલી છે?

જ. ૧૦. ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ (પંદર અબજ, બેંતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીશ હજાર      એંશી)

સ. ૧૧.  મુહપત્તિ, ચરવળો, કટાસણું, એટલે શું?

જ. ૧૧. મુહપત્તિ એટલે બોલતી વખતે મોં આગળ રાખવાનું કપડું એક વેંત અને ચાર આંગળનું હોય છે.

    ચરવળો એટલે જતાં-આવતાં-બેસતાં-ઊઠતાં જીવરક્ષા કરવાનું સાધન. તે બત્રીસ આંગળનો હોય છે તેની ગણતરી ચોવીસ આંગળની દાંડી અને આઠ આંગળની દશીઓની હોય છે.

    કટાસણું એટલે બેસવા માટેનું ગરમ આસન. તે એક ગજનું હોય છે. ત્રણે ઉપરકણો જીવરક્ષા માટે રાખવામાં આવે છે.

સ. ૧૨. આશાતના એટલે શું ? તે કેટલી અને કઈ કઈ છે?

જ. ૧૨. આશાતના એટલે લાભને બદલે નુકસાન થાય તેવું અયોગ્ય વર્તન, જિનમંદિર સંબંધી આરાતના ૧૦ છે.

        ૧. દહેરાસરમાં તંબોલ ખાવું, પાન ચાવતા દહેરાસરમાં જવું તે. ૨. દહેરાસરમાં પાણી પીવું.   ૩. દહેરાસરમાં ભોજન કરવું ૪. દહેરાસરમાં જોડાં પહેરવાં. ૫. દહેરાસરમાં મૈથુન  સેવવું (ખરાબ વર્તન કરવું) ૬. દહેરાસરમાં સૂઈ જવું ૭. દહેરાસરમાં થૂંકવું ૮. દહેરારમાં  પેશાબ કરવો.          ૯. દહેરાસરમાં ઝાડે જવું ૧૦. દહેરાસરમાં જુગાર રમવો.

સ. ૧૩. પૂજા કરનારે કેટલા પ્રકારની પવિત્રતા સાચવવી જોઈએ અને તે કઈ કઈ ?

જ. ૧૩. પૂજા કરનારે સાત પ્રકારની પવિત્રતા સાચવવી જોઈએ ૧. શરીર પવિતર રાખવું, ૨. વસ્ત્રો ચોખ્ખા રાખવાં. ૩. મનમાં પ્રભુના ગુણના જ વિચારો રાખવા. ૪. દહેરાસરની તથા આસપાસની જમીન સાફ રાખવી. ૫. પૂજાની વસ્તુઓ સારી અને શુદ્ધ રાખવી. ૬. પૂજાની વસ્તુઓ પ્રામાણિક પણાથી ઉપાર્જન કરેલા પૈસાથી લાવવી. ૭. પ્રભુપૂજા વિધિ પ્રમાણે કરવી.

સ. ૧૪. શ્રી જિનેશ્વરની પૂજા શા માટે કરવી?

જ. ૧૪. ઉપસર્ગો નાશ પામે, દુઃખો છેદાઈ જાય અને મન પ્રસન્ન થાય, તેટલા માંટે શ્રી    જિનેશ્વરની પૂજા કરવી.

 

પાઠ -૭

સ. ૧.  પરમેષ્ઢિ એટલે શું?

જ. ૧. પરમેષ્ઢિ એટલે પરમ -ઉચ્ચ સ્થાને બિરાજમાન આત્મા.

સ. ૨. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અન. સાધુ કોને કહેવાય?

જ. ૨. (અ) અરિહંતના ત્રણ અર્થ છે.

 (૧) અરિહંત એટલે ચાર ઘાતીકર્મનો નાશ કરી, કેવલજ્ઞાન પામી , ભવ્ય જીવોને    ઉપદેશ દેતા   તીર્થંકર ભગવાન.

 (૨) ૧૮ દોષોથી રહિત, ૧૨ ગેણોથી યુક્ત, ૩૪ અતિશયો સહિત્ અને વાણીના ૩૫ ગુણોથી યુકત   તીર્થના સ્થાપક તે અરિહંત.

 (૩) અરિ-શત્રુ હંત-હણનાર એટલે કે રાગ-દ્વેષ-આદિ આંતરશત્રુને હણનાર.

 (બ) સિદ્ધ એટલે આઠેય કર્મનો નાશ કરી મોક્ષે ગયા તે.

 (ક) આચાર્ય એટલે ગચ્છના નાયક... આચાર્ય પદથી વિભૂષિત હોય તે.

 (ડ) ઉપાધ્યાય એટલે ભણે-ભણાવે... ઉપાધ્યાય પદથી વિભૂષિત હોય તે.

સ. ૩.  શ્રી જિનેશ્વર ભગવાન ની જેમ બીજા દેવ -દેવીઓને શા માટે ન માનવા?

જ. ૩. બીજા દેવ - દેવીઓ રાગ-દ્વેષથી ભરેલા છે. અને તે તેઓની ર્મૂિતઓ - ચરિત્રો ઉપરથી માલૂમ પડે   છે. તેમને માનવાથી મિથ્યાત્વ દોષ લાગે છે. તેટલા માટે તેઓને ન માનવા.

સ. ૪.  અષ્ટમંગલ એટલે શું?

જ. ૪.    અષ્ટમંગલ એઊલે આઠ માંગલિક વસ્તુઓ.

 ૧. સાથીખો ૨. શ્રીવત્સ. ૩. કુંભ ૪. ભદ્રાસન પ. નંદાવર્ત ૬. મીનયુગ ૭. દર્પણ         ૮. વર્ધમાન.

સ. ૫. જૈન ધર્મના ચાર મંગલરૂપ કોણ ગણાય છે?

જ. ૫. ૧. શ્રી વીર પ્રભુ ૨. ગૌતમ સ્વામી ૩. સ્થૂલભદ્રજી.  વગેરે શીલવાન સાધુઓ ૪. જૈન ધર્મ.

સ. ૬. દહેરાસરમાં પ્રભુની પાસે ચૈત્યવંદન-સ્તવન-થોય કેવાં કહેવા?

જ. ૬. જેમાં પ્રભુના ગુણોનું વર્ણન અને પોતાના આત્મા ની નિંદા કરેલી હોય તેવાં હોય તેવાં બોલવા, બીજાને હરકત ન પંહોચે, કંટાળો ન આવે-તેવી રીતે તેમ જ શાંતિ પૂર્વક મધૂર સ્વરે બોલવાં.

સ. ૭. ચૈત્યવંદન એટલે શું? અને તેના કેટલા પ્રકારો છે?

જ. ૭. ચૈત્યવંદન એટલે શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક વંદન થાય તેવી ક્રિયા તેના ત્રણ પ્રકાર છે.

 ૧. જધન્ય ચૈત્ય વંદન = અરિહંત ચેઈઆણં, અન્નત્થ૦ કહી, એક નવકારનો કાઉસગ્ગ્ કહી, તે પારીને થોય કહેવી તે.

 ૨. મધ્યમ ચૈત્યવંદન = ત્રણ - ખમાસમણ દઈ ચૈત્યવંદન - જંકિતિ-નમુત્થુણં, જાવંતિ ચેઈઆઈં, ખમાસમણ, જાવંત કેવિ સાહૂ, નમોર્હત્, સ્તવન (ઉવસગ્ગહરં), જય વીરાય કહી ઊભા થઈ અરિહંત ચેઈઆઈં-અન્નત્થ કહી નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોર્હત્ કહી છેલ્લે થોય કરવું.

 ૩. ઉત્કૃષ્ટ ચૈત્યવંદન = દેવવંદન કરવું.

સ. ૮. પ્રભુને અષ્ટપ્રકારી પૂજા શા માટે કરવી?

જ. ૮. આઠેય  કર્મનો નાશ કરી મોક્ષે જવા માટે અષ્ટપ્રકારી પૂજા કરવી.

સ. ૯.  શ્રાવકનાં વ્રત કેટલાં છે? કયાં કયાં છે?

જ. ૯. શ્રાવકનાં વ્રત ૧૨ છે. તે નીચે પ્રમાણે છે.

 ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત,   ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, ૪. સ્વદારાસંતોષ પરસ્ત્રીગમન વિરમણ,  ૫. પરિગ્રહ પરિમાણ વ્રત, ૬. દિક્પરિમાણ વ્રત, ૭.ભોગોપભોગપરિમાણ વ્રત, ૮. અનર્થ દંડવિરમણ વ્રત, ૯. સામાયિક વ્રત, ૧૦. દેશાવગાશિક વ્રત, ૧૧. પૌષધોપવાસ વ્રત, ૧૨. અતિશિસંવિભાવ વ્રત.

સ. ૧૦. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત એટલે શું?

જ. ૧૦. અણુવ્રત એટલે મહાવ્રતની અપેક્ષારે નાનાં વ્રત, ગુણવ્રત એટલે અણુવ્રતને ગુણ લાભ કરનારાં વ્રત અને શિક્ષાવ્રત એટલે વારંવાર સેવવા યોગ્ય વ્રત.

સ. ૧૧. પૌષધ એટલે શું?

જ. ૧૧. પૌષધ એટલે ધર્મની પુષ્ટિ થાય તે અથવા ધર્મ વધારે થાય એવી શ્રી જિનેશ્વરદેવોએ બતાવેલી (ચાર ક. આઠ પ્રહરપર્યં નથી સાધુ ભગવંત જેવા આચારના અભ્યાસની) ક્રિયા.

સ. ૧૨. પૌષધના કેટલા પ્રકાર છે? તે કયા કયા? તેનો અર્થ સમજાવો.

જ. ૧૨. આહાર પૌષધ (ઉપવાસ, આયંબીલ કે એકાસણું કરીને પૌષધ કરવો તે.)

 શરીરસત્કાર પૌષધ (પૌષધ નિમિત્તે શરીરને શણગારવું નહિ તે.)

 અવ્યાપાર પૌષધ (પાપના કાર્યનો ત્યાગ કરવો તે.)

 બ્રહ્મચર્ય પૌષધ (શિયળ પાળવું તે.)

પાઠ - ૮

સ. ૧. સમ્યક્ત્વ એટલે શું?

જ. ૧. સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા રાખવી તે.

સ. ૨. આગમ એટલે શું? અને તે કેટલાં છે?

જ. ૨. શ્રી તીર્થંકરદેવોએ અર્થરૂપે કહેલાં અને શ્રી ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગૂંથેલા વચનો તે આગમ આદિ કહેવાય છે. તે ૪૫ છે.

સ. ૩. ૪૫ આગમની સંખ્યા ગણાવો.

જ. ૩. ૧૧ અંગ, ૧૨. ઉપાંગ, ૬ છેદસૂત્રઘ, ૪ મૂલ સૂત્ર, ૧. નંદીસૂત્ર, ૧. અનુયોગદ્વારા,    ૧૦.પયન્ના.

સ. ૪.  આગમો કેટલાં વર્ષો પહેલાં લખાયાં, કયાં લખાયા? અને તે કોણે લખ્યા?

જ. ૪.  ભગાવન શ્રી મહાવીરદેવ મોક્ષે ગયા પછી ૯૮૦ વર્ષે શ્રી દેવર્દ્ધિ  ગણિ નામના આચાર્ય મહારાજે વલ્લભીપુરમાં લખાવ્યાં.

સ. ૫.  આગમનાં બીજાં નામ આપો.

જ. ૫. શ્રૃત-આગમ, સિદ્ધાન્ત, પ્રવચન, જિનાગમ અને શાસ્ત્ર.

સ. ૬.  પંચાંગી કોને કહેવાય?

જ. ૬. (૧) મૂળ-સૂત્રો, (૨) નિર્યુક્તિ (૩) ભાષ્ય (૪) ર્ચૂિણ, (પ) ટીકા કે વૃત્તિ. આ પાંચ   મળીને પંચાંગી કહેવાય.

સ. ૭.  દ્વાદશાંગી એટલે શું? તે કોણે બનાવી?

જ.૭. બાર અંગ અથવા શ્રી ગણધરદેવોએ રચેલા બાર મહાન સૂત્રો તે દ્વાદશાંગી કહેવાય અને તે ભગવાન શ્રી મહાવીરદેવના શિષ્ય શ્રી સુધર્મા-સ્વામીજીએ બનાવેલા છે.

સ. ૮. સૂત્રો એટલે શું? અને તે કોણે રચ્યાં?

જ. ૮.  સૂત્રો એટલે ટૂંકમાં વધારે અર્થ જણાવનાર ગ્રંથો અને તે શ્રી ગણધરદેવ, ચૌદપૂર્વી અને પ્રત્યેક બુદ્ધે રચ્યાં છે.

સ. ૯. સૂત્રો ઉપરાંત જૈન આચાર્યોએ બીજા કયા કાય ગ્રંથો લખ્યા છે?

જ. ૯. ન્યાયના, જૈન તત્ત્વના, આચારના, કથાઓના, વૈરાવ્યોપદેશના અને વાદદિવાદના. તે ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના, વ્યાકરણ, કોષ, અલંકાર અને કાવ્ય ઈત્યાદિ વિવિધ વિષયોના ગ્રંથો ઘણી જ સારી રીતિએ જૈનાચારો લખેલ છે.

 

પાઠ - ૯

 

સ. ૧. કેવળજ્ઞાની અને તીર્થંકરમાં શો તફાવત છે?

જ. ૧. કેવળજ્ઞાની અને તીર્થંકર બંને જ્ઞાનાદિ-શક્તિમાં સમાન છે, પરંતુ તીર્થંકરને તીર્થકરનામ કર્મનો ઉદય હોવાથી તેઓ તીર્થની સ્થાપના કરે છે. તેમજ આઠ પ્રાતિહોર્યો, વાણીના પાંત્રીશ ગુણ અને ચોંત્રીશ અતિશયો વગેરે ઋદ્ધિ તેઓને હોય છે.

