આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

ભગવાન શ્રી મહાવીર દેવના પાટ પ્રભાવક પુરૃષોનો પરિમિત પરિચય

વર્તમાન વિશ્વમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન સદાકાળ જયવંતુ વર્તે છે. ર૧૦૦૦ વર્ષની સમય મર્યાદાવાળા પાંચમા આરાના અંત સુધી જિનશાસનમાં ર૦૦૪ યુગપ્રધાન મહર્ષિઓ અને ર૩ ઉદયનો આંક શ્રોતાજનને આનંદની લહરીઓ પ્રગટાવનાર છે. આ સમયમાં જ થનારા શુદ્ધ સંયમી સૂરિવરોની પપ,પપ,પપ૦,૦૦૦૦૦૦૦૦ (પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચસો પચાસ ક્રોડ) આ સંખ્યા અગણિત હર્ષનો પ્રાદુર્ભાવ કરનારી છે.

પરમાત્મા શ્રી મહાવીરદેવની પ્રભાવક પરંપરાના પુરૃષરત્નોએ મુક્તિવધૂના મેળાપ માટે અને અસાર સંસારથી સદાય છૂટવા માટે મોક્ષમાર્ગની મંગલકારી આરાધનાથી જગતના જીવોને અદ્વિતીય આદર્શ આપ્યો છે અને સ્વ-પર સૌના કલ્યાણને સાધવામાં તેઓ સર્વશ્રેષ્ઠ હેતુભૂત બન્યા છે. તેવા પ્રતાપી-પુરૃષોનો પરિમિત પરિચય મુજબ છે.

શ્રી વીરપ્રભુના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્મા સ્વામીજી

વર્તમાન શાસનપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કાશ્યપ ગોત્રના હતા. તેઓને અગ્નિવેશ્યાયન ગોત્રવાળા આર્ય શ્રીસુધર્માસ્વામી શ્રી વીર વિભુના પ્રથમ પટ્ટધર થયા. તેઓ 'ફુલ્લાગ' સંનિવેશમાં જન્મ્યા હતા. પિતાનું નામ ધમ્મિલ્લ બ્રાહ્મણ અને માતાનું નામ ભદ્રિલા હતું. ચૌદવિદ્યામાં ચતુર એવા તેઓએ શ્રી મહાવીરપ્રભુ  પાસે પચાસ વર્ષની ઉંમરે પ્રવ્રજ્યા અંગીકાર કરી, ત્રીસ વર્ષ સુધી પ્રભુની સેવા કરી અને વીર પ્રભુના નિર્વાણગમન બાદ બાર વર્ષે તેઓને (જન્મથી બાણું વર્ષે) વિમલ એવું કેવલજ્ઞાન થયું ત્યાર પછી તેઓ આઠ વર્ષ સુધી કેવલિ પર્યાયનું પાલન કરી સો વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી પોતાની પવિત્ર પાટ ઉપર શ્રી જંબૂ-સ્વામીને સ્થાપી સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિપદને પામ્યા. ત્યારથી 'નિર્ગ્રંથ' નામના ગચ્છનો ગૌરવવંતો પ્રારંભ થયો. કાળાંતરે તે ગચ્છના બીજા પણ નામો થયા છે, જે આગળ કહેવામાં આવશે.

દ્વિતીય પટ્ટધર

બીજી પાટ ઉપર બિરાજમાન આર્ય શ્રી જંબૂસ્વામીજીશ્રી સુધર્માસ્વામીજીના શિષ્ય અને કાશ્યપગોત્રી હતા. બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાંથી ચ્યવી રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠની ધારિણી નામની ધર્મપત્નીની કૂખેશ્રી શ્રી જંબુસ્વામીનો જન્મ થયો.

