આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

ક્રોધ

૧. ક્રોધ એ શાંતિના મૃત્યુી કાળોતરી છે. ર. સૂકા ઘાસની ગંજીમાં ચંપાતી દિવાસળીની જેમ શાંત જીવનને ક્રોધની ચિનગારી ભસ્મીભૂત કરી નાખે છે. ૩. ગુમાવવું હોય તો ગુસ્સો કરો, પામવું હોય તો પ્રેમ આપો.
૪. પ્રેમની થપ્પડ પણ માણસને મીઠી લાગે છે, ગુસ્સાની હળવી ટપલી પણ તકરારનું કારણ બને છે.
પ. જીવનની શાંતિ હણવા માટે ગુસ્સાના ચાકૂનો એક જ ઘા બસ છે. ૬. ફાંસીના માચડે ચઢતા હત્યારાને પૂછશો તો સમજાઈ જશે કે એક શાણો માણસ ક્ષણિક ક્રોધના ઝેરનો પ્યાલો પી ગયો અને શૂળીએ ચઢવાનો વારો આવ્યો. ૭. આપણામાં ક્રોધાગ્નિ પ્રગટ થાય ત્યારે શાંતિ અને સમજણના શીતળ જળ છાંટો, આગ ઠરી જશે. ૮. માણસને સળગાવવા માટે દિવાસળીની જરૃર નથી, તણખો જ પર્યાપ્ત છે. ૯. કોઈને સુધારવા ક્રોધ વજર્ય છે, એ માટે તો સ્નેહના પાઠ ભણાવાય. ૧૦. ક્રોધ કાંટાની જેમ વાગે છે, સ્નેહ ફૂલની જેમ ફોરે છે. ૧૧. સમજણની ગેરહાજરી એ ક્રોધનું સરનામું છે. ૧ર. લઈ જાવ ક્રોધ સાવ મફતમાં સમજણને સળગાવો ને પડો આફતમાં.
૧૩. ક્રોધને ઠારવા આટલું કરો - પરમાત્માનું સ્મરણ કરો. શીતલ જળનું પાન કરો. - દર્પણ સમક્ષ ઊભા રહો. - કરેલ સત્કાર્યોને યાદ કરો. ૧૪. ક્રોધ રોગ છે પ્રેમ ઔષધિ છે. ૧પ. ક્રોધનો પિતા કોણ ? માતા કોણ ? કેમ ઉત્પન્ન થાય છે ક્રોધ ? ૧૬. માનસિક નબળાઈ + સહન શક્તિની ઉણપ + જીદ + બીજાને સમજવાની અસમર્થતા = ક્રોધ. ૧૭. સામાના ગુસ્સા સામે ગુસ્સો કરવો એ નરી બેવકૂફી છે. ૧૮. ક્રોધમાં આવી ગયેલો માણસ સગી માતાને ય ડાકણ કહેતા શરમાય નહિં. ૧૯. એક્ટરની જેમ નકલી ક્રોધ પણ વજર્ય છે. કારણ કદાચ અસલી બની જાય તો આપત્તિઓની ખાઈમાં ઉતરી જવાય છે. ર૦. ઈર્ષા મંથરા છે, ક્રોધ કૈકેયી છે. રામ-સીતા પ્રેમ અને શાંતિ છે. છેવટે તો પ્રેમ અને શાંતિ અળગી થાય છે. ર૧. ક્રોધને દુશ્મન માનજો ને દુશ્મનને દેશવટો આપજો, એનાથી જેટલા છેટા એટલા દુઃખ ઓછા. રર. વારંવાર ગુસ્સો થઈ જાય ત્યારે માનજો કે તમારી માનસિક શક્તિઓ હવે ક્ષીણ થઈ રહી છે. ર૩. પ્રેમથી વાત બને છે. ગુસ્સો વાતને બગાડે છે. ર૪. ગુસ્સાની ભૂંડણ અશાંતિના બચ્ચાં લઈને ફરે છે. પણ બધેથી એને જાકારો જ મળે છે. રપ. ક્રોધ હૈયાની હોળી છે. પ્રેમ દિલની દિવાલ છે. ર૬. ધરતીકંપનું બીજું નામ છે વિનાશ. ક્રોધાયમાન હૃદયકંપનું બીજું નામ છે સર્વનાશ.
ર૭. કંટ્રોલ વગરનો ક્રોધ પેટ્રોલ જેવો છે, ખુદ બળે છે અન્યને બાળે છે. ર૮. પ્રસંગ વગર તો પશુ પણ ક્રોધનો પાવર બતાવતું નથી ને વગર પ્રસંગે ક્રોધને ઉછાળતો ફરે એનું નામ છે માણસ. ર૯. ક્રોધ જીવતાને મારે છે. પ્રેમ મરેલાને જીવાડે છે. ડૂબેલાને તારે છે. ૩૦. ક્રોધ તોડે છે. સ્નેહ જોડે છે. ૩૧. ક્રોધને હારતોરા થાય તો યુદ્ધના કાળ પગલાં પડે.