 

સ. ૨. ગુરુવંદન કરવાથી શો લાભ થાય છે?

જ. ૨. ૧. વિનય આવે. ૨. અભિમાનનો નાશ થાય. ૩. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય. ૪. ધર્મની આરાધના થાય. પ. વડીલજનની પૂજા થાય. ૬. મોક્ષની પ્રાપ્તિ થાય.

સ. ૩. મુદ્રા એટલે શું? તે કેટલી છે? અને તેનાં નામ આથો.

જ. ૩. સૂત્રો બોલતી વખતની હાથ, પગ આદિઅંગોની વિશિષ્ટ રચના તે મુદ્રા કહેવાય, તે   ત્રણ છે. ૧. યોગમુદ્રા ૨. જિનમુદ્રા ૩. મુક્તાશુક્તિ મુદ્રા.

સ. ૪. યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિ મુદ્રા એ દરેક કેવી રીતિએ થાય? અને એ મુદ્રાઓ વડે કયાં કયાં સૂત્રો બોલાય?

જ. ૪. યોગમુદ્રા એટલે બે હાથના અંગૂઠા સાને સાને રાખી ડાબા હાથની આંગળી છેલ્લે   આવે તેમ પરસ્પર આંતરમાં આંગળીઓ બરાબર મેળવી, કમળના ડોડાના આકારે બન્ને હાથ રાખી પેટ ઉપર કોણી રાખવી તે આ મુદ્રા વડે ચૈત્યવંદન, નમુત્થુણં અને સ્તવનાદિ બોલાય છે.

 ૨ - જિનમુદ્રા એટલે પગના આગલા ભાગમાં ચાર આંગળ અને પાછલા કાંઈક ઓછું   અંતર રાખી ઊભા રહેવું તે. આ મુદ્રા વડે કાઉસગ્ગ, વંદન વગેરે થાય.

 ૩ - મુક્તાશુક્તિમુદ્રા એટલે બે હાથ મોતીની છીપની જેમ પોલા રાખીને -જોડીને કપાળે લગાડવા તે. આ મુદ્રા વડે જાવંતિ ચેઈઆઈં સાહૂ અને જાયવીયરાય ‘આભવમખડા’ સુધી કહેવાય છે.

સ. ૫. દહેરાસરમાં કઈ વસ્તુઓ સાથે લઈ ન જવાય?

જ.પ. (૧) ખાવા-પીવાની જે આપણા વપરાખમાં લેવાની હોય તે વસ્તુઓ. (૨) લાકડી,  છત્રી, જોડાં, બૂટ, ચંપલ હથિયાર વગેરે.

સ. ૬. પ્રભુની જલપૂજા શા માટે કરવી?

જ. ૬. જેમ સ્નાન કરવાથી શરીર ઉપરનો મેલ નાશ થઈ જાય અને શરીર ચોખ્ખું થઈ જાય છે, તેમ ઘણા કાળથી લાગેલા પાપના સમૂહનો નાશ કરી આત્માને પાણીના જેવો નિર્મળ કરવા માટે જળપૂજા કરવી.

સ. ૭. પ્રભુની ચંદનપૂજા શા માટે કરવી?

જ. ૭. જેમ ચંદનનો લેપ કરવાથી શરીરે ઠંડક અને. શાંતિ થાય છે, તેમ ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયોથી સળગી રહેલા આત્માને શીતલ કરવા માટે અને અખંડ શાંતિ મેળવવા માટે ચંદનપૂજા કરવી.

સ. ૮. પ્રભુની ફૂલપૂજા શા માટે કરવી?

જ. ૮. જેમ ફૂલની સુગંધથી મન પ્રફુલ્લિત થાય છે. તેમ તમારી ફૂલપૂજા વડે મારુ મન ધર્મ વડે સુવાસિત બનો. એ ભાવનાથી ફૂલપૂજા કરવી.

સ. ૯. ધૂપપૂજા શા માટે કરવી?

જ. ૯. જેમ ધૂમ કરવાથી દુર્ગંધ નાશ થાય છે, તેમ આત્માને ઘણા કાળથી લાગેલ મિથ્યાત્વ, મમતા, માન વગેરે કુવાસનારૂપી દુર્ગંધ દૂર કરવા માટે ધૂપપૂજા કરવી.

સ. ૧૦. દીપકપૂજા શા માટે કરવી?

જ. ૧૦. જેમ દીવો અંધકારને દૂર કરી અજવાળું કરે છે તેમ આત્મામાં રહેલ અજ્ઞાનનો નાશ કરી કેલળજ્ઞાનરૂપી દીવો પ્રગટાવવા માટે દીપકપૂજા કરવી.

સ. ૧૧. અક્ષતપૂજા શા માટે કરવી?

જ. ૧૧. નાશ ન થાય એવું અખંડ મોક્ષસુખ મેળવવા માટે અક્ષતપૂજા કરવી.

સ. ૧૨. નૈવેધપૂજા શા માટે કરવી?

જ. ૧૨. ભૂખ અને તૃષાનો નાશ કરી આત્માનો અણાહારી સ્વભાવ પ્રગટાવવા માટે નૈવેધપૂજા   કરવી.

સ. ૧૩. ફળપૂજા શા માટે કરવી?

જ. ૧૩. પ્રભુને ફળ અર્પણ કરી તેના બદલામાં ત્યાગરૂપ સર્વોત્તમ ફળની અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ માટે ફળપૂજા કરવી.

સ. ૧૪. જીવોનાં જન્મ-મરણનાં દુઃખો શાથી નાશ પામે છે?

જ. ૧૪. સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ અને તેના નિર્મલ આરાધનથી જીવોનાં જન્મ-મરણનાં દુઃખો નાશ પામે છે.

સ. ૧૫. જીવની સદ્ગતિ શાથી થાય?

જ. ૧૫. રાગદ્વેષ ન કરવા, સારા પરિણામ રાખવા. ધર્મની રૂચિ રાખવી. એ વગેરેથી સદ્ગતિ કળે છે.

પાઠ - ૧૦

સ. ૧. વિગઈ એટલે શું?

જ. ૧. વિગઈ એટલે બુેદ્ધિને બગાડી આત્માને દુર્ગતિમાં મોકલે તે વિગઈ છ છે.

 ૧. ઘી ૨. દૂધ    ૩. દહી.   ૪. તેલ   ૫. ગોળ ૬. કડાવિગઈ (તળેલી વસ્તુઓ)

સ. ૨. ધર્મશાસ્ત્રકારોએ ઉકાળેલું પાણી શા માટે પીવાનું કહ્યું છે? પાણી ઉકાળાથી તો જીવો મરી જાય અને પાપ લાગે.

જ. ૨.  ત્રણ ઊભરા આવેલું ઊકાળેલું પાણી નિર્જીવ -જીવ વગરનું બને છે. અને તેમાં શીયાળામાં ૪ પ્રહર, ઉનાળામાં ૫ પ્રહર અને ચોમાસામાં ૩ પ્રહર સુધી જીવો ઉત્પન્ન થતા નથી, જયારે કાચા પાણીમાં સમયે સમયે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે,  અને મૃત્યુ પામે છે. આથી ઉકાળેલું પાણી પીવાથી તે સર્વ જીવોનું રક્ષણ થાય છે?

સ. ૩. દ્વિદળ એટલે શું? અને તેની સાથે કયી વસ્તુ ખાવાથી પાપ લાગે?

જ. ૩. દ્વિદળ એઊલે જેની બે ફાડ પડી શહે . જેમ કે વાલ- વટાણા- મગ- અડદ- ચોળા-તુવેર-ચણા વગેરે. કોઈ પણ કઠોળ સાથે કાચું દહીં, કાચી છાશ (કાચી  એટલે ગરમ કર્યા વગરની) ખાઈ શકાય નહિ, કારણકે તે ભેગાં થતાં અસંખ્યાતા બેઈન્દ્રિયાદિ જીવો તેમાં ઉત્પન્ન થાય છે, એટલે તે ખાતાં તે જીવોની હિંસાનું પાપ લાગે છે.

સ. ૪. આખો દિવસ ખાવા છતાં રાત્રિભોજન ન કરવાનું પચ્ચક્ખાણ લેનારને શો લાભ મળે છે?

જ. ૪. રાત્રિભોજન ન કરવાનું પચ્ચક્ખાણ લેનારે એક મહિનામાં પંદર ઉપવાસનો લાભ  મળે છે.

સ. ૫. નવકારશીનું પચ્ચક્ખાણ લેનારને શો લાભ મળે છે?

જ. ૫. નારકીમાં રહેલો આત્મા સો વર્ષ સુધી દુઃખો સહન કરીને જેટલાં કર્મો ખપાવે, તેટલા કર્મો માત્ર નવકારશીનું પચ્ચક્ખાણ કરનારો આત્મા ખપાવી શકે છે.

સ. ૬. બાવીસ અભક્ષ્ય વસ્તુઓના નામ આપો.

જ. ૬. ૧. મધ, ૨. માખણ ૩.મદિરા ૪.માંસ, ૫. ઉંબરાના ફૂલ ૬. વડના ટેટા, ૭. કોઠાં કડાં,            ૮ પીપળાની પીપડી ૯. પીપળાના ટેટા ૧૦. બરફ ૧૧ અફીણ-સોમાલ (સર્વ જાતના ઝેર)          ૧૨ કરા, ૧૩ કાચી માટી, ૧૪ રાત્રિભોજન ૧પ બહુબીજ, ૧૬. બોળ અથાણું, ૧૭. વિદળ (કાચા દૂધ-દહી -છાશ સાથે કઠોળ અને કઠોળ વાળી કોઈ  ચીજ ખાવી તે) ૧૮ રીંગણાં, ૧૯. અજાણ્યાં ફળ ૨૦. તુચ્છ ફળ (જેમાં ખાવનનું અલ્પ હોય અને ફેંકી દેવાનું ઘણું હોય તે) ૨૧ ચલિત રસ (જેનો સ્વાદ બિલકુલ બગડી ગયો હોય તે)૨૨ અનંતકાય (જેમાં અનંત જીવો હોય તે)

સ. ૭. બત્રીશ અનંતકાય વસ્તુઓનાં નામ આપો.

જ. ૭. ૧. સૂરણ, ૨. લસણ , ૩.લીલીહળદર, ૪.બટાટા, ૫.લીલો કચૂરો, ૬.સતાવરી,  ૭.હીરલી કદ, ૮.કુંવર, ૯.થોર, ૧૦.ગળો, ૧૧.સકરિયાં , ૧૨.વાંસ-કારેલા, ૧૩.ગાજર, ૧૪.લુણી, ૧૫.ક્ષપ, ૧૬.લોઢી ૧૭.ગિરિર્કિણકા (ગરમર) ૧૮.કુમળાં પાંદડાં, ૧૯ ખરસયો, ૨૦.થેગની ભાજી, ૨૧.લીલી મોથ, ૨૨.લૂણીના ઝાડની છાલ,  ૨૩.ખીલોડા, ૨૪.અમૃતવેલી ૨૫.મૂળાનાં કંદ, ૨૬.બિલાડીના ટોપ, ૨૭.નવા અંકૂરા,  ૨૮.વથ્થુલાની ભાજી, ૨૯.સુવર વેલ, ૩૦.પાલખની ભાજી, ૩૧.કૂણી આંબલી  ૩૨.રતાળું પીંડાળુ.

સ. ૮. અણાહારી વસ્તુઓનાં નામ આપો.

જ. ૮. ૧. લીમડાનાં પાંચ અંગો, ૨. હરડાં, બેડાં અને આમળાં એ ત્રણ ભેગાં કરી - તેની ગોળી ગાયના મૂત્રમાં વાળેલી હોય તોજ અણહારી ગણાય છે., ૩. કડુ , ૪. કરીયાતું, ૫. ગાળો, ૬. નાહીયા, ૭. ધમાશો, ૮. કેરડાનાં મૂળ, ૯. બોરડી છાલ-મૂળ, ૧૦. કેથરલી મૂળ, ૧૧. ચિત્રો, ૧૨. ખેરસાર, ૧૩. સુખડ, ૧૪. મલાયાગરુ, ૧૫. ચીડી, ૧૬. અંબર, ૧૭. કસ્તૂરી, ૧૮. રાખ, ૧૯. ચૂનો, ૨૦. રોહિણી, ૨૧. હળદર, ૨૨. પાલી, ૨૩. આસગંધી, ૨૪. કુંદરૂ, ૨૫. ગડુચી, ૨૬. સુડડી, ૨૭. દીકામલી, ૨૮. બોરબીયું, ૨૯. સંધી લીંગરી, ૩૦. રીંગણી, ૩૧. અફીણ, ૩૨. સર્વ જાતનાં ઝેર, ૩૩. સાજીખાર, ૩૪. જીકો, ૩૫. ઉપલેટ , ૩૬. ગૂગળ, ૩૭. અતિવિષની કળી, ૩૮. પુંવાડ, ૩૯. એળિયો, ૪૦. ચુણીફળ, ૪૧. સુરોખાર, ૪૨. ટંકણખાર, ૪૩. ગોમૂત્ર, ૪૪. બોળ, ૪૫. મજીઠ, ૪૬. કણયરનાં મૂળ, ૪૭. કુંવારી, ૪૮. થોર, ૪૯. પંચમૂળ, ૫૦. ખારો, ૫૧ ફટકડી, ૫૨. ચીમેડ, ૫૩. કરડેદલ અને ૫૪. વખમો.

સ. ૯.  સંર્મૂિચ્છમ મનુષ્યને ઉપજવાનાં ચૌદ સ્થાનકોનાં નામ આપો.

