આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

આગમોનુંવર્ગીકરણ.

        પિસ્તાલીસ આગમોના છ વર્ગ છે.

        ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક સૂત્ર, ૨ ચૂલિકા સૂત્ર આને ૪૫ આગમો તરીકે ઓળખવામાં આવે છે.

૧૧   અંગસૂત્રો

૧.     આચારાંગ સૂત્ર - જેમાં જૈનાચારનું વર્ણન છે.

૨.     સૂત્રકૃતાંગ સૂત્ર - અન્ય ભારતીય દર્શનો, મીમાંસા, વેદાંત વગેરેના વિચારોનો         તુલનાત્મક અભ્યાસ.

૩.     સ્થાનાંગ સૂત્ર-જેમાં જૈનધર્મના મુખ્ય તત્ત્વોની ગણના અને વ્યાખ્યા આપવામાં આવી છે.

૪.     સમવાયાંગ સૂત્ર - સ્થાનાંગ સૂત્રની અધૂરી વિગતોની આમાં રજૂઆત કરવામાં આવી છે.

૫.     ભગવતી સૂત્ર - ગૌતમસ્વામી ભિન્ન ભિન્ન વિષયો પર છત્રીસો પ્રશ્નો ભગવાન મહાવીર સ્વામીને પૂછયા હતાં, તેનો જવાબ ભગવાન મહાવીરે આપ્યો હતો, તેની રજૂઆત છે.

૬.     જ્ઞાતાધર્મકથાંગસૂત્ર - ભગવાન મહાવીરના જીવનકાળ સુધીમાં થઈ ગયેલા જૈન મહાવિભૂતિઓ, આદર્શ યતિઓ અને પ્રભાવિત વીરપુરુષોનું વર્ણન છે.

૭.     ઉપાસકદશાંગસૂત્ર - ભગવાન મહાવીરના સમયમાં જૈનધર્મના ઉપાસક તરીકે દસ આદર્શ શ્રાવકોનાં ચરિત્રો લખાયાં છે.

૮.    અન્તકૃત્દશાંગસૂત્ર - ભગવાન મહાવીરના હસ્તે દીક્ષા પામેલા જે જે મુનિઓ મોક્ષમાં ગયા તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

૯.     અનુત્તરોપપાતિક સૂત્ર - આમાં ભગવાન મહાવીરના હસ્તે દીક્ષા પામેલા મુનિઓ અનુત્તર વિમાનમાં સ્વર્ગે સિધાવ્યા તેનું વર્ણન છે.

૧૦.   પ્રશ્નવ્યાકરણ સૂત્ર - આશ્રવ અને સંવરનું વર્ણન કરવામાં આવ્યું છે.

૧૧.   વિપાકસૂત્ર - કર્મ ફળ ભોગવવાનું અને તેમાંથી સુખ દુઃખ ભોગવવાનાં તેની ચર્ચા છે.

 

બાર ઉપાંગ સૂત્રો

૧.     ઔપપાતિક સૂત્ર - શ્રેણિક મહારાજાની પ્રભુને વાંદવા જવાની અપૂર્વ તૈયારી, શ્રેણિક રાજાએ કરેલું વીર પ્રભુનું સામૈયું, અંબડ તાપસના જીવન પ્રસંગો. તેના સાતસાો શિષ્યો, કેવલી સમુદ્ઘાત તથા દેવલોક (મોક્ષ) કેવીરીતે પામી શકાય તેનું રોમાંચક વર્ણન છે.

૨.     રાજપ્રશ્નીય સૂત્ર - પ્રદેશી રાજાએ કરેલ જીવની શોધ-પરીક્ષા, દેશી ગણધર ધ્વારા ધર્મબોધ, તેમનું સમાધિમૃત્યુ, સૂર્યાભદેવ તરીકે ઉત્પત્તિ, સમવસરણમાં કરેલ ૩૨ નાટકો, સિદ્ધાયની ૧૦૮ જિન પ્રતિમાનું વર્ણન છે.