એક વખત રાજગૃહ નગરમાં પધારેલા શ્રી સુધર્મા સ્વામીની સુધાવર્ષિણી ધર્મદેશનાની પ્રતિબોધ પામેલા જંબુકુમારે સમક્તિ અને શીલવ્રત સ્વીકાર્યું. આ વાતને જાણવા છતાં માતા-પિતાએ દૃઢ આગ્રહથી તેમને આઠ કન્યાઓ પરણાવી. રાત્રિ સમયે શયનગૃહમાં તે આઠેય સ્ત્રીઓની વિલાસયુક્ત વાણીથી જંબુકુમાર મોહિત ન થયા. જંબુકુમારે તે સ્ત્રીઓને સંસારની અસારતા તથા મુક્તિ સુખની સારતા સમજાવી પ્રતિબોધ કર્યો. તે સમયે ચોરી કરવા આવેલો ચારસો નવ્વાણુ ચોરોથી યુક્ત એવો પ્રભવચોર પણ તેમની વિરાગવાણીથી પ્રતિબોધ પામ્યો.

સવારના સમયે (પાંચસો ચોર, પોતાની આઠ સ્ત્રીઓ, આઠ સ્ત્રીઓના માતા-પિતા અને પોતાના માતા-પિતા સાથે કુલ) પાંચસો છવ્વીશ વિરાગીઓથી પરિવરેલા જંબુકુમારે નવ્વાણુ કરોડ સોનૈયાનો ત્યાગ કરી શ્રીસુધર્માસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરૃ સેવાના પ્રબળ પ્રભાવથી જંબુસ્વામી કેવલજ્ઞાની થયા. તેઓ સોળ વર્ષ ગૃહસ્થાવાસમાં, વીશ વર્ષ છદ્મસ્થપણામાં અને ચુંમાલીસ વર્ષ કેવલિ-અવસ્થામાં રહ્યા. એંશી વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવી શ્રી પ્રભવસ્વામીને પોતાની પાટે સ્થાપી મોક્ષમાં ગયા.

તૃતીય પટ્ટધર

શ્રી જંબુ સ્વામીને કાત્યાયન ગોત્રવાળા આર્ય શ્રી પ્રભવસ્વામી નામના પટ્ટધર શિષ્ય થયા. તેઓ પોતાની પાટ શ્રી શય્યંભવસૂરિને સોંપી શ્રીવીર-નિર્વાણથી ૭પ વર્ષે પોતે સ્વર્ગે સિધાવ્યા.

ચતુર્થ પટ્ટધર

શ્રી પ્રભવસ્વામીએ પોતાના ગચ્છમાં કે સંઘમાં યોગ્ય પુરૃષ ન જોવાથી અન્ય તીર્થમાં જ્ઞાનનો ઉપયોગ મૂકી રાજગૃહ નગરના યજ્ઞ કરતા શય્યંભવ બ્રાહ્મણને પટ્ટધર થવાને યોગ્ય જાણી પોતે તે નગરમાં પધાર્યા. ગુરૃદેવની હિતશિક્ષા ગ્રહણ કરી બે મુનિઓ યજ્ઞસ્થાનમાં આવી બોલવા લાગ્યા કે - 'અહો ! ખેદની વાત છે કે આ યજ્ઞના કષ્ટમાં તત્ત્વ કાંઈ જણાતું નથી.' આવું મુનિવચન સાંભળી શય્યંભવે પોતાના ગુરૃને સત્યતત્ત્વ પૂછ્યું. 'વેદમાં જે કહ્યું છે તે જ સત્ય તત્ત્વ છે.' આવું ગુરૃનું વચન સાંભળી શય્યંભવે કહ્યું કે, 'જૈન મુનિઓ કદી અસત્ય બોલે નહિ, તેથી સાચું તત્ત્વ કહેશો નહિ તો તલવારથી તમારા મસ્તકનો છેદ કરીશ.'