જ. ૯. ઝાડમાં, ૨. પેશાબમાં, ૩. બળખામાં, ૪. શરીરના મેલમાં, ૫. નાકના મેલમાં, ૬. ઊલટીમાં, ૭. પિત્તમાં, ૮. પરૂમાં, ૯. લોહીમાં, ૧૦. વીર્યમાં, ૧૧. મડદામાં, ૧૨. સ્ત્રી પુરૂષના સંભોગમાં, ૧૩. નગરની ગટરમાં અને ૧૪. સર્વ અશૃચિ સ્થાનોમાં.

સ. ૧૦. ચાર મહાવિગઈઓનાં નામ આપો અને તે વાપરવાથી શું નુકશાન થાય છે?

જ. ૧૦. મધ, માખણ, માં અને મદિરા આ ચારેય વસ્તુઓમાં સમયે અસંખ્યાતા જીવો ઉપ્તન્ન થાય છે અને તે વાપરવાથી અસંખ્ય જીવોનો નાશ થાય છે. તેથી નરકનાં ભયંકર દુઃખોથી છૂટવા માટે ચારેય મહાવિગઈઓનો ત્યાગ કરવો.

 

 

પાઠ - ૧૧

સ. ૧. સંસારી જીવોના કેટલા ભેદ છે ? અને તે કયા કયા છે?

જ. ૧. સંસારી જીવોના બે ભેદ (૧) સ્થાવર (૨)ત્રસ .

સ. ૨. સ્થાવર રેટલે શું? તેમને કેટલી ઈન્દ્રિયો હોય છે? અને તે કયા કયા છે?

જ. ૨. સ્થાવર એટલે એક સ્થાનેથી બીજા  સ્થાનકે પોતાની ઈચ્છાથી જઈ શકે નહિ તે. તે એકેન્દ્રિય જીવો જાણવા. પૃથ્વીકાય, અપકાય વગેરે.

સ. ૩. ત્રસ એટલે શું ? તેમને કેટલી ઈન્દ્રિય હોય ? અને તે કયા કયા છે?

જ. ૩. ત્રસ એટલે ઈચ્છાનુસાર એક સ્થાનકથી બીજે સ્થાનક. જઈ શકે તેવા, તે બેઈન્દ્રિય, તેેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો જાણવા.

સ. ૪.  એકેન્દ્રિય વગેરે જીવોને કઈ કઈ ઈન્દ્રિય હોય ?

જ. ૪. (૧) એકેન્દ્રિય .... શરીર (૨) બેેઈન્દ્રિય ... શરીર અને જીભ. (૩) તેેઈન્દ્રિય ... શરીર, જીભ, નાક (૪) ચઉરિન્દ્રિય... શરીર, જીભ, નાક અને આંખ (૫) પંચેન્દ્રિય... શરીર, જીભ, નાક, આંખ અને કાન.

સ. ૫. એકેન્દ્રિય જીવ કયા કયા ?

જ. પ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ જીવો એકેન્દ્રિય છે, તેઓને ફક્ત શરીર હોય છે.

સ. ૬. બેઈન્દ્રિય જીવ કયા કયા ?

જ. ૬. શંખ, કોડા, છીપ, અળસિયા, પોરા, જળો, કરમિયા વગેરે આ જીવોને શરીર  અને જીભ હોય છે.

સ. ૭. તેઈન્દ્રિય જીવ કયા કયા ?

જ. ૭. કાનખજૂરા, કીડી, મકોડા, જુ, ઊધઈ, ઈયળ, ધાન્યના કીડા, વિષ્ટાના કીડા, છાણના કીડા, કુંથુઆ વગેરે. આ જીવોને શરીર, જીભ અને નાક હોય છે.

સ. ૮. ચઉરિન્દ્રિય જીવ કયા કયા ?

જ. ૮. વીંછી, ભમરા, ભમરીઓ, તીડ, ખડમાંકડી, પતંગિયા, મચ્છર, ડાંસ, કંસારી વગેરે, આ જીવોને શરીર, જીભ નાક, અને આંખ હોય છે.

સ. ૯. પંચેન્દ્રિય જીવ કયા કયા ?

જ. ૯. દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી, આ જીવોને શરીર, જીભ, નાક આંખ અને કાન હોય છે.

સ. ૧૦. દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યંચ એટલે શુ?

જ. ૧૦. (૧) દેવતા એટલે વધારે પુણ્યથી દેવગતિમાં ઉત્પન્ન થયેલા હોય તે, (૨) નારકી એટલે ઘણું પાપ કરવાથી દુઃખ ભોગવવા નારકીમાં ઉપજેલા હોય તે, (૩) મનુષ્ય એટલે સરળ અને શાન્ત સ્વભાવથી મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તે (૪) તિર્યંચ એઊલે કપટ વગેરે કરવાથી પશુ-પંખીમાં ઉત્પન્ન થાય તે.

સ. ૧૧. નવ તત્ત્વનાં નામ આપો અને તેનો અર્થ સમજાવો.

જ. ૧૧. ૧. જીવ તત્ત્વ એટલે જીવવાળા પદાર્થો. ૨. અજીવ તત્ત્વ એટલે જીવ વગરના પદાર્થો. ૩. પુણ્યતત્ત્વ એટલે સારા કાર્યો. (૪) પાપપત્ત્વ એટલે ખરાબ કાર્યો. (૫) આશ્રવ તત્ત્વ એટલે જેનાથી કર્મ આવે તે. (૬) સંવરતત્ત્વ એટલે જેનાથી આવતાં કર્મ રોકાઈ જાય તે. (૭) નિર્જરાતત્ત્વ એટલે જેનાથી કર્મનો ધીમે ધીમે નાશ થાય તે. (૮) બંધ તત્ત્વ એટલે જેનાથી કર્મ બંધાય તે. (૯) મોક્ષ તત્ત્વ એટલે જેનાથી આત્મા કર્મરહિત થાય તે.

સ. ૧૨. પુણ્ય કેટલા પ્રકારે બંધાય છે? અને તે કઈ કઈ રીતે બંધાય ?

જ. ૧૨. પુણ્ય નવ પ્રકારે બંધાય છે.

 ૧. પાત્રને અન્ન આપવાથી, ૨. પાત્રને પાણી આપવાથી, ૩. પાત્રને સ્થાન આપવાથી, ૪. પાત્રને બિછાનું આપવાથી, ૫. પાત્રને વસ્ત્ર આપાવથી, ૬. પ્રાણીઓના કલ્યાણ માટે સારો વિચાર કરવાથી, ૭. પ્રાણીઓના કલ્યાણ માટે સારું બોલવાણી ૮. પ્રાણીઓના કલ્યાણ માટે શરીરના શુભ વ્યાપારથી, ૯. દેવ-ગુરુને નમસ્કાર આદિ થી.

  આ ઉપરાંત જિનમંદિર આદિ સાતે ક્ષેત્રની ભક્તિ વગેરેથી વિશિષ્ટ પુણ્ય બંધાય છે અને નિર્જરા થાય છે.

સ. ૧૩. પાપ કેટલા પ્રકારે બંધાય છે ? અને તે કઈ રીતે બંધાય?

જ. ૧૩. પાપ અઢાર પ્રકારે બંધાય છે.

 ૧. જીવને મારી નાખવા (દુઃખ દેવું), ૨. જૂઠું બોલવું, ૩. ચોરી કરવી, ૪. વિષયો સેવવા, ૫. ધન-ધાન્યનો સંગ્રહ કરવો, ૬. ગુસ્સો કરવો. ૭. અહંકાર કરવો. ૮. કપટ કરવું, ૯. અસંતોષ રાખવો. ૧૦. પ્રીતિ કરવી, ૧૧. તિરસ્કાર કરવો, ૧૨. કજિયો કરવો, ૧૩.  ખોટું આળ દેવું, ૧૪. ચાડી ખાવી, ૧૫. સુખમાં હર્ષ કરવો અને દુઃખમાં શોક કરવો, ૧૬. પારકી નિંદા કરવી. ૧૭. કપટ સાથે જૂઠું બોલી છેતરવું,  ૧૮. કુદેવ કુગુરુ અને કુધર્મને માનવા.

 

પાઠ - ૧૨

સ. ૧. ધર્મ કેઠલા પ્રકાર. થાય છે? અનેતે કઈ કઈ રીતિએ થાય છે?

જ. ૧. ધર્મ ચાર પ્રકારે થાય છે.

 ૧) દાન દેવાથી, ૨) શિયળ પાળવાથી, ૩) તપ કરવાથી, ૪) ભાવના ભાવવાથી.

સ. ૨. ચૌદ રાજલોકના કયા રાજમાં કયા જીવો આવે છે?

જ. ૨. લોકના નીચેના ભાગથી શરૂઆતના છ રાજમાં છ નારકી અને સાતમા રાજમાં પહેલી નારકીના જીવો, ભવના પતિ, વ્યંતર, વાણવ્યંતર, જયોતિષી, મનુષ્ય અને તિર્યંચો રહે છે. પછીના પાંચ રાજમાં ૧૨ દેવલોક અને પછી બે રાજમાં નવ ગ્રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો રહે છે. સાતમા રાજની રત્નપ્રભા સમભૂમિથી ઉપરના ૯૦૦ યોજન અને નીચેના ૯૦૦ યોજન મળીને ૧૯૦૦ યોજનમાં મનુષ્યો અને તિર્યંચો રહે છેે.

સ. ૩.  કષાય એટલે શું ? તે કેટલા છે અને કયા કયા છે? તે સમજાવો.

જ. ૩. કષાય એટલે જેનાથી સંસાર વધે અને જન્મ મરણ કરવાં પડે તે. તે ચાર છે. ૧. ક્રોધ (ગુસ્સો), ૨. માન (ગર્વ), ૩. માયા (કપટ), ૪. લોભ (મૂર્ચ્છા).

સ. ૪. ચારેય ગતિના જીવોમાં કોને કયો કષાય વધારે હોય ?

જ. ૪. દેવતાઓને લોભ, નારકીને ક્રોધ, મનુષ્યને માન અને તિર્યંચને માયા વધારે હોય છે.

સ. ૫.  છ દ્રવ્યોના નામ આપો. એમાં જીવ અને અજીવ દ્રવયો કેટલાં છે?

જ. પ. ૧) ધર્માસ્તિકાય ............ અજીવ દ્રવ્ય.

 ૨) અધર્માસ્તિકાય ...........અજીવ દ્રવ્ય.

 ૩) આકાશસ્તિકાય.......... અજીવ દ્રવ્ય.

 ૪) પુદ્ગલાસ્તિકાય.......... અજીવ દ્રવ્ય.

 ૫) જીવાસ્તિકાય............ ચેતન દ્રવ્ય (જીવદ્રવ્ય).

 ૬) કાળ....................અજીવ દ્રવ્ય.

સ. ૬. પ્રાણ એટલે શું? તે કેટલા છે? અને તેના નામ આપો.

જ. ૬. જીવ જે વડે જીવી શકે, સર્વા કામો કરી શકે તે અથવા શરીરમાં રહી શકે તે પ્રાણ કહેવાય. તે દશ છે. પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ (મનબળ, વચનબળ અને કાયાબળ), એક શ્વાસોચ્છ્વાસ અને એક આયુષ્ય.

સ. ૭.  મનબળ, વચનબળ અને કાયબળ એટલે શું?

જ. ૭. જેનાથી વિચાર કરી શરીએ તે મનબળ, જેનાથી બોલી શકીએ છીએ તે વચનબળ, અને જેનાથી ઊઠવું બેસવું, મૂંકવું વગેરે કામ કરી શકીએ છીએ તે કાયબળ.

સ. ૮.  શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એટલે શું?

જ. ૮. હવાને શરીરકાં ખેંચવાની અને બહાર કાઢવાની શક્તિ તે શ્વાસોચ્છ્વાસ. જેનો ઉદય થવાથી તે ભવમાં અમુક વખત સુધી રહેવું પડે તે આયુષ્ય.

સ. ૯.  ઉર્ત્સિપણી તથા આવર્સિપણી એટલે શું?

જ. ૯.  જે કાળમાં ક્રમે -ક્રમે મુનષ્ય આદિ જીવોનાં શરીર, આયુષ, બુદ્ધિ, બળ વગેરે વધે તે ઉર્ત્સિપણી અને જે કાળમાં ક્રમે-ક્રમે શરી, આયુષ્ય, બુદ્ધિ, બળ વગેરે ઓછાં થાય તે અવર્સિપણી.

સ. ૧૦. પર્યાપ્તિ એટલે શું ? તેનો અર્થ સમજાવો.

સ. ૧૦. પર્યાપ્તિ એટલે સંસારી જીવને જીવન જીવવામાં ઉપયોગી શક્તિ તે છ છે.

 ૧) આહારપર્યાપ્તિ - આહારયોગ્ય પુદ્ગલો લઈને રસ અને ખળરૂપે બનાવવાની આત્માની શક્તિ.

 ૨) શરીર પર્યાપ્તિ - રસયોગ્ય પુદ્ગલોને સાત ધાતુ રૂપે બનાવી શરીર રૂપે કરવાની શક્તિ.

 ૩) ઈન્દ્રિય પર્યાપ્તિ - ઈન્દ્રિયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ઈન્દ્રિયો રૂપે બનાવવાની શક્તિ.

 ૪) શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ - શ્વાસોચ્છ્વાસ લેવા-મૂકવાની શક્તિ.

 ૫) ભાષા પર્યાપ્તિ - વચન-વ્યાપારમાં સમર્થ બનવાની શક્તિ.

 ૬) મનઃ પર્યાપ્તિ - વિચાર કરવાની શક્તિ.

સ. ૧૧. કર્મ કયા હેતુઓ વડે બંધાય છે?

