આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                                              પૈસાનું સુખ

મનુષ્ય જ્યારે જન્મે છે, ત્યારે તેનું વજન અઢી કિલો હોય છે.

અને જ્યારે અગ્નિ સંસ્કાર બાદ, તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.

જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝભલું, જેમાં ખિસ્સુ ન હોય,

જે જિંદગીનું છેલ્લું કાપડ કફન, એમાંય ખિસ્સુ ન હોય.

તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે ? આટલા દગા અને પ્રપંચ શા માટે ?

 

લોહી લેતા પહેલાં ગ્રૂપ ચેક કરાય છે, પૈસો લેતા પહેલાં જરાક ચેક કરશો

એ ક્યા ગ્રૂપનો છે ? ન્યાયનો હાયનો છે ? કે હરામનો છે ?

અને ખોટા ગ્રૂપના પૈસા ઘરમાં આવી જવાથી જ આજે ઘરમાં અશાંતિ, કલેશ, કંકાસ છે.

હરામનો ને હાયનો પૈસો, જીમખાના ને દવાખાના, કલબો ને બારમાં પૂરો થઈ જશે...

ને તનેય પૂરો કરી જશે...!

બેન્ક બેલેન્સ વધે પણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય, તો સમજવું કે પૈસાનું સુખ આપણને સૂટ નથી થયું.       'ધર્મની દૃષ્ટિએ સુખ'

દુર્ગતિમાં લઈ જનાર કોણ ?

સુખ પુણ્યથી મળે છે અને પુણ્ય ધર્મથી પેદા થાય છે. સુખમાં મસ્ત બનીને જે ધર્મને જ ધક્કો મારે એ વિશ્વાસઘાતી અને સ્વામી દ્રોહીથી ગણાય.

જેણે પુણ્ય કર્યું હોય. એને જ સુખ મળે. આ વાતમાં તમારી શ્રદ્ધા પાકી છે ને ?

કેટલાક માણસો નોકરી કરે છતાં પેટ પણ ભરી શકતા નથી. જ્યારે કેટલાક જનાવરોના તહેનાતમાં પણ માણસને નોકર તરીકે કામ કરવું પડે છે. આ બતાવી આપે છે કે પુણ્ય વિના સુખની પ્રાપ્તિ સંભવી શકતી નથી.

ધર્મથી પુણ્ય અને પુણ્યથી સુખ મળે ખરું. પણ એમાં જે રાગી બની જાય. એના તો બાર જ વાગે !    સુખનો રાગ મટી જાય. તો આ સંસારમાં એવી કોઈ ચીજનું અસ્તિત્વ જ નથી કે જે જીવને દુર્ગતિમાં ધકેલી શકે.

 

શ્રીમંત એટલે ક્ષીરવૃક્ષ

શ્રીમંતને શાસ્ત્રોમાં ક્ષીર-વૃક્ષની ઉપમા આપી છે. જેની શ્રીમંતાઈ બંગલાથી નહીં, પણ દાનથી માપી શકાય, એવો શ્રીમંત જ આ ઉપમાને યોગ્ય છે.

ક્ષીર-વૃક્ષનો એવો સ્વભાવ છે કે એમાંથી દૂધ ન ઝરે તો એ વૃક્ષ સડી જાય ! તેમ ક્ષીર-વૃક્ષ જેવા શ્રીમંતને દાન વિના ચેન જ ન પડે.

જેને સુપાત્રે આપ્યાનો આનંદ હોય, ઘરમાં રહેલી લક્ષ્મીને જે પાપ માનતો હોય, એવો શ્રીમંત જ આ ઉપમાને લાયક બને.

આજની શ્રીમંતાઈ બહુ વખાણવા જેવી નથી ? આજના પૈસાવાળા પોતાના પૈસા જાહેર કરી શકે એમ નથી. બોલીઓ બોલેલા પૈસા કોના નામે ભરવા એની પણ એમને મૂંઝવણ થઈ શકે છે. આજના શ્રીમંતને તો મોટે ભાગે ચોરની જેમ ચોરી છૂપીથી જીવવું પડે છે.

અકળામણથી થતી અથડામણને... બદલે... આનંદની અરસ-પરસ આપ-લે કરીએ...

કુટુંબોમાં કડવાશ કે કકળાટને... બદલે... કુટુંબોમાં કલરવ-કિલ્લોલ કરીએ...

ખટપટ કે ખટરાગને... બદલે ... ખુશીની ખુબ-ખુબ ખુશ્બુઓ ખીલવીએ...

વાંધા-વચકાની વાતથી વેર-ઝેર વધારવાને ... બદલે ... વિનમ્ર વહેવારથી 'વહાલ' વધારીએ.

ઘરમાં ઘડી-ઘડી થતા ઘર્ષણને ... બદલે ... ઘરને 'ઘર-મંદિર' બનાવી ઘંટનાદ કરીએ...

અધિકારના આંધળા આગ્રહને બદલે ... અન્યોના અધિકારને પણ એટલો જ આદર આપીએ.

હતાશા કે હાયવોયને ... બદલે ... હસતા રહીને હજારો હેતુઓ હાંસલ કરીએ...

વય સાથે વધતી વડીલોની વેદના-વ્યથાને... વિનમ્રતા સાથે વખતસર વિચારીએ...

બાધતા થઈ બધા બંધ... બંધુત્વના બંધનમાં બધાને 'બાંધતા' થઈએ...