મ્યાનમાંથી કાઢેલી તલવારથી ભય પામેલા ગુરૃએ સત્ય વાત જણાવી કે 'આ યજ્ઞસ્તંભ નીચે રહેલી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાના પ્રભાવથી યજ્ઞાદિ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે.' ત્યારબાદ તે પ્રતિમાને બહાર કાઢીને ગુરૃએ કહ્યું કે- 'આ અરીહંતદેવે ફરમાવેલો અહિંસાપ્રધાન ધર્મ જ સત્ય તત્ત્વ છે.'

શ્રી શાંતિનાથ સ્વામીની પ્રતિમાના દર્શન કરીને બોધ પામેલા શય્યંભવ ભટ્ટે શ્રી પ્રભવસ્વામી પાસે સંયમનો સ્વીકાર કર્યો, તે અવસરે ગર્ભવતી એવી તેમની પત્નીને મનક નામનો પુત્ર થયો. તેે પણ પિતાજી પાસે દીક્ષા લીધી. જ્ઞાનના ઉપયોગથી મનક મુનિનું આયુષ્ય છ મહિનાનું જાણીને તેને અલ્પકાળમાં બોધ પમાડવા શય્યંભવસૂરિએ સિદ્ધાંતમાંથી સારભૂત શ્રુતજ્ઞાનને ઉદ્ધરી શ્રીદશવૈકાલિક નામના સુંદર સૂત્રની રચના કરી. ત્યાર પછી પોતાની પાટ ઉપર શ્રી યશોભદ્રસૂરિને સ્થાપી શ્રી વીરપ્રભુના નિર્વાણ બાદ અઠ્ઠાણુમે વર્ષે શ્રી શય્યંભવસૂરિ મહારાજ સ્વર્ગવાસી થયા.

પંચમ પટ્ટધર

આર્ય શ્રી શય્યંભવસૂરિને તુંગિકાયન ગોત્રવાળા આર્ય શ્રી યશોભદ્રસૂરિ નામના શિષ્ય થયા. તેઓ શ્રીવીર સંવત ૧૪૬માં સ્વર્ગે પધાર્યા.

છઠ્ઠા પટ્ટધર

આર્ય શ્રીયશોભદ્રસૂરિ મહારાજને માઢરગોત્રી આર્ય શ્રી સંભૂતિવિજયજી અને પ્રાચીનગોત્રી આર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી નામના બે પ્રભાવક શિષ્યો થયા. શ્રી ભદ્રબાહુસ્વામીનો ટૂંક સંબંધ આ મુજબ છે.

પ્રતિષ્ઠાનપુરના બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બે ભાઈઓએ બોધ પામી દીક્ષા લીધી. શ્રી ભદ્રબાહુ સ્વામીની યોગ્યતા જોઈ ગુરૃએ તેમને આચાર્ય પદવી આપી. ઈર્ષ્યાથી બળતો વરાહમિહિર દીક્ષા છોડી વારાહીસંહિતા નામનો ગ્રંથ બનાવી નિમિત્ત જોવા દ્વારા આજીવિકા ચલાવે છે.

એક-બે પ્રસંગમાં શ્રી ભદ્રબાહુસ્વામીનું જ્ઞાનયુક્ત કથન સાચું પડવાથી વરાહમિહિર વિલખો થયો. તેથી શ્રી ભદ્રબાહુસ્વામીની તથા જિનશાસનની પ્રશંસા અને વરાહમિહિરની નિંદા આખાય નગરમાં થઈ.

ક્રોધથી મરીને વ્યંતર થયેલા વરાહમિહિરે સંઘમાં મરકી આદિનો ઉપદ્રવ ફેલાવ્યો ત્યારે ઉવસગ્ગહરં સ્તોત્રની રચનાથી શ્રી ભદ્રબાહુસ્વામીએ તે ઉપદ્રવને ઉપશાંત કર્યો. તે સૌભાગ્યવંત સ્તોત્ર આજ સુધી જૈન સંઘમાં અતિ આદરણીય બની રહ્યું છે.