જ. ૧૧. કર્મ ચાર હેતુઓ વડે બંધાય છે. (૧) મિથ્યાત્વ અરિહંત ભગવંતોએ કહેલા તત્ત્વને ન માનવું, અથવા વિપરીન સ્વરૂપે માનવું (૨) અવિરતિ-પાપપ્રવૃત્તિને પ્રતિજ્ઞા દ્વારા જ રોકવી. (૩) કષાય-ક્રોધ, માન, માયા અને લોભ કરવા. (૪) યોગ-મન, વચન, અને કષાયનો વ્યાપાર.

સ. ૧૨. કર્મ કયા હેતુઓ વડે રોકાય છે?

જ. ૧૨. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિષહ, દશ યતિ ધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર દ્વારા કર્મ રોકાય છે.

સ. ૧૩. સમિતિ એટલે શું ? તે કેટલી અને કઈ કઈ છે?

જ. ૧૩. સમિતિ એટલે સારી રીતિએ વર્તવું તે. (અગર ઉપયોગપૂર્વકનું કાર્ય.) તે પાંચ છે. (૧) ઈર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણાસમિતિ, (૪) આદાનભંડમત્ત નિક્ખેવણાસમિતિ (૫) પારિષ્ઠાપનિકાસમિતિ.

સ. ૧૪. પાંચ સમિતિનો અર્થ સમજાવો.

જ. ૧૪. ૧. ઈર્યાસમિતિ એટલે જીવોની રક્ષા માટે જતાં આવતાં જોઈને ચાલવું,

 ૨. ભાષાસમિતિ એટલે પાપવાળું વચન ન બોલવું

 ૩.  એષણાસમિતિ એટલે ૪૨ દોષ ન લાગે તેવા આહાર-પાણી વગેર લેવાં

 ૪. આદાનભંડમત્ત નિક્ખેવણાસમિતિ એટલે વસ્ત્ર-પાત્રાદિ કોઈ પણ વસ્તુ પૂંજી -પ્રમાર્જી લેવી-મૂકવી તે.

 ૫. પારિષ્ઠાપનિકાસમિતિ  એટલે મૂળ-મૂત્ર બળખો વગેરે જીવ વગરની ભૂમિમાં પરઠવવાં તે.

સ. ૧૫. ગુપ્તિ એટલે શું ? અને સમિતિ-ગુપ્તિ અષ્ટપ્રવચનમાતા શા માટે કહેવાય છે?

જ. ૧૫. ગુપ્તિ એટલે મન, વચન અને કાયાનું રક્ષણ કરવું તે તે ત્રણ છે. ૧. મનગુપ્તિ - કલ્પનાઓના તરંગોને રોકી મનને શમભાવમાં સ્થિર કરવું. ત. ૨. વચન ગુપ્તિ - મૌન રહેવું ૩. કાયગુપ્તિ - શરીરને  પાપ-પ્રવૃત્તિથી રોકવું

 અષ્ટપ્રવચનમાતા - જેમ માતા પુત્રને જન્મ આપે છે, તેનું પાલન કરે છે અને સંસ્કાર  સિંચન કરે છે તેમ ‘પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ’ અષ્ટપ્રવચનમાતા સાધુઓના અછતા ચારિત્ર ધર્મને ઉત્પન્ન કરે છે, કોય તેનું પરિપાલન અને વુદ્ધિ કરે છે તેમજ વિશુદ્ધિ કરે છે તેથી, તે પ્રવચનમાતા કહેવાય છે અને  ઉત્તરોત્તર અજરામર સ્થાને પંહોચાડે છે.

 

પાઠ - ૧૩

સ. ૧. પરીષહ એટલે શું? તે કેટલા છે? અને કયા કયા છે?

જ. ૧. પરીષહ એટલે કર્મનિર્જરા માટ. ઈચ્છાપૂર્વક સારી રીતિએ સહન કરવું તે તે બાવીસ છે.

 ૧. ક્ષુધા પરીષહ, ૨. પિપાસા પરીષહ, ૩. શીત પરીષહ, ૪. ઉષ્ણ પરીષહ ૫. દંશ પરીષહ, ૬. અચેલક પરીષહ, ૭. અરતિ પરીષહ, ૮. સ્ત્રી પરીષહ, ૯. ચર્યા પરીષહ,

 ૧૦. નૈષેધિકી પરીષહ, ૧૧. શય્યા પરીષહ, ૧૨. આક્રોશ પરીષહ, ૧૩. વધ પરીષહ, ૧૪. યાચના પરીષહ, ૧૫. અલાભ પરીષહ, ૧૬. રાગ પરીષહ, ૧૭. તુણસ્પર્શ પરીષહ, ૧૮. મલ પરીષહ, ૧૯. સત્કાર પરીષહ, ૨૦. પ્રજ્ઞા પરીષહ, ૨૧. અજ્ઞાન પરીષહ, ૨૨. સમ્યક્ત્વ પરીષહ.

સ. ૨. યતિ ધર્મ એટલે શૃં? તે કેટલા છે? અને કયા કયા છે ? તે સમજાવો.

જ. ૨. યતિ ધર્મ એટલે સંયમધર્મમાં દોષોન લાગે અને તેનું સારી રીતે પાલન થાય તેવા નિયમો, યતિધર્મ દશ છે. ૧. ક્ષમા ધર્મ એટલે કે ક્રોધ ન કરવો - ક્ષમા રાખવી,        ૨. માર્દવધર્મ એટલે અભિમાન ન કરવું - નમ્રતા રાખવી. ૩. આર્જવધર્મ એટલે કપટ ન કરવું -સરળતા રાખવી. ૪. મુક્તિધર્મ એટલે લોભ ન કરવો. ૫. તપ ધર્મ એટલે  પાપકારી ઈચ્છાને રોકવી, ૬. સંયમધર્મ એટલે પાંચ અવ્રત, પાંચ ઈન્દ્રિયોનું નિરંકુશપણું, ચાર કષાય, ત્રણ દંડ,-એમ સત્તરનો ત્યાગ કરવો, ૭. સત્યધર્મ એટલે સાચુ બોલવું , શૌચધર્મ એટલે  શરીર શુદ્ધ રાખવું તથા આત્માના શુદ્ધ પરિણામ રાખવા, ૯. અકિંચનધર્મ એટલે કોઈ પણ વસ્તુ ઉપર મમતા ન રાખવી. ૧૦. બ્રહ્મચર્ય ધર્મ એટલે શિયળ પાળવું.

સ. ૩.  ભાવના એટલે શું? તે કેટલી છે ? અને કઈ કઈ છે ? તે સમજાવો .

જ. ૩. ભાવના એટલે સંસાર ઉપરનો મોહ ઘટે અને મોક્ષ મેળવવાની ઈચ્છા થાય તેવી વિચારણા, તે ભાવના ૧૨ છે.

 ૧. અનિત્ય ભાવના - શરીર, ધન, ધાન્ય, કુટુંબ વગેરે કાયમ કહેવાનું નથી અને નાશવંત છે એમ વિચારી તેના ઉપરના મમત્વનો ત્યાગ કરવો.

 ૨. અશરણ ભાવના - જન્મ મરણનાં દુઃખોથી બચવા માટે ધર્મ સિવાય કોઈનું શકણું નથી, એવું ચિંતવવું તે.

 ૩. સંસાર ભાવના - આ સંસારમાં માતા મરીને સ્ત્રી થાય છે, સ્ત્રી મરીને માતા થાય છે, પિતા મરીને પુત્ર થાય છે અને પુત્ર મરીને પિતા થાય છે, એવી સ્સારની ઘટના વિચારવી તે.

 ૪. એકત્વ ભાવના - જીવ એકલો જન્મ્યો છે અને એકલો મરણ પામે છે, એકલો કર્મ બાંધે છે અને એકલો કર્મ્ ભોગવે, માટે જન્મ-મરણથી કેમ છુટાય? એ પ્રમાણે ચિંતવવું તે.

 ૫. અન્યત્વ ભાવના - આત્મા શરીર થકી જુદો છે, શરીર અનિત્ય છે, હું નિત્ય છું, શરીર જડ છે, હું ચેતન છું, એ પ્રમાણે આત્મા-રમણતામાં સ્થિર રહેવા માટે ચિંતવવું તે.

 ૬. અશુચિત્વ ભાવના - આ શરીર માંસ - લોહી - પરૂ વગેરેથી ઘણું જ અપવિત્ર છે અને નગરની ગટરની પેઠે તેમાંથી હંમેશાં અશુચિ વહ્યા કરે છે, - એવું વિચારીને શરીર ઉપરની મમતા દૂર કરવા માટે ચિંતવવું તે.

 ૭. આશ્રવ ભાવના - દાન-દયાથી શુભ કર્મ બંધાય છે અને ક્રોધાદિ કષાયોથી અશુભ કર્મ બંધાય છે, એમ વિચારી આત્મા મલિન ન થાય તે માટે ચિંતવવું તે.

 ૮.  સંવર ભાવના - સમિતિ, ગુપ્તિ વગેરે પાળવાથી કર્મ્ રોકાઈ જાય છે, એમ ચિંતવવું તે.

 ૯. નિર્જરા ભાવના - બાર પ્રકારના તપ વડે કર્મનો ધીમે ધીમે નાશ થાય છે, માટે તપ દ્વારા કર્મને ખપાવવાનો વિચાર તે.

 ૧૦. લોકસ્વભાવ ભાવના - આ જગતનું સ્વરૂપ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશના સ્વભાવવાળું છે - એમ વિચારીને તેમાં જાગ્રત રહેવું તે.

 ૧૧. બોધિદુર્લભ ભાવના - જીવોને સઘળી સામગ્રી મળી શકે છે, પણ સમકિત પામવું ઘણું દુર્લભ છે, એવું સમકિત પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો તે.

 ૧૨. ધર્મ ભાવના - આ સંસારમાં શ્રી વીતરાગદેવે કહેલા ધર્મ તુમજ શ્રી અરિહંતાદિ ભગવંતોનો યોગ પામવો મહાદુર્લભ છે, એવું વિચારીને શ્રી અરિહંતાદિ ભગવંતોની ભક્તિ કરવી તે.

સ. ૪.  મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના એટલે શું ?

જ. ૪. (૧)મૈત્રી ભાવના એટલે સર્વજીવોની સાથે મિત્રતા ભાવવી. (૨)પ્રમોદ ભાવના એટલે ગુણી મનુષ્યોના ગુણો દેખીને હર્ષ પામવો (૩) કારુણ્ય ભાવના એટલે દરેક દુઃખી જીવો તથા ધર્મહીન જીવો ઉપર દયા રાખવી, (૪) માધ્યસ્થ ભાવના એટલે અજ્ઞાની અથાવ મૂઢ પ્રાણીઓ ઉપર મધ્યસ્થપણું રાખવું તે.

સ. પ. ચારિત્ર એટલે શું ? તે કેટલા છે?

જ. ૫. ચારિત્ર એટલે કર્મસમૂહને ખાલી કરે અથવા કર્મ સમૂહનો નાશ કરે તે. ચારિત્ર પાંચ છે.

સ. ૬. પાંચ ચારિત્રનો અર્થ સમજાવો.

જ. ૬. ૧. સામાયિક ચારિત્ર - જેમાં સમતાનો લાભ થાય તેવા સાધુના આચારનું પ્રતિજ્ઞાપૂર્વકનું સમ્યક્ પાલન.

 ૨. છેદોપસ્થાનીય ચારિત્ર - યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી મહાવ્રતોનું આરોપણ કરાય છે તે.

 ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર - અઢાર (૧૮) માસ સુધી વિશિષ્ટ તપશ્રચર્યા કરીને વિશેષ પ્રકારે ચારિત્રની આરાધના કરાય છે તે, આ ચારિત્ર નવ પૂર્વથીવધારે અને દશપૂર્વથી ઓછું ભણેલા સાધુઓને હોય છે.

 ૪. સૂક્ષ્મસંપરાય ચારિત્ર - જયાં થોડા પણ લોભ કષાયનો ઉખય હોય છે તે (આ ચારિત્ર દશમા ગુણસ્થાનકે હોય છે.)

 ૫. યથાખ્યાત ચારિત્ર - સર્વથા કષાયના ઉદયનો અભાવ હોય તેવું ચારિત્ર.

સ. ૭. તપ એટલે શું? તે કેટલા પ્રકારનો છે. અને કયો કયો છે?

જ. ૭. તપ એટલે કર્મને તપાવવું તે તે છ બાહ્ય અને છ અભ્યંતર  - એમ બાર પ્રકારનો છે.

સ. ૮. છ પ્રકારના બાહ્ય તપનાં નામ આપો અને તે સમજાવો.

જ. ૮. છ પ્રકારના બાહ્ય તપ - (૧) અનશન તપ એટલે ચારેય પ્રકારના આહારનો થોડો અથવા ઘણ વખત સુધી ત્યાગ કરવો તે. (૨) ઊણોદરી તપ એટલે ભૂખ હોય તે કરતાં ઓછું ખાવું તે. (૩) વૃત્તિસંક્ષેપ તપ એટલે ખાવા-પિવાની તથા બીજી ચીજોનો ઘટાડો કરવો તે. (૪) રસત્યાગ તપ એટલે દૂધ, દહીં, ઘી, વગેરે છ વિગઈઓમાં એક અથવા અધિકનો ત્યાગ કરવો તે.  (૫) કાયકલેશ તપ એટલે લોચ, કાઉસગ્ગ વગેરે વડે કાયાને દમવી તે. (૬) સંલીનતા તપ એટલે અંગોપાંગ સંકોચી રાખવાં તે.

સ. ૯. છ પ્રકારના અભ્યંતર તપનાં નામ આપો અને તે સમજાવો.