ક્ષમા ***

૧. વ્હાલ કરે એનું નામ મા, ન્યાલ કરી દે એનું નામ ક્ષમા. ર. શિખામણના સો શબ્દો કરતાં ક્ષમાનો એક જ શબ્દ પર્યાપ્ત છે પલટાવી નાખવા માટે જીવનને. ૩. વ્હાલ કર્યું તો કરી જાણજે, વેરઝેરને કંટક વરસે ત્યાં ક્ષમાઢાલ તું ધરી જાણજે. ૪. હે ભાગ્યશાળી, તેં કેટલાને ધૂળ ચાટતા કર્યા એ મહત્વનું નથી, કેટલાને ક્ષમા અર્પી એ મહત્વનું છે. પ. શસ્ત્રથી નાશ થાય છે શત્રુનો, ક્ષમાથી નાશ થાય છે. શત્રુત્વનો. ૬. મન જો બને બેચેન તો માનો ખોળો સાંભરે, જીભ બને બેફામ તો ક્ષમા સુગંધી સાંભરે. ૭. ક્રોધ વાળે નખ્ખોદ પણ ક્ષમા તો સુખની ગોદ છે. ૮. ક્ષણનો ક્રોધ વહાવે દુઃખનો ધોધ પણ નાનકડી ક્ષમા કરાવે શાંતિની શોધ. ૯. માફ કરો મન સાફ કરો, ઝટ અંતરના સંતાપ હરો. ૧૦. સાપના ઝેરનો ઉપાય મેડિકલ સાયન્સ પાસે છે મનના ઝેરનો ઉપાય ક્ષમા પાસે છે. ૧૧. વેર હોય ત્યાં જરૃર હોય વાદ, વિવાદ ને વિખવાદ. ક્ષમા હોય ત્યાં હોય જરૃર સંવાદ, સ્નેહ સુવાસ સુખે વાસ. ૧ર. કરડતો શ્વાસ પણ પ્રેમથી પગ ચાટવા લાગે છે. ક્ષમાની શક્તિ તો સિંહને ય સાચો સેવક બનાવી દે છે. ૧૩. યુદ્ધખોર રાષ્ટ્રો જો ક્ષમાનું સામર્થ્ય જાણી જાય તો શસ્ત્રો ન ખણકાવે વહાલથી વેર શમાવે. ૧૪. નેહનીતરતાં નેણ કરે છે તૂટ્યા દિલનું રેણ, વેર તણા વંટોળ શમે છે સુણતાં પ્રેમ ભરેલું વેણ. ૧પ. વેરનાં કરો વળામણાં વહાલનાં કરો વધામણાં આ જીવન બને સોહામણાં. ૧૬. પૈસા માગતાં ભલે શરમાવ પણ ક્ષમા માગતાં ક્યારેય ન શરમાતા ને ક્ષમા આપતા ક્યારેય ન અટકાતા. ૧૭. ક્ષમા શબ્દ છે છોટો પણ ગુણ માનજો મોટો. ૧૮. લાખોનું દાન તમને ઉદાર બનાવશે. લાખોને ક્ષમા તમને મહાન બનાવશે. મુક્તિ અપાવશે. ૧૯. ક્રોધ સમજણ હીનતાનું પરિણામ છે ક્ષમા સમજદારીનું સર્જન છે. ૧૯. ભૂલની ક્ષમા માગવી એ મૂર્ખતા નહિં, મહાનતા છે. ર૦. ક્ષમા માગનાર મર્દ છે, પણ ક્ષમા આપનાર તો સાચે જ મહામર્દ છે. ર૧. ક્ષમા સરળ હૃદયનો ભાવ છે વેર વ્યવહારની વક્રતા છે. રર. અર્થહીન આલોચના બંધ થાય તો ક્ષમાનો માર્ગ તો સરળ છે. ર૩. ક્ષમા એ તો પ્રગતિ સુધી પહોંચાડવાની ટ્રેન છે. ક્ષમાના સિગ્નલ ન અપાય તો ક્રોધ તો ખીણમાં પછાડે. ર૪. અહંકારને અળગો કરો તો જ ચાલશે ક્ષમાના માર્ગે. રપ. ક્રોધ જીવતાને મારે ક્ષમા મારનારને જીવાડે. ર૬. જૈનધર્મના પાયામાં છે અહિંસા અને શિખરે છે ક્ષમા. ર૭. વેરના વાંધાને ક્ષમાથી સાંધો જિંદગી મીઠી લાગશે. ર૮. માફી માગો, માફ કરી દો એ જે સુખની રીત 'ક્ષમા' શબ્દને સમજે. એની જરૃર થવાની જીત. ર૯. શરમાશો ના ક્ષમા માગતા. જો જો, તમને જોવા મળશે દુઃખ ભાગતા. ૩૦. ઉતારવાને મનનો ભાર ક્ષમા તણો લો સહુ આધાર