૩.     જીવાજીવાભિગમ સૂત્ર - પ્રશ્નોત્તર શૈલીમાં જીવ - અજીવ, અઢીદ્વીપ-નરકાવાસ દેવવિમાન સંબંધી વિશદ વિવેચન છે.

૪.     પન્નવણા સૂત્ર - જૈન દર્શનના તાત્વિક પદાર્થોના સંક્ષિપ્ત વિશ્વકોષ સમાન છે. આમાં નવતત્ત્વની પ્રરુપણા છે.

પ.     સૂર્ય પન્નતિ - સૂર્ય -ચંદ્ર-નક્ષત્રો-ગ્રહ આદિની ગતિના વર્ણન સાથે દિવસ - રાત-ઋતુઓ વગેરેનું વર્ણન છે. ખગોળ સંબંધી ખૂબ જ ઝીણવટભર્યા ચોક્કસ ગણિત સૂત્રો છે.

૬.     જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ –કાલચક્રના છ આરાનું સ્વરુપ, જંબુદ્વીપના શાશ્વત પદાર્થો, નવનિધિ, મેરુપર્વત ઉપર તીર્થંકરના અભિષેક, અને પ્રાચીન રાજાઓનું વર્ણન છે.

૭.     ચંદ્ર પ્રજ્ઞપ્તિ - ચંદ્રની ગતિ, માંડલા, શુકલ-કૃષ્ણ પક્ષમાં ચંદ્રની વુધ્ધિ-હાનિ થવાનાં કારણો તથા નક્ષત્રનું વર્ણન છે.

૮.     નિરયાવલિકા - કોણિક મહારાજાએ ચેડા મહારાજાની સામે કરેલ ભીષણ સંગ્રામનું વર્ણન છે  જેમાં ૮૦ કરોડ જનસંખ્યાની ખુવારી થઈ હતી. જેમાં ર સિવાય બધા નરક ગતિમાં ગયા તેથી આ આગમનું નામ નરક આવલી શ્રેણી પડયું છે.

૯.     કપ્પવડંસિયાસૂત્ર-મગધનારાજાશ્રેણિકે પોતાના પુત્રોને ભગવાન મહાવીર પાસે દીક્ષા અપાવી અને સાધુ ચરિત્ર પામી મૃત્યુ પામ્યા અને એ લોકો સ્વર્ગમાં ગયા તેનું વર્ણન છે.

૧૦.   પુષ્પિકા સૂત્ર - આ સૂત્રમાં દેવ-દેવીઓએ સ્વર્ગમાંથી આવીને ભગવાન મહાવીરની પૂજા કરી, તે દેવતાઓના પૂર્વભવની ગાથાઓ છે.

૧૧.   પુષ્પ ચૂલિકા - શ્રી હ્રીઁ ધૃતિ આદિ ૧૦ દેવીઓનાં પૂર્વભવ સહિત કથાનકો છે. શ્રી દેવી પૂર્વભવમાં ભૂતા નામની સ્ત્રી હતી. તેને શ્રી પાર્શ્વનાથ ભગવાને નિર્ગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. આદિનું વિવરણ છે.

૧૨.   વન્હિદશા સૂત્ર - અંધકવૃષ્ણિ વંશના અને વાસુદેવ,શ્રી કૃષ્ણના વડીલ બંધુ,બળદેવના નિષધ વગેરે ૧૨ પુત્રો અખંડ બ્રહ્મચારી બની પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા સ્વીકારી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા તેની કથા છે.

૧૦ પ્રકીર્ણક સૂત્ર

૧.     ચતુઃ શરણપયન્ના - આ સૂત્રમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી ભાષિત ધર્મ એ ચાર શ્રવણોના અધિકારની વાત કરવામાં આવી છે.

૨.     આતુર પ્રત્યાખ્યાન - આ પયન્નામાં અંત સમયે કરવા લાયક આરાધનાનું સ્વરુપ બાલમરણ, પંડિતમરણ - બાલ પંડિત મરણ આદિ વિશે સમજાવ્યું છે.