જ. ૯.  છ પ્રકારનો અભ્યંતર તપ - ૧) પ્રાયશ્ચિત તપ એટલે લાગેઈા દોષોની ગુરુ પાસે આલોચણા લેવી તે. ૨) વિનય તપ એટલે જ્ઞાન, દર્શન, વગેરેનો વિનય કરવો તે, ૩) વૈયાવચ્ચ તપ એટલે આચાર્યદિની ભક્તિ કરવી તે. ૪) સ્વાધ્યાય તપ એટલે ધર્મનું ૧-વાંચવું, ૨-પૂછવું, ૩-ભણેલું સંભારવું, ૪)અર્થનું ચિંતવન કરવું અને  ૫- ધર્મનો ઉપદેશ કરવો, ધર્મ સાંભળવો, (વાચના -પૃચ્છના-પરાવર્તના-અનુપેક્ષા-ધર્મકક્ષા-એમ પાંચ પ્રકારે ધર્મનો અભ્યાસ કરવો તે.) ૫) ધ્યાન તપ એટલે આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનને છોડીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધ્યાવવું તે, ૬) કાયોત્સર્ગ તપ એટલે કર્મના ક્ષય માટે કાઉસગ્ગ કરવો તે.

સ. ૧૦. આચાર એટલે શું? તે કેટલા છે? અને કયા કયા છે?

જ. ૧૦. આચાર એટલે સમ્યગ્ આચરણ, તે પાંચ છે.

 ૧. જ્ઞાનાચાર -જ્ઞાનભણવું, ભણાવવું, તેમ જ ભણતાને સહાય કરવી તે.

 ૨. દર્શનાચાર - શ્રી જિનેશ્વરદેવે કહેલાં વચનોમાં શ્રદ્ધા રાખવી, રખાવવી તેમ જ ધર્મથી પડતાનો સ્થિર કરવો, અરિહંત આદિની ભક્તિ કરવી તે.

 ૩. ચારિત્રાચાર - ચારિત્ર પાળવું, પળાવવું, તેમજ ચારિત્રથી પડતાને સ્થિર કરવો તે.

 ૪. તપાચાર - તપ કરવો, કરાવવો, અને કરતાને સહાય કરવી તે.

 પ. વીર્યાચાર - ધર્મકાર્યમાં શક્તિનો ઉપયોગ કરવો, કરાવવો અને અનુમોદના કરવી તે.

સ. ૧૧. લેશ્યા એટલે શું? તે કેટલી છે? અને કઈ કઈ છે?

જ. ૧૧. લેશ્યા એટલે જીવના પરિણામ, તેના છ પ્રકારો છે.

 (૧) કૃષ્ણલેશ્યા,  (૨) નીલલેશ્યા, (૩) કાપોતલેશ્યા,

 (૪) તેજોલેશ્યા,  (૫) પદ્મલેશ્યા, (૬) શુક્લલેશ્યા.

સ. ૧૨. સાત પૃથ્વીનાં નામ આપો અને તે નામ શાથી પડયાં છે?

જ. ૧૨. ૧. રત્નપ્રભા એટલે જે પૃથ્વીમાં રત્નો વધારે હોય તે પૃથ્વી.

 ૨. શર્કરાપ્રભા એટલે જેમાં કાંકરા વધારે હોય તે પૃથ્વી.

 ૩. વાલુકાપ્રભા એટલે જેમાં રેતી વધારે હોય તે પૃથ્વી.

 ૪. પંકપ્રભા એટલે જેમાં કાદવ વધારે હોય તે પૃથ્વી.

 ૫. ધૂમપ્રભા એટલે જેમાં ધૂમાડો વધારે હોય તે પૃથ્વી.

 ૬. તમઃપ્રભા એટલે જેમાં અંધકાર ઘણો હોય તે પૃથ્વી.

 ૭. તમસ્તમઃપ્રભા એટલે જેમાં અતિશય વધુ અંધકાર હોય તે પૃથ્વી.

સ. ૧૩. સાત નારકીનાં નામ આપો અને તે કઈ પૃથ્વી સ્વરૂપે છે તે જણાવો.

જ. ૧૩. ૧. ઘમ્મા, ૨. વંશા, ૩. શૈલા, ૪. અંજના, ૫. રિષ્ઠા, ૬. મઘા, ૭. માઘવતી.

 આ સાત નારકીઓમાંની દરેક નારકી અનુક્રમે રત્નપ્રભા આદિ એક એક પૃથ્વી સ્વરૂપે છે.

 

પાઠ - ૧૪

સ. ૧.  શાશ્વતી અઠ્ઠાઈ એટલે શું? અને તે કઈ કઈ ? દેવો શાશ્વતી અઠ્ઠાઈમાં મહોત્સવ કરવા માટે કયાં કયાં જાય છે?

જ. ૧. શાશ્વતી અઠ્ઠાઈ એટલે સદાકાળ પ્રભુભક્તિ આદિ આરાધના માટેના દિવસો, શાશ્વતી અઠ્ઠાઈ બે છે. (૧) ચૈત્ર મહિનાની આયંબિલની ઓળીની, (૨) અસો મહિનાની આયંબિલની ઓળીની, શાશ્વતી અઠ્ઠાઈમાં દેવો મહોત્સવ કરવા માટે શ્રી નંદીશ્વર દ્વીપે જાય છે.

સ. ૨. જ્ઞાન કેટલા છે ? તે કયાં કયાં? સ્વરૂપ સમજાવો.

જ. ૨. જ્ઞાન પાંચ છે.

 ૧. મતિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મન વડે વિશેષ બોધ થાય તે.

 ૨. શ્રૃતજ્ઞાન - ગુરુમહારાજના ઉપદેશથી અથવા પુસ્તરો દ્વારા જાણી શકાય તે.

 ૩. અવધિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મનની સહાય વગર રૂપી દ્રવ્યોને વિશિષ્ટ રીતે જણાવે તે.

 ૪. મનઃપર્યવજ્ઞાન- સજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવ જેના દ્વારા જાણી શકાય તે.

 ૫. કેવલજ્ઞાન - જગતની સર્વ વસ્તુઓ પ્રતિસમય જેના દ્વારા સાક્ષાત્ જાણી અને દેખી શકાય છે.

ૃસ. ૩. તીર્થંકર પરમાત્મા પહેલાં કેટલાં જ્ઞાન લઈને જન્મે છે? અને પછી બીજાં જ્ઞાન કયારે પ્રાપ્ત થાય છે?

જ. ૩. તીર્થંકર પરમાત્મા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સાથે લઈને જન્મે છે, ચોથું મનઃ પર્યવજ્ઞાન દીક્ષા લે કે તરત જ તેઓને પ્રાપ્ત થાય છે અને પાંચમું કેવલષાન ઘાતીકર્મોનો નાશ કરવાથી તેઓને પ્રાપ્ત થાય છે.

સ. ૪. તીર્થંકર પરમાત્મા શી રીતે ઓળખી શકાય ?

જ. ૪. (૧) દરેક પ્રાણી પોતપોતાની ભાષામાં તેઓનું વચન સમજી શકે.

 (૨) તેઓ જયાં વિચરે ત્યાં રોગ, શોક અને ઉપદ્રવનો નાશ થઈ જાય છે.

 (૩) દેવો અને ઈન્દ્રો પણ તેઓની દેશના સાંભળવા માટે આવે, તેમ જ તે ભગવંતો હંમેશાં અષ્ટ પ્રતિહાર્ય યુક્ત હોય છે.

 (૪) જગતની સર્ વસ્તુઓને તેઓ સાક્ષાત્ જાણી શકે અને દેખી શકે.

સ. ૫. તીર્થંકર, ગણધરો તેમ જ સામાન્ય કેવલી કોણ થઈ શકે ?

જ. ૫. (૧) સર્વ જીવોનું ભલું કરવાની ભાવનાવાળા જીવો તીર્થંકર પરમાત્મા થાય.

 (૨) પોતાની આજુબાજુના કે સ્વજનોનું ભલું કરવાની ભાવનાવાળા જીવો ગણધર ભગવંતો થાય.

 (૩) ફક્ત પોતાનું ભલું કરવાની ભાવનાવાળા જીવો કેવળજ્ઞાન પામી સામાન્ય કેવલી થાય.

સ. ૬. તીર્થંકર પરમાત્માની માતાને ૧૪ સ્વપ્નો આવે છે, તેનાં નામ આપો.

જ. ૬. ૧. હાથી  ૨. બળદ ૩. કેસરીસિંહ  ૪. લક્ષ્મી  ૫. ફૂલની માળા ૬. ચંદ્ર  ૭. સૂર્ય ૮. ધજા  ૯. કળશ ૧૦. પદ્મસરોવર

 ૧૧. રત્નાકર ૧૨. વિમાન ૧૩. રત્નરાશિ ૧૪. ધૂમ્ર વિનાની અગ્નિશિખા

સ. ૭. પ્રભુના જન્મ સમયે ૫૬ દિક્કુમારિકાઓ આવીને શું કરે છે ?

જ. ૭. આઠ દિક્કુમારિકાઓ કચરો કાઢવાનો આચાર કરે છે. આઠ દિક્કુમારિકાઓ સુગંધી પંચામૃત જળની વૃષ્ટિ કરે છે.

 આઠ દિક્કુમારિકાઓ કળશ ધારણ કરે છે.

 આઠ દિક્કુમારિકાઓ દર્પણ ધારણ કરે છે.

 આઠ દિક્કુમારિકાઓ ચામર વીંઝે છે.

 આઠ દિક્કુમારિકાઓ પંખા નાંખે છે.

 આઠ દિક્કુમારિકાઓ પ્રભુના હાથે રાખડી બાંધે છે.

 ચાર દિક્કુમારિકાઓ પ્રભુના પાસે દીપક લઈને ઊભી રહે છે.

સ. ૮. શ્રી મહાવીર પરમાત્માને કેટલા ગણધર હતા ? તેમનાં નામ આપો.

જ. ૮. શ્રી મહાવીર પરમાત્માને ૧૧ ગણધરો હતા.

 ૧. ગૌતમસ્વામી (ઈન્દ્રભૂતિ) ૭. મૌર્યપુત્ર.

 ૨. અગ્નિભૂતિ   ૮. અકંપિત.

 ૩. વાયુભૂતિ.   ૯. અચલભ્રતા.

 ૪. વ્યક્ત.    ૧૦. મેતાર્ય.

 ૫. સુધર્મા.   ૧૧. પ્રભાસ.

 ૬. મંડિત.

સ. ૯.  શ્રી મહાવીર પ્રભુના મુખ્ય સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાનાં નામ આપો.

જ. ૯. શ્રી મહાવીર પ્રભુના મુખ્ય સાધુ ગૌતમસ્વામીજી, સાધ્વી ચંદનબાળા, શ્રાવક આનંદ અને શ્રાવિકા સુલસા હતાં.

 

સ. ૧૦. શ્રી તીર્થંકર પરમાત્માને કેટલું બળ હોય ? તે સમજાવો.

જ. ૧૦. ૧૨. યોદ્ધાનું બળ  ૧ આખલામાં હોય.

 ૧૦ આખલાનું બળ  ૧ ઘોડામાં હોય.

 ૧૨ ઘોડાનું બળ   ૧ પાડામાં હોય.

 ૧૫ પાડાનું બળ   ૧ હાથીમાં હોય.

 ૫૦૦ હાથીનું બળ   ૧ સિંહમાં હોય.

 ૨૦૦૦ સિંહનુ બળ  ૧ અષ્ટાપદ (પ્રાણી)માં હોય.

 ૧૦ લાખ અષ્ટાપદનું બળ ૧ બળદેવમાં હોય.

 ૨ બળદેવનું બળ   ૧ વાસુદેવમાં હોય.

 ૨ વાસુદેવનું બળ   ૧ ચક્રવર્તીમાં હોય.

 ૧૦ લાખ ચક્રવર્તીનું બળ  ૧ નાગેન્દ્રમાં હોય.

 ૧ ક્રોડ નાગેન્દ્રનું બળ  ૧ ઈન્દ્ર હોય.

 અનંત ઈન્દ્રોનું બળ શ્રી જિનેશ્વરની ટચલી આંગળીમાં હોય છે.

સ. ૧૧. તીર્થંકર એટલે શું ? તીર્થંકર કેટલા થયા ? અને કેટલા થશે ?

જ. ૧૧. તીર્થંકર એટલે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા - એ ચારની સંઘ રૂપે સ્થાપના કરનાર અને ધર્મતીર્થને પ્રવર્તાનાર. એવા અનંતા તીર્થંકરો થાય છે અને અનંતા તીર્થંકરો થશે.

સ. ૧૨. શ્રી જિનેશ્વરદેવના જન્મ સમયે કેવા ચમત્કાર થાય છે?

જ. ૧૨. ૧. નારકીના જીવોને પણ ક્ષણભર શાતા શહે છે.

 ૨. શીતળ પવન દશેય દિશાએ વાય છે.

 ૩. ઈન્દ્રમહારાજ અને દિક્કુમારિકાઓનાં આસન ચલાયમાન થાય છે.

સ. ૧૩. તીર્થંકર પરમાત્મા દીક્ષા સમય પહેલાં દરરોજ કેટલા સોનૈયાનું દાન કરે છે ?

જ. ૧૩. તીર્થંકર પરમાત્મા દરરોજ એર ક્રોડ, આઠ લાખ (૧,૦૮,૦૦૦૦૦) સોનૈયાનું દાન કરે છે.

સ. ૧૪. શ્રી મહાવીર પ્રભુના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની સંખ્યા કેટલી હતી ?

જ. ૧૪. શ્રી સુધર્માસ્વામીજી આદિ ૧૪૦૦૦ સાધુઓ, ચંદનબાળા આદિ ૩૬૦૦૦ સાધ્વીઓ. આનંદ આદિ ૧,૫૯૦૦૦ શ્રાવકો, સુલસા આદિ ૩,૧૮૦૦૦ શ્રાવિકાઓ.

સ. ૧૫. શ્રી મહાવીર પ્રભુએ સાડાબાર વર્ષમાં કેટલાં પારણાં કર્યા ?

