Please Press ctrl + on your keyboard for Bigger Fonts
નાની નાની વાર્તાઓ
જૈન કથાનુયોગમાં જ્ઞાતાધર્મકથાગમ પ્રખ્યાત છે, જેનું વાંચન-મનન-ચિંતન ને નિદિધ્યાસન નવી જ દિશા દેખાડે છે, પ્રેરણા આપે છે ને જીવનમાં મૂલ્યો સમજાવે છે. પ્રતિભાશાળી પરમાત્માના શાસનમાં વિવિધ પ્રકારે પ્રગતિ પામનાર વિરલાઓ પૈકી નિમ્નાંકિત પાત્રોને ઓળખીએ.
(૧) રાજવી શ્રેણિકઃ- સ્વયંનાં પૂર્વકર્મોના ભારે ચારિત્ર પ્રાપ્તિમાં ધરાર નિષ્ફળ ગયા, પણ સ્વયંની અનેક રાણીઓ, સુપુત્રોને સંયમમાર્ગે ખુશીથી જવા દીધા, કારણ કે ક્ષાયિક સમકિતના ધણી હતા. તેથી જ તો પોતાનાં પુત્ર-પુત્રીઓ માટે પ્રવ્રજયાપંથની પરવાનગી પ્રહર્ષથી આપનાર વાસુદેવ શ્રી કૃષ્ણની જેમ તેઓ પણ આવતી ચોવીશીમાં તીથઁકરપદ પામી મોક્ષ મેળવવાના છે.
(૨) કનકવતીઃ- આયંબિલ તપ કરી પ્રભુના ભાલમાં તિલક જડાવી ભકિત કરનાર જીવાત્મા સતી દમયંતી બન્યો, જેણીના લલાટમાંથી જ પ્રકાશપૂંજ ઝરતો હતો. તે પછીનો દેવીનો ભવ પૂર્ણ કરી કૃષ્ણપિતા વસુદેવની પત્ની કનકવતી બનવાનું પૂણ્ય ઊદયમાં આવ્યું ત્યારે તેણીના લગ્ન પ્રસંગને માણવા સ્વયં પૂર્વભવના પતિ નળરાજ જેઓ કુબેર દેવ બન્યા હતા, દેવલોકથી આવ્યા. એક નારીના લગ્ન પ્રસંગે શકિતશાળી દેવ આવી ઊજમણા કરે તેવી ઘટનાના મૂળમાં કનકવતીની ધર્મારાધના મુખ્ય હતી.
(૩) ચેડા રાજાઃ- પોતાની સાત રૂપવતી-ગુણવતી પુત્રીઓને પરણાવવામાં પણ ઊદાસીન રાજા પ્રભુ વીકરાળે થયા. ધર્મારાધાનાને જ પ્રધાન રાખી, શરણે આવેલ દોહિત્રાઓ હલ્લ-વિહલ્લની રક્ષા હેતુ યુદ્ધમાં ઊતરવું પણ પડ્યું તોય ફકત એક બાણથી વધુ ન છોડવું તેવી દૈનિક પ્રતિજ્ઞા અભંગ પાળી મરણ વેળા દેખી કૂવે ઝંપલાવ્યું પણ ધરણેન્દ્ર દેવે રક્ષા કરી. અંતે સમાધિ પૂર્વક દેવલોક સાધ્યો.
(૪) સત્યકિઃ- પેઢાલ વિદ્યાધરે ધૂમ્ર, વિકુર્વી વ્યામોહ પમાડી સાધ્વી સુજયેષ્ઠા થકી પુત્ર સત્યકિની પ્રાપ્તિ કરી. ચેડા પુત્રી સાધ્વી સાથે બાળકને જન્મ પછી હરણ કરી વિદ્યાઓ શીખવાડી તે જ સત્યકિએ પાંચ જન્મમાં વિદ્યાઓ સાધી પણ ન ફળી, છટ્ઠે ભાવે ફળી પણ છ માસ શેષ આયુ હોવાથી તુષ્ટ થયેલ રોહિણી વિદ્યાનો અસ્વીકાર કર્યો. પછીના ૭માં ભવમાં વિદ્યા લલાટ દ્વારા પ્રવેશ પામી જેથી તે જ સત્યકિ ત્રિનેત્રધારી મહાદેવ કહેવાયા. પ્રભુવીરે કહેલ આગાહી મુજબે તેણે વિદ્યાધર કાલ સંદીપને તો માર્યો જ, ઊપરાંત દંભી પિતા પેઢાલને પણ મારી નાખ્યો. છતાંય અંતરમાં પ્રભુભકિત વસેલી હોવાથી વિદ્યાધર બની પ્રભુ વીર પાસે નાટ્યપૂજા કરી, સમકિતધારી તે જ સત્યકિ આવતી ચોવીશીમાં અગીયારમા તીથઁકર સુવ્રત નામે થઇ શાસન શોભાવશે.