૩.     મહાપ્રત્યાખ્યાન - સાધુએ અંત સમયે કરવા લાયક આરાધનાનું ખાસ વર્ણન છે.

૪.    ભક્તિપરિજ્ઞા - ચારે આહારનો ત્યાગ કરી અનશન માટેની પૂર્ણ તૈયારી જણાવી છે.

૫.     તંદુલ વૈચારિક - આ સૂત્રમાં ગર્ભમાંથી જીવની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું સૂક્ષ્મ વર્ણન કરવામાં આવ્યું છે.

૬.     ગણિવિજ્જા - જ્યોતિષ સંબંધી પ્રાથમિક માહિતીઓનું વર્ણન છે.

૭.     ગચ્છાચાર પયન્ના - રાધાવેધનું વર્ણન છે.

૮.     દેવેન્દ્ર સ્તવ - બત્રીસ ઈન્દ્રોએ કરેલી પરમાત્માની સ્તવનાનું વર્ણન સુંદર રીતે કર્યું છે.

૯.     મરણસમાધિ - સમાધિ - અસમાધિ મરણનો વિસ્તૃત વિચાર કરી મરણ સુધારવાની આદર્શ પદ્ધતિઓ વિશે સમજાવ્યું છે.

૧૦.   સંસ્તારક - છેલ્લા સંથારાનું માર્મિક વર્ણન છે.

 છ   છેદ સૂત્રો

૧.     દશાશ્રુત સ્ક્ધ - આ ગ્રંથમાં અસમાધિના ૨૦ સ્થાન વગેરે અધ્યયનો છે.

૨.     બૃહત્કલ્પ  - જેમાં સાધુ  - સાધ્વીઓ માટેની વિધિઓ છે.

૩.     વ્યવહાર સૂત્ર - દંડનીતિ શાસ્ત્ર છે. પ્રમાદાદિ કારણથી પુણ્યાત્માઓને લગતા દોષોને નિવારવાની પ્રક્રિયા બતાવી છે.

૪.     જિતકલ્પ - ગંભીર ગ્રંથ છે. સાધુ - સાધ્વીઓ માટેની વિધિઓ છે.

૫.     નિશીથ સૂત્ર - સાધુના આચારોનું વર્ણન છે. પ્રાયશ્ચિત અને સામાચારી વિષયક વાતોનો ભંડાર છે.

૬.     મહાનિશીથ સૂત્ર - વર્ધમાન વિદ્યા તથા નવકાર મંત્રનો મહિમા .... ઉપધાનનું સ્વરૃપ અને વિવિધ તપનું વર્ણન છે.

ચાર મૂળ સૂત્ર

૧.     આવશ્યક સૂત્ર-  સાધ્વી, શ્રાવક- શ્રાવિકાઓની દિનચર્યાની આવશ્યક વિધિઓ સંબંધી હકીકત આપેલી છે.

૨.     દશવૈકાલિક - સાધુ જીવનના નિયમો આપવામાં આવ્યા છે.

૩.     ઉત્તરાધ્યયન સૂત્ર - સાધુઓને સંયમ માર્ગમાં રહેવાનો ઉપદેશ છે અને તેના પરની કથાઓ, દૃષ્ટાંતો, ઉપમાઓ, સંવાદો આપેલા છે.

૪.     પિંડનિર્યુક્તિ - સાધુ માટે શુદ્ધ આહાર-પાણી લેવાનો અધિકાર તથા ઉપકરણોનું પ્રમાણ આદિના નિયમો છે.

બે ચૂલિકા સૂત્ર

૧.     નંદીસૂત્ર –આઆગમમાં,મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન,મનઃપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનનું વિગતવાર વર્ણન છે.

૨.     અનુયોગદ્વાર સૂત્ર - જેમાં નય, નિક્ષેપની ચર્ચા, તેની સિદ્ધિઓ અને એ અંગેની વિદ્યાઓ નું વર્ણન છે.