જ. ૧૫. શ્રી મહાવીર પ્રભુએ ૩૪૯ પારણાં કર્યાં છે.

 

પાઠ - ૧૫

સ. ૧. કર્મ એટલે શું? ને કયાં કયાં છે? અને તેના ઉત્તરભેદ કેટલા છે?

જ. ૧. મિથ્યાત્વ-ખોટી સમજ આદિ હેતુઓથી જીવ વડે જે કરાય તે કર્મ, તે જ્ઞાનવરણીય વગેરે મૂળભેદે આઠ પ્રકારે છે.

 ૧. જ્ઞાનાવરણીય કર્મ - તેના  ઉત્તરભેદ  ૫

 ૨. દર્શનાવરણીય કર્મ - તેના ઉત્તરભેદ  ૯

 ૩. વેદનીય કર્મ - તેના ઉત્તરભેદ   ૨

 ૪. મોહનીય કર્મ - તેના ઉત્તરભેદ   ૨૮

 ૫. આયુકર્મ - તેના ઉત્તરભેદ    ૪

 ૬. નામકર્મ - તેના ઉત્તરભેદ       ૯૩ કે ૧૦૩

 ૭. ગોત્રકર્મ - તેના ઉત્તરભેદ    ૨

 ૮. અંતરાય કર્મ - તેના ઉત્તરભેદ   ૫

 એમ આઠેય કર્મોના કુલ ઉત્તરભેદ ૧૪૮ અથવા ૧૫૮ છે.

સ. ૨. ઘાતીકર્મ એટલે શું ? તે કેટલાં છે ? કયાં કયાં છે ? તથા તેનો નાશ થવાથી શું પ્રાપ્ત થાય છે ?

જ. ૨. ઘાતીકર્મ એટલે આત્માના જ્ઞાનદિ ગુણોને આવરનારાં (ઢાંકનારાં) કર્મો. તે ચાર છે (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય (૪) અંતરાય.

 (૧) જ્ઞાનાવરણીય નો નાશ થવાથી અનંતજ્ઞાન ગુણ.

 (૨) દર્શનાવરણીયનો નાશ થવાથી અનંતદર્શન ગુણ.

 (૩) મોહનીયનો નાશ થવાથી ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર ગુણ.

 (૪) અતંરાયનો નાશ થવાથી અનંત દાન આદિ ગુણ પ્રાપ્ત થાય છે.

સ. ૩.  અઘાતીકર્મ એટલે શું ?

જ. ૩. અઘાતીકર્મ એટલે શરીરને સુખ-દુઃખ આપનારા કર્મ.

સ. ૪. જ્ઞાનાવરણીય કર્મ શાથી બંધાય છે ? અને તેનાં કેવાં માઠાં ફળ ભોગવવાં પડે છે?

જ. ૪. જ્ઞાન કે જ્ઞાનીની નિંદા, અવજ્ઞા-આશાતના વગેરે કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તેથી પરભવમાં બુદ્ધિ, અક્કલ મળે નહિ ઃ યાદશક્તિ રહે નહિ, શરીરે ખોડ પામે, જયાં જાય ત્યાં અપમાન પામે, આખો દિવસ મજૂરી કરે પણ પેટપૂરતું ખાવાનું પામે, જયાં જયાં ત્યાં અપમાન પામે, આખો દિવસ મજૂરી કરે પણ પેટ પૂરતું ખાવાનું પામે નહિં.

સ. ૫.  દર્શનાવરણીય કર્મ શાથી બંધાય છે? અને તેનાં કેવાં ફળ ભોગવવાં પડે ?

જ. ૫. જે જીવ સમ્યગ્ દર્શન વાળાજીવોની નિંદા કરે - જ્ઞાનીની સાથે વિતંડાવાદ વગેરે કરે, તે જીવ દર્શનાવરણીય કર્મ બાંધે તેથી પરભવમાં ચક્ષુ વગેરે ઈન્દ્રિયો પામે નહિં, રતાંધળા થાય ઃ મોતીયા, ફુલુ, કમળો વગેરે આંખના રોગો થાય.

સ. ૬. મોહનીય કર્મ કોણ બાંધે છે ? અને તેનાં કેવાં ફળ ભોગવવા પડે ?

જ. ૬. ક્રોધ કરે, વૈર રાખે અને ઈર્ષા વગેરે કરે, તે મોહનીય કર્મ બાંધે. પરભવમાં સર્પ, વીંછી, ઝેર જાનવરોનો અવતાર પામીને મહા દુઃખી થાય. સમકિત, ચારિત્ર વગેરે આત્માના ગુણો પામી શકે નહિ.

સ. ૭. અંતરાય કર્મ કોણ બાંધે ? અને તેનાં કેવાં ફળ ભોગવવા પડે ?

જ. ૭. જે કોઈ ધન,અન્ન, પાણી કે વસ્ત્ર વગેરેનું દાન વગેરે કરવા દે નહિ અને દાન વગેરે કરતા ને વિધ્ન કરે, તે અંતરાય કર્મ બાંધે તેથી પરભવમાં ઘણી મહેનત કરવા છતાં પણ દુઃખી રહે.

સ. ૮. આયુષ્યના કેટલા પ્રકારો છે ? તે કયા કયા છે? અને તેનો અર્થ સમજાવો.

જ. ૮. આયુષ્યના બે પ્રકાર છે. (૧) સોપક્રમ -ઘણું આયુષ્ય છતાં ઉપક્રમ લાગવાથી આયુષ્ય જલદી ભોગવાઈ જાય તે. (૨) નિરૂપક્રમ - ઉપક્રમો લાગવા છતાં મૃત્યુ ન પામતાં આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મૃત્યુ પામે.

સ. ૯. આયુષ્ય કેટલા પ્રકારે ઘટે છે ? તે જણાવો.

જ. ૯. આયુષ્ય સાત પ્રકારે ઘટે છે. (૧) રાગ, સ્નેહ અને ભયના અત્યંત વિચારોથી. (૨) તરવાર વગેરે શસ્ત્રોથી તથા મંત્ર તંત્રના યોગથી. (૩) ઘણા આહારથી (૪) શૂળાદિની વેદનાથી    (૫) ખાડા વગેરેમાં પડવાથી (૬) સર્પાદિના સ્પર્શથી. (૭) પોતાના શ્વાસોચ્છ્વાસ વધી-ઘટી જવાથી કે રોકાઈ જવાથી.

સ. ૧૦. આત્માના કેટલા ભેદો છે ? તે કયા કયા? તે સમજાવો.

જ. ૧૦. આત્માના ત્રણ ભેદો છે (૧) બહિરાત્મા - જયારે મૂઢ દ્રષ્ટિવાળો હોય ત્યારે (૨) અંતરાત્મા - જયારે તત્ત્વદ્રષ્ટિવાળો હોય ત્યારે (૩) પરમાત્મા - જયારે પૂર્ણ જ્ઞાન-પ્રકાશવાળો હોય ત્યારે.

સ. ૧૧. દેવતા પણ જે વસ્તુઓ ચાહે છે તેવી વસ્તુઓ કઈ ?

જ. ૧૧. (૧) મનુષ્યભવ (૨) આર્યદેશમાં જન્મ (૩) ધર્મ.

સ. ૧૨.  સ્વભાવ કેઠલી જાતના હોય છ.? તે કયા કયા છે ? અને તેનો અર્થ સમજાવો.

જ. ૧૨. સ્વભાવ ત્રણ જાતના હોય છે. (૧) સત્ત્વગુણી - જલદી ઉપદેશ ગ્રહણ કરે તે. (૨) રજોગુણી - કઠોર સ્વભાવવાળો (૩) તમોગુણી-વાતવાતમાં ઉગ્ર બને તે.

 

પાઠ - ૧૬

સ. ૧. સમ્યક્ત્વનાં મુખ્ય લક્ષણો કયાં કયાં ?

જ. ૧. ૧. શમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા, ૫. આસ્તિકત .

 (૧) શમ - કષાયની શાન્તિ.

 (૨) સંવેગ - મોક્ષસુખની ઈચ્છા ( તે સિવાય કોઈ પણ સુખની ઈચ્છા ન હોય)

 (૩) નિર્વેદ - સંસાર ઉપર વિરકતાભાવ.

 (૪) અનુકંપા - દયાભાવ.

 (૫) આસ્તિકતા - શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનો ઉપર શ્રદ્ધા.

સ. ૨. પાંચ પ્રકારના  સમ્યક્ત્વનાં નામ આપો.

જ. ૨. (૧) અૈપશમિક સમ્યક્ત્વ.  (૨) ક્ષાયિક સમ્યક્ત્વ.

 (૩) ક્ષાયોપશિક સમ્યક્ત્વ. (૪) વેદક સમ્યક્ત્વ.

 (૫) સાસ્વાદન સમ્યક્ત્વ...

સ. ૩. પાંચ પ્રકારના મિથ્યાત્વનાં નામ આપો અને તેનો અર્થ સમજાવો.

જ. ૩. (૧) અભિગ્રહિક મિથ્યાત્વ - પોતે ગ્રહણ કરેલ (સ્વીકારેલ) કુધર્મને છોડવો નહિ.

 (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ - સર્વ ધર્મોને એકસરખા માનવા.

 (૩) આભિનિવેશિક મિથ્યાત્વ - ખોટું જાણવા છતાં તેને છોડવું નહિ.

 (૪) સાંશયિક મિથ્યાત્વ - શ્રી વીતરાગદેવના વચનમાં શંકા રાખવી.

 (૫) અનાભોગિક મિથ્યાત્વ - અજાણપણે સાચું - ખોટું કંઈ સમજવું નહિ.

સ. ૪.  ધ્યાન એટલે શું? તે કેટલાં છે અને કયાં કયાં છે?

જ. ૪. ધ્યાન એટલે એકાગ્રતાપૂર્વક વિચાર. તે ચાર છે. (૧) આર્ત્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મ ધ્યાન (૪) શુક્લધ્યાન.

સ. ૫.  ચાર ધ્યાનનો અર્થ સમજાવો.

જ. પ. (૧) આર્ત્તધ્યાન - દુનિયાદારીના સુખ માટે ચિંતવના કરવી નેમ જ દુઃખીની બળતરા  કરવી. (૨) રૌદ્રધ્યાન - હિંસા, જૂઠ, ચોરી વગેરે ખરાબ વિચારો કરવા. (૩)ધર્મધ્યાન - આત્મકલ્યાણ માટે વિચારો કરવા તેમ જ જન્મ-મરણથી છૂટવા પ્રયત્ન કરવો.   (૪) શુક્લધ્યાન - કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાનું ધ્યાન અને કેવલી ભગવાનની યોગ નિરોધ અવસ્થાની ક્રિયા.

 

સ. ૬. પ્રણામ એટલે શું ? તેના કેટલા પ્રકારો છે. ?

જ. ૬. પ્રણામ એટલે વંદન કરવું તે. (૧) બે હાથ જોડવા તે અંજલિ પ્રણામ. (૨) બે હાથ જોડીને અર્ધુ અંગ નમાવવાું તે અર્ધાવનત પ્રણામ. (૩) બે ઢીંચણ, બે હાથ અને માથું - એમ પાંચ અંગો ભૂમિને સ્પર્શે તે રીતે નમસ્કાર કરવા તે પંચાંગ પ્રણામ કહેવાય.

સ. ૭. અવસ્થાત્રિકનાં નામ આપો. અને તે સમજાવો.

જ. ૭. (૧) પિંડસ્થ અવસ્થા-કેવલજ્ઞાન પામ્યા પહેલાંની અવસ્થા, છદ્મસ્થ અવસ્થા - (જન્મ, રાજય અને દીક્ષા વખતે ઈન્દ્રાદિ દેવો પ્રભુને જળવડે અભિષેક કરીને ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી પૂજે છે તે.)

 (૨) પદસ્થ અવસ્થા - કેવલજ્ઞાન પામ્યા પછીની અવસ્થા (કેવલી અવસ્થા) (અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, છત્ર વગેરે આઠ પ્રાતિહાર્યો પ્રભુની સાથે રહે છે તે વગેરે) તે જોઈને આપણે પ્રભુની પદસ્થ અવસ્થા ભાવવી.

 (૩) રૂપાતીત અવસ્થા - સિદ્ધિસ્થ અવસ્થા (સિદ્ધાવસ્થા, પદ્માસન, કાઉસગ્ગ અને ધ્યાન વડે પ્રભુની રૂપાતીત અવસ્થા વિચારી આપણે પ્રભુની રૂપાતીત અવસ્થા ભાવવી.

સ. ૮. પ્રણિધાન - ત્રિક એટલે શું ?

જ. ૮. (૧) જાવંતિ ચેઈઆઈં - ત્રણ ભુવનમાં જિનચૈત્યોને વંદન કરવા રૂપ ચૈત્યવંદન.

 (૨) જાવંત કેવિસાહૂ - ભરત, અૈરાવત અને મહાવિદેહમાં રહેલા સાધુ-મુનિરાજોને વંદન કરવા રૂપ ગુરૂવંદન.

 (૩) જય વીયરાય-વીતરાગ પરમાત્માને વિનંતિ કરવા રૂપ પ્રાર્થના સૂત્ર.

 ઉપરનાં ત્રણેય મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક કરવાં તે પ્રણિધાનત્રિક કહેવાય.

સ. ૯. ગુરુવંદન કેટલા પ્રકારે થાય છે. અને કઈ રીતે થાય છે?

જ. ૯. ગુરુવંદન ત્રણ પ્રકારે થાય છે. (૧)  કિ્ટ્ટાવંદન - બે હાથ જોડી, મસ્તક નમાવીને "મત્થેણ વંદામિ" કહેવું તે (૨) થોભવંદન - બે ખમાસમણમ દઈ ઈચ્છકાર -અબ્ભુટિ્ઠઓ બોલી વંદન કરવું તે. (૩) દ્વાદશાવર્ત્ત વંદન - વાંદણાં દેવાપૂર્વક વંદન થાય તે.