લોભ***

 

૧. લોભી મનુષ્ય મરણ સમયે પણ લાભે છોડતો નથી. ર. માણસ ઘરડો થાય છે પણ લોભ ઘરડો થતો નથી. ૩. દ્રવ્યના હિમાલય ઉપર બેસવા છતાં લોભીને સંતોષ નથી હોતો. ૪. સુવર્ણના ઢગલા પર બેઠેલો લોભી દુઃખીમાં દુઃખી છે કારણ કે એ સંતુષ્ટ નથી. પ. લોભી દુઃખી કરે છે ને પોતે દુઃખી થાય છે. ૬. લોભી મનુષ્ય સગા દીકરાનુંય સગપણ ન રાખે. ૭. લોભીને ન હોય શરમ, ન હોય સંકોચ. ૮. લોભ કરે તો પુણ્ય તણો લોભ કરી જાણજે. ૯. સાચો લોભ સત્કર્મનો, બીજા સર્વ લોભ જૂઠા. ૧૦. મનુષ્યનો દાન જેવો કોઈ મિત્ર નથી. ને લોભ જેવો કોઈ શત્રુ નથી. ૧૧. જેના મનમાં લોભ નથી, એ છે સાચો ધનવાન. ૧ર. લોભ ન રાખ માનવી તું થોભ જરા. રાખ જરા સંતોષ. ૧૩. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એનું નામ લોભ. ૧૪. કશું જ ઓછું હોતું નથી, માત્ર લોભને કારણે જ માણસને ઓછું લાગ્યા કરે છે. ૧પ. લોભીને વહાલું ધન, પણ ભોગીને વહાલું તન. ૧૬. સંબંધોને છેદવા હોય તો લોભની કાતર ચલાવો. ૧૭. પાપ કરવાનું મન થયું હોય તો જે લોભનો પાલવ પકડજો. ૧૮. લોભી માણસ મરશે પણ લોભ નહિં છોડે. ૧૯. લોભીનો લોભ સ્મશાન સુધી સાથે જ રહે છે. ર૦. લોભ તો પાપ છે. મનુષ્યને મળેલો અભિશાપ છે. ર૧. લાભ તો છે કર્મરાજાનો કોપ. રર. લોભે લક્ષણ જાય. ર૩. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ર૪. લાલો લોભી લાભ વગર લોટે નહિ. રપ. લોભને ન હોય થોભ, ન હોય ક્ષોભ. ર૬. લોભના વૃક્ષને દુઃખના કડવાં ફળ આવે છે. ર૭. લોભી જેવો કોઈ દુઃખી નથી, સંતોષી જેવો કોઈ સુખી નથી. ર૮. જીવન ઝેર બને, જ્યાં પડે લોભનું ટીપું, ભડકે બળતું દિલ છે લોભ મનુષ્યનો રિપુ. ર૯. પાપ તણો છે બાપ, લોભ પાપનું મૂળ, લોભ બાળશે જીવને, જીવન કરશે ધૂળ. ૩૦. લોભ છોડો, લાભ સહજમાં મળશે. લોભ વગરનો માણસ આત્મસુખ મેળવશે. ૩૧. લોભને જાણો આગ, કરે જે જીવનને બરબાદ, સળગાવે છે સ્મશાન, લોભથી વધી જતા સંતાપ