(૫) સુલસની સૌમ્યતાઃ- દયામુકત ક્રુર કાળજાધારી કસાઇ કાલસૌરિકને ત્યાં જ અહસાપ્રેમી અદકેરા સુપુત્ર સુલસનો જન્મ અચંબો પામડનાર લાગે, પણ હકીકત છે. પિતાના ઘાતકી ધંધાનો બહિષ્કાર કરી પરિવારને પણ પ્રતિબોધ પમાડવા પગ ઊપર કુહાડી ફટકારી પોતાની વેદાનામાં ભાગ પડાવવા સૌને આમંત્રુ સુલસે ખાટકીનો ધંધો ખોટને સાબિત કરી આપ્યો. અભયકુમારને મિત્ર બનાવી ચાંડાલવૃત્તિથી વેગળો રહી સ્વયં તો ધર્મભાવિત બન્યો જ, સાથે પરિવારને પણ વાસિત બનાવ્યું.
(૬) મંત્રી શાન્તુઃ- ધીર-ગંભીર અને શાસનપ્રેમી મંત્રવરોમાં જેનું નામ અને કામ ગણાય છે. તેઓએ જાતિ-વાસનાના વિકાર વમળના મળનો ત્યાગ કરાવવા શાન્તુવસહી નામના જિનમંદિરની બાજુમાં જ વેશ્યાને વશ થયેલ જૈન મુનિને નજરે દેખ્યા હતા છતાં પણ હલકા ચીતર્યા ન હતા. સ્પષ્ટ દૃષ્ટિપાત પછી મૌનની ભાષામાં જ મુનિરાજને મોહરાજાથી ચેતવવા ઇશારો માત્ર કર્યો, જે મૌન મુનિવરને સદાય માટે સતાવી ગયું. પોતાના પાપને જાણનાર છતાંય કશું ન કહેનાર મંત્રીરાજની મર્યાદા જાણી મુનિશ્રીને ભારોભાર પ્રશ્ચાતાપ થયો અને પ્રાયશ્ચિત કર્યું. ફરીવાર સંયમનો સ્વીકાર આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજ પાસે કરી તપ વડે કાયા ઓગાળીને સિદ્ધાચલજીનું શરણું લીધું ને ગૃહસ્થ છતાંય શાંતુ મંત્રીને મનોમન ગુરૂ માન્યા ૧૨ વર્ષ પછીની મુલાકાત વખતે જયારે મુનિરાજે મંત્રીને મહાન ઠેરવ્યાં ત્યારે વિનમ્ર મંત્રીએ પોતાની જાતને સાવ તુચ્છ દર્શાવી સાધુ પદને જ મહાન ઠેરવ્યું હતું.
(૭) આદર્શ પાત્રોઃ- જિનશાસનમાં આવા તો અનેક ગૃહસ્થોએ શાસનનું ગૌરવ વધાર્યું છે જેમાં સોમચંદશેઠ, સવચંદશેઠ, ઊજમશી ફઇ, વસુમતી ભાવસાર, મોતીશા શ્રેષ્ઠિ વગેરેનાં નામ કામ અર્વાચીન પાત્રો તરીકે પણ વર્ણવાય છે. તેમજ સજઝાયમાં ગવાતા આદર્શ પુરૂષ-સ્ત્રીઓના જીવનકવન પણ ઊચ્ચ માર્ગ દર્શન કરાવે તેવા ઊમદા રહ્યા છે.
|
|
|