૮ વર્ષ સુધી શાસન નાયક તરીકે શ્રી સંભૂતિવિજયજી મ. વી. સં. ૧પ૬માં સ્વર્ગવાસી થયા. અને વીર સં. ૧૭૦માં શ્રી ભદ્રબાહુ સ્વામી સ્વર્ગે થયા.

સાતમા પટ્ટધર શ્રી સ્થૂલભદ્ર સ્વામીજી

શ્રી સંભૂતિવિજયજી મહારાજને ગૌતમ ગોત્રવાળા આર્ય શ્રી સ્થૂલભદ્ર નામના પટ્ટધર શિષ્ય થયા. તેમનાં તેજસ્વી જીવનનો સાર આ પ્રમાણે છે.

પાટલીપુત્રનગરમાં નંદરાજાને શકટાલ નામના મંત્રી હતા. તેને સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો હતા. તે નગરની કોશા નામની વેશ્યાની સાથે સ્થૂલભદ્ર બાર વર્ષ રહ્યા

એક અવસરે ખોટી કાનભંભેરણી દ્વારા ગુસ્સે થયેલા રાજા શકટાલ ઉપર દ્વેષી થયા. રાજાનો અનિષ્ટકારી અભિપ્રાય જાણી કુટુંબની રક્ષા ખાતર શકટાલે રાજસભામાં જ પોતાના પુત્ર શ્રીયક દ્વારા પોતાનો વધ કરાવ્યો. રાજાએ સ્થૂલભદ્રને બોલાવી મંત્રીમુદ્રા લેવાનું કહ્યું. ત્યારે તેણે 'વિચારીને જવાબ આપીશ.' એમ કહી અશોક વાટિકામાં જ પિતાના મૃત્યુથી સંસારની અસારતા જાણી ત્યાં જ દીક્ષાધર્મ મનથી સ્વકારી સાધુવેષ પહેરી રાજાને ધર્મલાભ આપી શ્રી સંભૂતિવિજયની મહારાજ પાસે વિધિપૂર્વક વ્રતો સ્વીકારી તેમના શિષ્ય થયા.

વર્ષાઋતુ પસાર કરવા ગુરૃદેવની અનુમતિથી તેઓ કોશા વેશ્યાના ઘેર જઈને રહ્યા. ત્યાં ષટરસવાળા ભોજન કરવા છતાં અને કોશના ઘણા હાવ-ભાવ તથા નાટક-નૃત્ય જોવા છતાંય સંયમના ભાવથી જરા પણ ચલિત ન થયા. સત્ત્વશાલી એવા તેઓએ કોશાને સંસારની અસારતા સમજાવી પ્રતિબોધ દ્વારા સમક્તિ અને શ્રાવકધર્મ આપ્યો.

ચોમાસુ પૂર્ણ કરી ગુરૃદેવ પાસે આવી નિષ્કલંકી ચારિત્રની સાધના કરી અનુક્રમે વીર સંવત - ર૧પમાં સ્વર્ગવાસી થયા. જેમ શ્રી જંબુસ્વામી મ. અંતિમ કેવલિ થયા. તેમ શ્રી સ્થૂલભદ્ર સ્વામીજી અંતિમ શ્રુતકેવલિ થયા. તેઓશ્રીનો જન્મ વીર સં. ૧૧૬, દીક્ષા વીર સં. ૧૪૬ અને આચાર્યપદવી વીર સં. ૧૭૦ અને તેઓનું આયુષ્ય ૯૯ વર્ષનું હતું. ચોરાશી. ચોવીશી સુધી જેઓ અવિસ્મરણીય રહેવાના છે, તેવા શ્રી સ્થૂલભદ્ર સ્વામીનું નામ સ્મરણ પણ મન્ત્રતુલ્ય મનાય છે.