ઇર્ષા ***

૧. ઇર્ષાના કાદવમાં જે ડૂબ્યો તો પોતાને શી રીતે બચાવે ? ર. ઇર્ષા કરનારની એક આંગળી અન્ય તરફ હોય છે, પણ બાકીની ત્રણ આંગળીઓ ખુદની તરફ તકાય છે. ૩. ઇર્ષા આગ છે, જે ખીલેલા બાગનેય ખાક કરી નાખે છે. ૪. ઇર્ષાનું બાળક છે અશાંતિ, દુઃખ ઇર્ષાનો દીકરો છે. પ. ઇર્ષાખોરને તમારી નજીક જ રાખો, કારણ કે એ જ તમને મહાન બનાવશે. ૬. ઇર્ષા કરનારા સૂર્યની સામે ધૂળ નાખે છે, જે એમની જ આંખોમાં પડે છે. ૭. જો તમે ઇર્ષાથી બચી શકો, તો શાંતિ સામે ચાલીને આવશે. ૮. ઇર્ષા કરો ને આગમાં જીવને ધકેલો. ૯. ઇર્ષા અશાંતિની મા છે, પ્રેમ શાંતિનો પિતા છે. ૧૦. ઇર્ષા એક એવી આગ છે જે ઇર્ષાખોરને જ બાળે છે. ૧૧. ઇર્ષા વિખવાદનું કારણ છે. પ્રેમ સંવાદનું કારણ છે. ૧ર. ઇર્ષાળુ માણસ પોતાના ભોજનમાં ઝેર મેળવીને જમે છે. ૧૩. જીવતાને જલાવી દેવા માટે તેના મનમાં ઇર્ષાનું કારણ દાખલ કરી દો. ૧૪. કોઈની ઇર્ષા ન કરવી, એ જ શાંતિની ચાવી છે. ૧પ. ઇર્ષા સંસારની મંથરા છે જે માનવીની શાંતિને વનવાસ મોકલી આપે છે. ૧૬. ઇર્ષા કંકાસની જનેતા અને અદેખાઈની બહેન છે. ૧૭. ઇર્ષા તો છે આગ, જે બાળે ને ખુદ પણ બળે.
૧૮. ઇર્ષાની આંખ જોઈ શકતી નથી. અન્યના ઐશ્વર્યને. ૧૯. જ્યારે ઇર્ષા જન્મે, ત્યારે મનની શાંતિ હણાય. ર૦. ઇર્ષા સાંકડું બનાવી દે છે માનવીના હૃદયને. ર૧. ઇર્ષા કરનાર પોતે જ પોતાને વામણો પૂરવાર કરે છે. રર. ઇર્ષા કરનાર ધોબી જેવો છે, જે કશાય ખર્ચ વિના તમારા સ્વભાવને સ્વચ્છ બનાવે છે. ર૩. ઇર્ષાખોર બીજાનું ખરાબ કરવા જતાં પોતાનું જ ખરાબ કરી બેસે છે. ર૪. જ્યાં જુઓ ત્યાં ઇર્ષા એ બસ, આગ લગાડી છે, અણહકનું છીનવી લેવાની બસ, ભૂખ જગાડી છે. રપ. અસંતોષ ઇર્ષાનો પિતા છે, ક્રોધ ઇર્ષાનો ભ્રાતા છે. ર૬. પ્રેમ અભાવ ઇર્ષાનું કારણ છે, મનનો સમભાવ ઇર્ષાનું મારણ છે. ર૭. ઇર્ષા છે એવી આગ, જલાવે અરમાનોના બાગ, લગાવે જીવન ઉપર દાગ, માનવ ઇર્ષાથી દૂર ભાગ. ર૮. ઇર્ષા કરવાનું ટાળો અને સ્પર્ધા કરો તમારા માટે સફળતાના દ્વાર ખૂલી થશે. ર૯. હૈયા હોળી સળગાવે છે ઇર્ષાની ચિનગારી મનને ક્ષણ છેદ કરે છે, ઇર્ષા તણી કુહાડી. ૩૦. દુશ્મનને હતો ન હતો કરવો હોય તો શસ્ત્ર ફેંકવાની જરૃર નથી માત્ર એના મનમાં ઇર્ષા દાખલ કરી દો. ૩૧. હે ઇર્ષા, તું અટકી જા મારે બરબાદીના મહેલનો શિલાન્યાસ નથી કરવો.