સ. ૧૦. અતિથિસંવિભાગ એટલે શું?

જ. ૧૦. ચૌવિહાર ઉપવાસપૂર્વક રાત-દિવસનો પૌષધ કરી; પારણે એકાસણું કરી, મુનિ મહારાજને, વહોરાવી, જેટલી ચીજ મુનિરાજ વહોરે તેટલી ચીજ વાપરવી તે.

સ. ૧૧. છ’રી પાળતો સંઘ એટલે શું ? તથા સાચવવા ના હોય તે. છ’રીનાં નામ આપો.

જ. ૧૧. જે સંઘમાં પૂ. ગુરુમહારાજની નિશ્રાએ - ૧. રોજ એકાસણું, ૨. દેવ - ગુરુ ધર્મની ભક્તિ, ૩. - સંથારે સૂવું,  ૪. સચિત્ત વસ્તુનો ત્યાગ, ૫. પગે ચાલવું,  ૬. શિયળ ચાળવું, આ છ’રી પાળતો સંઘ કહેવાય.

 (૧) એકાહારી (૨)ભૂમિસંથારી (૩) સમકિતધારી (૪) પાદચારી (૫) બ્રહ્મચારી (૬) સચિત્ત પરિહારી. ( આ છ’રીના નામ છે.)

સ. ૧૨. જીવ ત્રણ કરણ કરે છે, તેના નામ આપો અને તેનો અર્થ સમજાવો.

જ. ૧૨. ૧. યથાપ્રવૃત્તિકરણ - આયુષ્ય વિના સાતે કર્મની સ્થિતિને એક કોડાકોડી સાગરોપમથી પણ ઓછી કરી નાંખે એવો વિશુદ્ધ અધ્યાવસાય.

 ૨. અપૂર્વકરણ - કોઈ વખત નહિ પ્રાપ્ત થયેલો એવો સમકિતની પ્રાપ્તિ પૂર્વેનો અધ્યવસાયે જેનાથી રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાઈ સમ્યક્ત્વની યોગ્યતા પ્રાપ્ત થાય છે.

 ૩. અનિવૃત્તિકરણ - મોક્ષરૂપી વૃક્ષના બીજ સમાન સમ્યક્ત્વને પામ્યા વગર પાછું ન વળે તેવું કરણ. આ ત્રણ કરણ ભવ્ય જીવો જ કરી શકે છે.

સ. ૧૩. ભવી, અભવી અને જાતિભવી એટલે કેટલા પ્રકારના છે ? અને કયા કયા ?

જ. ૧૩. સંસારામાં ભવી આદિ જીવો ત્રણ પ્રકારના છેઃ (૧) ભવી, (૨)અભવી (૩) જાતિભવી.

 (૧) ભવી એટલે કર્મ ખપાવીને મોક્ષે જનાર જીવો. (૨) અભવી એટલે કોઈ પણ કાળે મોષે નહિ જનાર જીવો (૩) જાતિભવી એટલે મોક્ષ મેળવવાની યોગ્યતાવાળા પણ સામગ્રી નહિ મળવાથી મોક્ષે જઈ શકે નહિ તેવા જીવો.

સ. ૧૪. જાતિસ્મરણ જ્ઞાન એટલે શું? તે કેટલા ભવ સુધીનું થાય ?

જ. ૧૪. પાછલા ભવમાં અનુભવેલી વસ્તુનું, તેવું કાંઈ દેખીને કે સાંભળીને સ્મરણ થાય અને જાણી શકાય તે. તે જ્ઞાનથી વધારેમાં વધારે સંખ્યાતા ભવનું જ્ઞાન થાય છે.

સ. ૧૫. રાગ અને દ્વેષ એટલે શું ? તેનો અર્થ સમજાવો.

જ. ૧૫. રાગ અને દ્વેષ એ આત્માના ભયંકર શત્રુ છે. અને આત્માને સંસારમાં જન્મ-મરણ કરાવનાર છે. રાગ એટલે મનગમતી વસ્તુ ઉપર મોહ રાખવો અને દ્વેષ એટલે અણગમતીવર્તુ ઉપર ખરાબ વિચાર કરવા. (અપ્રીતિ રાખવી)

સ. ૧૬. આત્મ - કલ્યાણ એટલે શું ?

જ. ૧૬. આત્મને જન્મ - મરણ કરવાં ન પડે તેવી આત્માની સ્થિતિ પ્રાપ્ત કરવી, તે આત્મ-કલ્યાણ છે.

સ. ૧૭. મોક્ષ એટલે શું ? મોક્ષમાં શું ન હોય ?

જ. ૧૭. મોક્ષ એટલે જયાં જન્મ-મરણ કરવાં ન પડે એવું ઉત્તમ સ્થાન. ત્યાં કોઈ જાતનું દુઃખ કે રોગ ન હોય, સુખ પણ કદી જાય નહિ એવું હોય અને જયાંથી ફરીથી સંસારમાં આવવું ન પડે.

 પાઠ - ૧૭

સ. ૧. પાંચ દાનનાં નામ આપો અને તેનો અર્થ સમજાવો.

જ. ૧. (૧) અભયદાન - જીવને મરણથી બચાવવો.

 (૨) સુપાત્રદાન - સાધુ-સાધ્વીજી મહારાજને આહાર-પાણી વગેરે વહોરાવવાં

 (૩) અનુકંપાદાન - ગરીબ, લૂલા-પાંગળા તેમ જ આંધળાને ખાવા-પીવાનું તેમજ કપડાં, પૈસા વગેરે આપવું તે.

 (૪)ર્કીિતદાન - યશની ખાતર આપવું તે.

 (૫) ઉચિતદાન - જરૂરી પ્રસંગે વ્યવહાર સાચવવા આપવું તે.

સ. ૨.  દાનને શોભાવનારાં પાંચ ભૂષણોનાં નામ આપો.

જ. ૨. (૧) આપતાં આનંદનાં આંસુ આવે (૨) રોમાંચ ખડા થાય (૩) બહુમાન પેદા થાય. (૪) પ્રિય વચન બોલે (૫) આત્યા પછી અનુમોદના કરે.

સ. ૩. દાનને દૂષિત કરનારાં પાંચ કારણો કયાં ?

જ. ૩. (૧) અનાદરથી આપવું, (૨) ઘણી વાર લગાડીને આપવું (૩)વાંકું મોઢું રાખીને આપવું (૪) અપ્રિય વચન સંભળાવીને આપવું (૫)દાન આપ્યા પછી ખેદ કરવો.

સ. ૪. તિથિઓના પ્રકાર જણાવો તેમ જ કઈ કઈ તિથિ શેની આરાધના માટે છે? તે જણાવો.

જ. ૪. (૧) બે બીજ દર્શનતિથિ કહેવાય છે અને તે સમ્યગ્દર્શનની આરાધના માટે છે. (૨) બે પાંચમ અને બે અગિયારસ. આ ચાર પર્વતિથિઓ જ્ઞાતિથિઓ છે તે ચૌદ પૂર્વ સુધીના જ્ઞાનની આરાધના માટે છે. (૩) બે આઠમ, બે ચૌદશ, ર્પૂિણમા અને અમાસ, આ છ પર્વતિથિઓ ચારિત્રતિથિ કહેવાય છે અને તે ચારિત્રના આરાધન માટે છે.

સ. ૫.  વૈરાગ્ય કેઠલી જાતના છે? તેનાં નામ આપો .

જ. ૫.  વૈરાગ્ય ત્રણ પ્રકારના છે. (૧) દુઃખર્ગિભત વૈરાગ્ય - સ્ત્રી, પુત્ર, મિત્ર ધાન્યાદિ સુખને આપનાર ઈષ્ટ વસ્તુઓ જયારે પ્રાપ્ત થઈને નાશ પામે, ત્યારે મનમાં દુઃખ ઉત્પન્ન થવાથી તે નિમિત્તે સકલ સંસાર ઉપર ઉદ્વેગ થાય તે. (૨)મોહર્ગિભત વૈરાગ્ય  - સ્વાર્ગાદિ સુખની આશંસાથી જે વૈરાગ્ય પ્રગટે તે, આ વૈરાગ્ય અજ્ઞાનજનિત હોય છે.કારણ કે આ વૈરાગ્યવાળા જીવાજીવાદિ તત્ત્વોના સ્વરૂપને વિપરીતરૂપે ગ્રહણ કરે છે. (૩) જ્ઞાનર્ગિભત વૈરાગ્ય - સંસાર અસાર છે, શરીર નાશવંત છે, એવી બુદ્ધિથી જે વૈરાગ્ય થાય તે.

સ. ૬. માનવ યોગ્ય ધર્મના નામ આપો

જ. ૬.  માનવ યોગ્ય ધર્મ (૧) દાન (૨) શીલ (૩) તપ (૪) ભાવ છે.

સ. ૭. ચાર કષાયો શેનો શેનો નાશ કરે છે?

જ. ૭. (૧) ક્રોધકષાય - પ્રાતિનો નાશ કરે છે.

 (૨) માનકષાય - વિનયગુણનો નાશ કરે છે.

 (૩) માયાકષાય - સરળતાનો નાશ કરે છે.

 (૪) લોભકષાય - સર્વ વસ્તુઓનો નાશ કરે છે.

સ. ૮. ચાર પ્રકારના જિન કયા કયા? તે સમજાવો.

જ. ૮. (૧) નામજિન - શ્રી જિનેશ્વર ભગવાનનું નામ, (૨) સ્થાપનાજિન - શ્રી જિનેશ્વર ભવગવાનની પ્રતિમા. (૩) દ્રવ્યજિન - જેઓ તીર્થંકર થવાના છે અગર થઈ ગયા છે તે જીવો (૪) ભાવજિન - જેઓ તીર્થંકરપણે વિચારતા હોય તે.

સ. ૯. શરણ લેવા યોગ્ય કોણ કોઊ છે ? તે જણાવો .

જ. ૯.  શરણ લેવા યોગ્ય ચાર છે. (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) સાધુ (૪) ધર્મ.

સ. ૧૦. ચાર પ્રકારના આહાર કયા કયા ? તે સમજાવો.

જ. ૧૦. (૧) અશન. (૨)પાન (૩) ખાદિમ (૪)સ્વાદિમ .

 (૧)અશન  એટલે રાંધેલી વસ્તુઓ (દાળ-ભાત-રોટલી-શાક-મીઠાઈ) વગેરે

 (૨) પાન એટલે પીવા યોગ્ય વસ્તુઓ (પાણી વગેરે)

 (૩) ખાદિમ એટલે શેકેલી વસ્તુઓ (ચણા, મમરા) ફળ વગેરે.

 (૪) સ્વાદિમ એટલે મુખવાસ (સૂઠ-ગંઠોડા-તજ-લવીંગ-ધાણાની દાળ વરિયાળી-પાન) વગેરે.

સ. ૧૧. સામા માણસને કેવી રીતિએ વશ કરાય ?

જ. ૧૧. માણસને વશ કરવા માટેની ચાર રીત છે. (૧) પ્રિય વચન બોલવું (૨)વિનય કરવો. (૩)દીન જનોને દાન કરવું (૪) ગુણી જનોના ગુણો ગ્રહણ કરવા અને તેઓની પ્રશંસા કરવી.

સ. ૧૨. ચંડાળ કેટલા પ્રકારના છે ? તે કયા કયા છે તેનો અર્થ સમજાવો.

જ. ૧૨. ચંડાળ ચાર પ્રકારના છે. (૧) જતિચંડાળ - ચંડાળની જાતિમાં જન્મેલો. (૨) કર્મ ચંડાળ - ચંડાળની જેમ નિર્દય કર્મ કરે તે. (૩) ક્રોધ ચંડાળ - આવેશમાં ન કરવાનાં કર્યો કરે તે. (૪) નિંદકચંડાળ - પારકા અવર્ણવાદ બોલીને નિંદા કરે તે.

 

પાઠ - ૧૮

સ. ૧. દેવતાઓ મનુષ્યલોકમાં કયાં કયાં કારણોસર આવે છે ?

જ. ૧. દેવતાઓને મનુષ્યલોકમાં આવવાનાં ચાર કારણો છે. (૧) શ્રી તીર્થંકરદેવના પાંચેય કલ્યાણક પ્રસંગે (૨) પોતાના ઉપકારી આચાર્ય-ઉપાધ્યાયને વંદન અર્થે. (૩) તપસ્વીનો મહિમા દર્શાવવા માટે (૪)સ્વજનાદિના સ્નેહથી આકર્ષાઈને.

સ. ૨. દેવતાઓ શાથી ઓળખાય છે ?

જ. ૨. (૧) જે આંખનું મટકું મારે નહિં (૨) જેમના દેહનો પડછાયો પડે નહિ. (૩) જેમની ફૂલની માળા કરમાય નહિ. (૪) જે જમીનથી ચાર આંગળ ઊંચા રહે તે દેય.

સ. ૩. દેવતાઓ પાંચ દિવ્યો કરે છે તે કયાં કયાં?

જ. ૩. (૧) સુવર્ણવૃષ્ટિ, (૨)કુસુમવૃષ્ટિ  (૩) સુગંધી વાસક્ષેપ (૪)દેવદુંદુભિ (૫)અહોદાનં ... અહોદાનં.. એવી ઘોષણા.

સ. ૪. પાંચ પ્રકારની ક્રિયા કઈ કઈ? તે સમજાવો.

જ. ૪.  (૧) વિષક્રિયા - આલોકમાં સુખ મેળવવાની ઈચ્છાથી જેં ક્રિયા કરવામાં આવે તે.

 (૨) ગરલક્રિયા - પરભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે.