૮માં પટ્ટધર

શ્રી સ્થૂલભદ્ર સ્વામીને એલાપત્ય ગોત્રવાળા આર્ય શ્રી મહાગિરિ મ. અને વસિષ્ઠ ગોત્રી આર્ય શ્રી સુહસ્તિ નામના બે પ્રભાવક શિષ્યો થયા. જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં આર્ય શ્રી મહાગિરિજી મહારાજે જિનકલ્પની તુલના કરી હતી. આર્ય શ્રી સુહસ્તિસૂરિમહારાજે દુષ્કાળમાં સાધુઓ પાસે ભિક્ષા માગતા એક ભિક્ષુકને જ્ઞાનોપયોગથી યોગ્ય જાણીને દીક્ષા આપી હતી, તે ભિક્ષુક મરીને સમ્રાટ સંપ્રતિ રાજા થયો.

સંપ્રતિરાજાએ શ્રાવકપણાનો સ્વીકાર કરીને સવા લાખ જિન મંદિરો બંધાવ્યા, સવા ક્રોડ જિનપ્રતિમા ભરાવી અને લાખ દાનશાળાઓ વગેરે ઉત્તમ એવા ધર્મકાર્યોથી ત્રણ ખંડની ભરતભૂમિને ભૂષિત કરી. અંતે શુભધ્યાનથી મરી સ્વર્ગમાં ગયા. આર્ય શ્રી સુહસ્તિસૂરિમહારાજે પોતાની પાટ યોગ્ય શિષ્યને સોંપી વીર સં. ર૬૧માં સ્વર્ગલોકને અલંકૃત કર્યો. આર્ય શ્રી મહાગિરિજી મહારાજ પણ વીર સંવત ર૬૧માં સ્વર્ગવાસી થયા હતા.

૯માં પટ્ટધર

આર્ય શ્રી સુહસ્તિ સૂરિમહારાજને વ્યાઘ્રાપત્ય ગોત્રવાળા આર્ય શ્રી સુસ્થિત અને આર્ય શ્રી સુપ્રતિબુદ્ધ નામના બે શિષ્યો થયા. તે બંને મુનિએ કરોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો, તેથી કોટિક કહેવાયા અને કાકંદીનગરીમાં  જન્મેલા હોવાથી કાંકદિક કહેવાયા. તેઓ શ્રીવીરવિભુની નવમી પાટે થયા તે બંને આચાર્યના સમયથી 'કૌટિક' નામનો બીજો ગચ્છ શરૃ થયો. આ બંને સૂરિદેવોના શાસનકાળમાં કુમરગિરિ નામના સ્થાનમાં બીજી આગમવાચના થઈ હતી, તેમ મનાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના નિર્માતા આર્યશ્રી શ્યામાચાર્યજી પણ આ યુગમાં થયાનો ઉલ્લેખ પટ્ટાવલિમાં મળે છે.

૧૦માં પટ્ટધર

શ્રી સુસ્તિતસૂરિ અને શ્રી સુપ્રતિબુદ્ધશુરિને કૌશિકગોત્રી આર્ય શ્રી ઈન્દ્રદિન્ન નામના શિષ્ય થયા.

બીજા કાલિકાચાર્ય મહારાજ આ યુગમાં થયા. તેઓશ્રીએ રાજાની વિનંતીથી વિશેષ લાભ જાણીને સંવત્સરી મહાપર્વને ભાદરવા સુદ પાંચમને બદલે 'અંતરાવિ સે કપ્પઈ'એ શાસ્ત્રકથનના આધારે ભા.સુ. ચતુર્થીએ પ્રવર્તાવ્યું.

૧૧માં પટ્ટધર

શ્રી ઈન્દ્રદિન્નસૂરિને ગૌતમગોત્રવાળા તથા ગાંભીર્યાદિ ગુણરત્નોના સાગરસમા આર્ય શ્રી દિન્ન સૂરીશ્વરજી નામના શિષ્ય પ્રભુ વીરની અગિયારમી પાટ ઉપર થયા.