શાંતિ***

 ૧. શાંતિથી સજ્જન ઓળખાય, અશાંતિની અબુધ. ર. યુદ્ધ પછીની શાંતિ હૃદયદ્રાવક હોય છે. ૩. સ્મશાનની શાંતિની નહિ માણસને જરૃર છે મનની શાંતિની. ૪. તૃષ્ણાઓના પ્રવાહને અટકાવી દો, શાંતિ આપ મેળે જ મળશે. પ. શાંતિમાં સત્યનો આવિર્ભાવ થાય છે, ત્યારે જ પરમ સુખ શક્ય બને છે. ૬. શાંતિ જ સુખનું સાચું સરનામું છે. ૭. મનનાં મંદિરમાં શાંતિની દેવીની સ્થાપના કરો, જો સુખી થવું હોય તો. ૮. ઈચ્છા એવી જાદુગરણી છે, કે જે મનની શાંતિને અલોપ કરી દે છે. ૯. સમજણ શાંતિની જન્મદાત્રી છે. ૧૦. શાંતિ બજારમાં વેચાતી નથી. શાંતિ તો હૈયાની જણસ છે. ૧૧. યુદ્ધ અને શાંતિને ક્યારેય બનતું નથી, એક હોય ત્યાં બીજું ગેરહાજર હોય છે. ૧ર. જગતને ખપતું નથી યુદ્ધ, એને તો સંભાળવી છે શાંતિની શરણાઈ. ૧૩. ઠેર ઠેર ભમવાથી નહિ, ઘરમાં જ સાચી શાંતિ મળશે. ૧૪. વિશ્વશાંતિની વાટે ચાલો, યુદ્ધભાવ અટકાવો, માણસ માણસ વચ્ચે ચાલો, પ્રેમપુલ સરજાવો. ૧પ. સમ્યક્ સમજણની પાઈપલાઈનમાં થઈને જ શાંતિનો પ્રવાહ આવે છે.
૧૬. સુખમય જીવનની પહેલી શરત છે ઃ શાંતિ ૧૭. વેરને ઝેરના બાવળ ઘણા વાવ્યા હવે થોભો, જગતના માનવીઓ સહુ હૃદયની શાંતિથી શોભો. ૧૮. શાંતિ સ્લીપિંગ પિલ્સ જેવી નહિં , સતત વહેતા ચેતનાના પમરાટ જેવી હોય તો આવકાર્ય છે. ૧૯. ઓગાળી દો સઘળાં શસ્ત્રો તોપ, બોમ્બને, તલવારો યુદ્ધ તણી સહુ વાતો છોડો શાંતિ સ્તવન ઉચ્ચારો. ર૦. શાંતિ મહામૂલી ચીજ છે, એને જાળવજો, જો જો એ ચાલી ન જાય. ર૧. શાંતિ ક્યાંયથી આવતી નથી, એ તો અંદરની ચીજ છે એને બહાર લાવવાની હોય. રર. શાંતિ જોઈતી હોય તો અશાંતિથી દૂર ન ભાગો પણ અશાંતિ સામે યુદ્ધે ચઢો. ર૩. જરૃરિયાતો જેટલી ઓછી તેટલી જીવનમાં શાંતિ વધારે. ર૪. શાંતિમાં સ્થિરતા છે, અશાંતિમાં છે ભાગ દોડ. રપ. જીવન બને છે અશાંત, ત્યારે આગમાં જલે છે જીવનની ક્ષણો. ર૬. શાંતિ જડે માર્ગમાં, શાંતિ ન હોય બિકાય, ઓછી અપેક્ષા હોય તો શાંતિ આવે ઘાય. ર૭. નિંદા સાંભળીને પણ જે શાંત રહે, તેને યોગી જાણવો અને એ જ બને છે મહાયોગી. ર૮. દુઃખને પણ વહેંચી નાખો ને સુખને પણ વહેંચી દો તો તમને મળશે જીવનમાં સંતોષ અને શાંતિ. ર૯. શાંતિ શેરડીના સાંઠા જેવી છે, જેમ જેમ ચૂસશો તેમ તેમ વધારે મીઠી લાગશે. ૩૦. જીવનમાં શાંતિ ન હોય તો કરોડોનો માલિક બનીને પણ માણસ ભિખારી જ રહે છે. ૩૧. શાંતિ સંપત્તિમાં નથી, સંતૃપ્તિ છે.