 (૩) અનુષ્ઠાનક્રિયા - ઉપયોગશૂન્ય થતી ક્રિયા.

 (૪) તદ્હેતુક્રિયા - શુદ્ધક્રિયાના રાગપૂર્વક કરાતી અશુદ્ધ ક્રિયા.

 (૫) અમૃતક્રિયા - ઉચ્ચ કોટિના ભાવપૂર્વક કરાતી સંપૂર્ણ શુદ્ધક્રિયા.

સ. ૫. મનુષ્યજન્મમાં સુખ આદિનો નાશ કરનાર છ વસ્તુઓ કઈ કઈ છે?

જ. ૫. (૧) આળસ - સુખનો નાશ કરે. (૨) કુસંપ - લક્ષ્મીનો નાશ કરે (૩) લડાઈ- જાન-માલનો નાશ કરે (૪) મિતાહાર -રોગનો નાશ કરે. (૫)સરળતા -શત્રુનો નાશ કરે. (૬)તપ - પાપનો નાશ કરે.

સ. ૬. મનુષ્યગતિમાંથી આવેલનાં લક્ષણો જણાવો.

જ. ૬. (૧) સૌભાગી હોય. (૨) મીઠા વચનવાળો હોય. (૩) દાતાર હોય. (૪)સરળ હોય (૫) ચતુર હોય (૬) ચતુરની સાથે પ્રીતિવાળો હોય.

સ. ૭. નરકગતિમાંથી આવેલનાં લક્ષણો જણાવો.

જ. ૭  (૧) દુર્ભાગી હોય. (૨) ક્લેશી હોય. (૩) રોગી હોય. (૪) અત્યંત ભયવાળો હોય. (૫) અત્યંત આરંભી હોય. (૬) ક્રોધી હોય.

સ. ૮. તિર્યંચગતિમાંથી આવેલાનાં લક્ષણો જણાવો.

જ. ૮. (૧) લોભી હોય.   (૪) અતિક્ષુધાવાળો હોય.

 (૨) કપટી હોય.  (૫) મૂર્ખ હોય.

 (૩) જૂઠ્ઠો હોય.  (૬) મૂર્ખની જોડે પ્રીતિ કરનારો હોય.

સ. ૯.  દેવગતિમાંથી આવેલનાં લક્ષણો જણાવો.

જ. ૯. (૧) સત્યવાદી, દઢધર્મી હોય, (૨) દેવગુરુનો ભક્ત હોય. (૩) ધનવાન હોય (૪)રૂપવાન હોય. (૫) પંડિત હોય.

સ. ૧૦. લેશ્યા કેટલી ? તે કઈ કઈ છે? તેનાં ફળ જણાવો.

જ. ૧૦. (૧) કૃષ્ણ - કૃષ્ણલેશ્યાવાળા માણસોમાં બોલવામાં કઠોરતા, દયાહીનતા અને સ્વભાવમાં કર્કશતા હોય છે.

 (૨) નીલ - નીલલેશ્યાવાળા માણસો દંભ કરવામાં ચાલાકી અને લાંચ ખાવામાં હોંશિયારી હોય છે.

 (૩) કાપોત - કાપોતલેશ્યાવાળા માણસો પારકાની નિંદા કરનાર તેમજ પોતાની બડાળ કરનાર હોય છે.

 (૪) તેજો -તેજોલેશ્યાવાળા માણસોમાં ધર્મમાં દયા, સરળતા, દાન વગેરે ભાવના હોય છે.

 (૫) પદ્મ - પદ્મલેશ્યાવાળા માણસોમાં ધર્મમાં સંકટ સમયે પણ ધૈર્ય, પ્રભુપૂજામાં રુચિ, વ્રત ધારણ કરવામાં આનંદ અને પારકાનું ભલું કરવાની ભાવના હોય છે.

 (૬) શુક્લ - શુક્લલેશ્યાવાળા માણસોમાં તીવ્ર ધર્મબુદ્ધિ અને પરમાત્માદશાની સંપ્રાપ્તિ હોય છે.

 કૃષ્ણલેશ્યાનું ફળ નારકીપણું, નીલલેશ્યાનું ફળ સ્થાવરપણું, કાપોતલેશ્યાનું ફળ તિર્યંચપણું, તેજો લેશ્યાનું ફળ મનુષ્યપણું, પદ્મલેશ્યાનું ફળ દેવપણું અને શુક્લલેશ્યાનું ફળ મોક્ષપ્રાપ્તિ હોય છે.

સ. ૧૧. છ આરા કયા કયા ? તેનાં નામ આપો, તે કેટલા વર્ષ પ્રમાણના છે ? તે જણાવો.

જ. ૧૧. (૧) અવર્સિપણીકાળમાં સુષમસુષમા - પહેલો આરો ૪ કોડાકોડી સાગરોપમનો.

 (૨) સુષમા - બીજો આરો ૩ કોડાકોડી સાગરોપમનો

 (૩) સુષમાદુષમા - ત્રીજો આરો ર કોડાકોડી સાગરોપમનો

 (૪) દુષમાસુષમા - ચોથો આરો ૧ કોડાકોડી સાગરોપમ માં ૪૨ હજાર વર્ષ ઓછાનો.

 (૫) દુષમા - પાંચમો આરો ૨૧ હજાર વર્ષનો.

 (૬) દુષમાદુષમા - છઠ્ઠો આરો ૨૧ હજાર વર્ષનો.

 આમ છએ આરા કુલ ૧૦ કોડાકોડી સાગરોપમના હોય છે. ૧૦ કોડાકોડી સાગરોપમની એક ઉર્ત્સિપણી, અને ૧૦ કોડાકોડી સાગરોપમની એક અવર્સિપણી, તે બન્ને મળીને ૨૦ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય છે.

સ. ૧૨. નય એટલે શું? તેના પ્રકાર કેટલા ?

જ. ૧૨. કોઈ પણ વિષયનું સાપેષ નિરુપણ કરનારો વિચાર તે નય કહેવાય, તેના સાત પ્રકાર છે. તે ક્રમસર આ પ્રમાણે છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪)ઋજુસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત નય.

સ. ૧૩. દશ કલ્પવૃક્ષોનાં નામ આપો અને તે શું આપે છે? તે જણાવો.

જ. ૧૩. (૧) ગૃહાંગ - રહેવા માટે ઘર આપે. (૨)જયાતિ- રંગ - પ્રકાશ આપે. (૩)ભૂષણાંગ - દરેક પ્રકારના અલંકારો આપે. (૪) ભોજનાંગ - દરેક પ્રકારના ભોજન આપે. (૫) વસ્ત્રાંગ - દરેક જાતનાં વસ્ત્રો આપે. (૬)ચિત્રરસાંગ - દરેક પ્રકારની પીવાના પદાર્થો આપે. (૭) તૂર્યાંગ - દરેક જાતનાં વાજિંત્ર આપે. (૮) કુસુમાંગ - દરેક પ્રકારનાં સુગંધી પુષ્પો આપે. (૯) ભાજનાંગ - દરેક પ્રકારનાં વાસણો આપે. (૧૦) દીપાંગ - દીપકો પ્રગટાવે.

સ. ૧૪. નારકીના જીવો દસ પ્રકારની વેદના સહન કરે છે તે કઈ કઈ ?

જ. ૧૪. (૧) શીત  (૫) ખંજવાળ  (૮) દાહ

 (૨)ઉષ્ણ  (૬) પરવશતા (૯) ભય

 (૩) ક્ષુધા  (૭) જવર.  (૧૦) શોક

 (૪) પિપાસા.

સ. ૧૫. આગમસૂત્રો કયારે ન ભણાય ?

જ. ૧૫.  ૧. સૂર્યોદય પહેલાં અને પછી એક ઘડી સુધી ન ભણાય મતાંતરે સૂર્યોહય પહેલાં બે ઘડી સુધી ન ભણાય.

 ૨. સૂયાસ્ત પહેલાં અને  સૂર્યાસ્ત પછી બે ઘડી સુધી ન ભણાય.

 ૩. મધ્યાહ્ન સમયે એટલે બાર વાગે બે ઘડી ન ભણાય.

 ૪. મધ્યરાત્રે એટલે રાત્રે બાર વાગે બે ઘડી ન ભણાય.

સ. ૧૬. શ્રી સિદ્ધગિરિ ઉપર ચૈત્યવંદન કરવાનાં મુખ્ય સ્થાનો કેટલા ? અને કયાં કયાં?

જ. ૧૬. તે સ્થાનો પાંચ છે.

 ૧. તળેટીમાં પગલાં આગળ.

 ૨. ગિરિરાજ ઉપર શ્રી શાન્તિનાથ પ્રભુના દહેરાસરમાં.

 ૩. (મૂલનાયક) શ્રી આદીશ્વર દાદા સન્મુખ.

 ૪. શ્રી પુંડરિકસ્વામિજી સન્મુખ.

 ૫. રાયણ પગલે.

સ. ૧૭. શ્રી સિદ્ધગિરિજી ઉપર સોલ મોટા ઉદ્ધાર કોણે કોણે કરાવ્યા?

જ. ૧૭. (૧) ભરત ચક્રવર્તીએ. (૨)દંડવીર્ય રાજાએ. (૩)ઈશાનેન્દ્રે (૪) માહેન્દ્રે (૫)બ્રહ્મેન્દ્રે (૬)ચમરેન્દ્રે (૭)સગર ચક્રવર્તીએ (૮) વ્યંતરેન્દ્રે (૯)ચંદ્રયશા રાજાએ        (૧૦)ચક્રાયુધ રાજાએ.(૧૧) રામચંદ્રજીએ,  (૧૨) પાંડવોએ, (૧૩) જાવડશાહે, (૧૪)બાહડ મંત્રીએ, (૧૫) સમરાશાહે (૧૬) કર્માશાહે.

સ. ૧૮. જ્ઞાનીઓએ એક રાજલોકનું પ્રમાણકેવી રીતિએ સમજાવ્યું છે ?

જ. ૧૮. એક દેવ સૌધર્મ દેવલોકથી ક્રીડાપૂર્વક (સહેલાઈથી) હજાર ભાર લોઢાનો ગોળો પોતાના સર્વ બળથી ભૂમિ પ્રતિ (તરફ) ફેંકે, તે ૬ દિવસ, ૬ પ્રહર, ૬ મુહૂર્ત, ૬ ઘડી અને ૬ પળે પૃથ્વી ઉપર આવે છે. ત્યારે એક રાજનું પ્રમાણ થાય.

સ. ૧૯. ચૌદ ગુણસ્થાનકોનાં નામ આપો.

જ. ૧૯. (૧) મિથ્યાત્વ. (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યગ્દ્રષ્ટિ. (૫)દેશવિરતિ (૬) પ્રમત્ત. (૭) અપ્રમત્ત. (૮)અપૂર્વકરણ (નિવૃત્તિ) (૯)અનિવૃત્તિબાદર, (૧૦)સૂક્ષ્મસંપરાય. (૧૧) ઉપશાન્તમોહ (૧૨) ક્ષીણમોહ. (૧૩) સયોગીકેવળી        (૧૪) અયોગી કેવીળી.

સ. ૨૦. જુદા જુદા પ્રકારનાં પચ્ચક્ખાણનાં ફળ જણાવો.

જ. ૨૦. (૧) નવકારશી - એક સો વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને જે કર્મનિર્જરા થાય તેટલી કર્મનિર્જરા આ પચ્ચક્ખાણથી કરે.

 (૨)પોરિસી - એક હાજર વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને કર્મનિર્જરા થાય તેટલી કર્મ નિર્જરા કરે.

 (૩) સાઢ પોરિસી - દશ હજાર વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને જેટલી કર્મ નિર્જરા કરે તેટલી નિર્જરા થાય.

 (૪) પુરિમડ્ઢ - એક લાખ વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને જેટલી કર્મ નિર્જરા કરે તેટલી નિર્જરા થાય.

 (૫) એકાસણું - દસ લાખ વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને જેટલી કર્મ નિર્જરા કરે તેટલી નિર્જરા થાય.

 (૬) નિવી - એક ક્રોડ વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને જેટલી કર્મ નિર્જરા કરે તેટલી નિર્જરા થાય.

 (૭) એકદત્તિ - સો ક્રોડા વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને જેટલી કર્મ નિર્જરા કરે તેટલી નિર્જરા થાય.

 (૮) આયંબીલ - એક હજાર ક્રોડ વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને જેટલી કર્મ નિર્જરા કરે તેટલી નિર્જરા થાય.

 (૯) ઉપવાસ - દશ હજાર ક્રોડ વર્ષ સુધી નારકી જીવોને જે દુઃખ પડે અને જેટલી કર્મ નિર્જરા કરે તેટલી નિર્જરા થાય.

સ. ૨૧. વિહરમાન તીર્થંકર એટલે શું ? તે કેટલા છે? તેઓનાં નામ આપો.

જ. ૨૧. વિહરમાન તીર્થંકર એટલે વિચરતા તીર્થંકર વીસ છે.

 (૧) સીમંધર.   (૧૧) વજ્રંધર.

 (૨) યુગમંધર.   (૧૨) ચંદ્રાનન.

 (૩) બાહુ.     (૧૩) ચંદ્રબાહુ.

 (૪) સુબાહુ   (૧૪) ભુજંગ.

 (૫) સુજાત.   (૧૫) ઈશ્વર.

 (૬) સ્વયંપ્રભ.   (૧૬) નેમિપ્રભ.

 (૭)ઋષભાનન.   (૧૭ા વીરસેન.

 (૮) અનંતવીર્ય   (૧૮) દેવયશા.

 (૯) સુરપ્રભ   (૧૯) ચંદ્રયશા.

 (૧૦) શ્રી વિશાલ   (૨૦) અજિતવીર્ય.