૧રમાં પટ્ટધર

શ્રીદિન્નસૂરિના કૌશિકગોત્રી અને જાતિસ્મરણ જ્ઞાની આર્ય શ્રીસિંહગિરિજી નામના નિપુણ શિષ્ય થયા. જેઓની કીર્તિ જગતમાં ગાજતી હતી. આ સૂરિવરના કાળમાં આર્ય શ્રી ખપુટાચાર્યજી, શ્રી પાદલિપ્તસૂરિ મ., શ્રી વૃદ્ધવાદિસૂરિ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ આદિ પ્રભાવક પુરૃષો થયા.

૧૩માં પટ્ટધર ઃ શ્રી વજ્રસ્વામીજી મ.

આર્ય શ્રીસિંહગિરિસૂરિને ગૌતમગોત્રવાળા આર્ય શ્રીવજ્રસ્વામીજી નામના પટ્ટધર અને પરમશાસન પ્રભાવક શિષ્ય થયા. તેમનું તેજસ્વી જીવન ટૂંકમાં આ પ્રમાણે છે.

માલવા દેશમાં તુંબવન નામના ગામમાં રહેતો ધનગિરિ નામનો શ્રેષ્ઠિપુત્ર સુનંદા નામની સ્ત્રી સાથે પરણ્યો. સુનંદાના ભાઈ આર્યસમિતસૂરિએ આ. શ્રી સિંહગિરિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. ધનગિરિ પણ બાલ્યકાળથી વિરક્ત હોવાથી ગર્ભવતી સુનંદાને છોડી આર્ય શ્રી સિંહગિરિજી પાસે દીક્ષિત થયા.

આ બાજુ સુનંદાએ સૌભાગ્યવંતા પુત્રને જન્મ આપ્યો. પાડોશીની સ્ત્રીઓએ ઘોડિયામાં રહેલબાળકને કહ્યું કે-   'તારા પિતાએ દિક્ષા ન લીધી હોત તો તારો સુંદર જન્મોત્સવ કરત.' 'દીક્ષા' શબ્દ સાંભળીને ચિંતન કરતા તે બાળકને જાતિસ્મરણ નામનું જ્ઞાન થયું. પૂર્વભવની પ્રબળ આરાધનાના પ્રભાવે દીક્ષાની ભાવનાથી ૬ મહિના સુધી રૃદન કરી તેણે માતાને અરૃચી પેદા કરી દીધી.

એક વખત શ્રી ધનગિરિમુનિ સુનંદાને ઘેર ભિક્ષા લેવા આવ્યા. પુત્રથી કંટાળેલી સુનંદાએ મુનિને પહેલા પુત્ર સોંપી દીધો, પછી ભિક્ષા વહોરાવી. મુનિએ ભિક્ષા વહોરી ઉપાશ્રયે આવી બાળક ગુરૃદેવને સોંપ્યો. ગુરૃને તે બાળક ઉપાડતા જ વજ્ર જેવો ભાર લાગવાથી તેનું નામ વજ્રકુમાર રાખીને સાધ્વીઓના ઉપાશ્રયમાં તેના પાલન-પોષણની વ્યવસ્થા કરાવી.

ગુરૃદેવની આજ્ઞાથી સાધ્વીઓએ લાલન-પાલન માટે તે બાળક શય્યાતર ગૃહસ્થને સોંપ્યો, તેથી શય્યાતરી સ્ત્રીઓ તેને પ્રેમથી ઉછેરવા લાગી. સાધ્વીઓના આગમના અભ્યાસના વચનો સાંભળીને બુદ્ધિનિધાન તથા પદાનુસારી લબ્ધિવાળા તે વજ્રકુમાર પારણામાં રહીને જ અગ્યાર અંગને ભણી ગયા.

ત્રણ વર્ષના વજ્રકુમારને જોઈ પુત્રને પાછો મેળવવા &