પ્રેમ***

૧. ઘરમાં ઝઘડો કરીને પરમાત્મા પાસે જશો તો ય શાંતિ નહિ મળે, પ્રેમમય સવારે પરમાત્માને વંદશો તો દિવસ સુધરી જશે. ર. પ્રેમ આપવાથી વધે છે, ને જેટલો આપો છો તેનાથી બમણો મળે છે. ૩. આપી દીધા પછી અકળામણ ન થાય તો સમજ્જો કે પ્રેમ છે, દઈ દીધા પછી દુઃખ ઉપજે તો સમજ્જો કે પ્રેમ ગેરહાજર છે. ૪. પ્રેમનો એક જ શબ્દ સામાના માટે જડીબુટ્ટી બની જાય છે, ને એક જ શબ્દ એને ટર્નિંગ પોઈન્ટ આપી દે છે. પ. પ્રેમમાં કચરો ભળે તો વાસના બની જાય, દૂધમાં ખટાશ ભળે તો દહીં થઈ જાય. ૬. પ્રેમ વહેંચવાનો હોય, દ્વેષ દફનાવવાનો હોય. ૭. પ્રેમની મૂડી ઝાઝી હોય તો વ્યવહારનો વેપાર ધમધોકાર ચાલે. ૮. પ્રેમમાં સ્વાર્થ ભળે તો જિંદગી દુર્ગંધ મારતો ઉકરડો બની જાય. ૯. પ્રેમ હસાવે છે, રોષ રડાવે છે. ૧૦. પ્રેમ આપી જાણે છે, લઈ જાણે છે, એ તો કેવળ વેપાર. ૧૧. પ્રેમ શેતાનનેય સંત બનાવી દે છે, જો નાજુક પળે પ્રેમનો ધોધ વહેવડાવાય તો. ૧ર. જીવનનું સુખ પ્રેમની વધ-ઘટ ઉપર આધાર રાખે છે. ૧૩. પ્રેમ અને ઈમાનને પૈસાના ત્રાજવે ક્યારેય ન તોળાય. ૧૪. પ્રેમ ભરેલું હૃદય લઈને જનારને જ પ્રતિમામાં પરમાત્માના દર્શન થાય છે.
૧પ. પ્રેમભર્યા સ્પર્શથી પાંદડુંય ખીલી ઉઠે છે. સહુને ભુખ છે કેવળ પ્રેમની. ૧૬. શેતાનને માથે શિંગડા નથી હોતાં, હોય છે કેવળ એના હૃદયમાં પ્રેમનો અભાવ. ૧૭. યુદ્ધ એટલે પ્રેમ અને સમજણની ગેરહાજરી.
૧૮. પ્રેમભરી મોરલી થકી જ સર્પને કરંડિયામાં પુરાય, નફરત કરનારને તો મળે છે દંશની બળતરા. ૧૯. મા-બાપનો પ્રેમ ન મળવાને કારણે ખતરનાક ખલનાયકો બન્યાના દાખલા અપરંપાર છે. ર૦. પ્રેમની અપેક્ષા રાખો, પૈસાની નહિ, તમારી મૈત્રી મહોરી ઉઠશે. ર૧. પ્રેમથી મળેલો લુખ્ખો સૂકો રોટલો નફરતથી પીરસાયેલા મિષ્ટાન્ન કરતાં વધારે મીઠો છે. રર. પ્રેમાળ માતાનો હાથ પારણું ઝુલાવે છે, ને જગતને મળે છે એક મહાનપુરુષની ભેટ. ર૩. પ્રેમ છે સફળતાની ચાવીLove is the Master key of Success.ર૪. વાઘ પણ વાઘણને વહાલ કરે છે, સર્વ જગત જીવે છે પ્રેમના તંતુ વડે. રપ. જગતમાં ક્યાંય અમૃત હોય તો એનું નામ છે પ્રેમ, ને જ્યાં પ્રેમ નથી ત્યાં હોય છે કેવળ વિષનું વાવેતર. ર૬. પશુ પણ પ્રેમનું ભૂખ્યું હોય છે, પ્રેમથી પંપાળો તો દોહવા દે, નફરત કરો તો લાત મારે. ર૭. પ્રેમનો માર્ગ તો કુરબાનીનો માર્ગ છે, માથું મૂકે તો દિલને જીતે. ર૮. પ્રેમ અને ત્યાગ તો એક સિક્કાની બે બાજુઓ છે, એમને