Namo Arihantanam || Namo Siddhanam || Namo Ayariyanam || Namo Uvajjhayanam || Namo Loe Savva Sahunam || Eso Panch Namukkaro, Savva Pavap Panasano || Mangalanam cha Savvesim, Padhamam Havai Mangalam ||
 
Please press ctrl + on your keyboard for bigger fonts

ચોવીશ તીર્થંર્કર ચરિત્ર

પ્રથમ શ્રી ઋષભદેવજી

તેરમો ભવ - ઋષભદેવ ભગવાનનો પ્રથમ તીર્થંકર

ત્રીજા આરાના ૮૪ લાખ પૂર્વ અને નેવ્યાશી પક્ષ બાકી હતા ત્યારે, જે ભૂમિમાં વિનીતા નગરી વસવાની હતી, તે ભૂમિપર રહેલ સાતમા નામિ કુલકરની પત્ની મરુદેવાની કુક્ષિમાં અક્ષાઢ વદ - ૪ના, ઊત્તરાષાઢા નક્ષત્રમાં વજ્રનાભદેવનો જીવ દેવલોકથી ચ્યવી, અવતર્યો.
અન્ય તીર્થંકરોની માતા પ્રથમ સ્વપ્ન હાથીનું જુએ છે. જયારે મરૂદેવાએ ૧૪ સ્વપ્નમાં પ્રથમ ઋષભનું સ્વપ્ન જોયું. ઋષભદેવ સ્વામીના સમયમાં સ્વપ્ન પાઠકો કે સ્વપ્નશાસ્ત્રો વિદ્યમાન ન હોવાથી ઇન્દ્રોએ સ્વપ્નના અર્થ બતાવ્યા.
નવમાસ અને ચાર દિવસનો ગર્ભકાળ વ્યતિત થતાં ચૈત્ર વદ - ૮ના ઊત્તરષાઢા નક્ષત્રમાં માતાએ સુવર્ણવર્ણી ઋષભના લાંછનવાળા, યુગલધર્મા બે બાળકને જન્મ આપ્યો.
વ્રતોનું વહન કરવામાં ઘોરી સમાન હોવાથી, માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ જોયેલ હોવાથી તથા વૃષભનું લાંછન હોવાથી માતા-પિતાએ ઋષભદેવ નામ રાખ્યું. યુગલ ધર્માનુસાર જોડલે જન્મેલી કન્યાનું નામ સુમંગલા રાખ્યું.
ઋષભદેવ ભગવાનના પ્રથમરાજા, પ્રથભ ભિક્ષાચર (સાધુ), પ્રથમ અરિહંત અને પ્રથમ કેવળી એવા પાંચ નામ પ્રસિદ્ધ થયાં.
__________________________________________________

બીજા શ્રી અજીતનાથ

ત્રીજો ભવ - શ્રી અજિતનાથ ભગવાનનો.

જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કોશલદેશની વિનીતાનગરીમાં, ઇક્ષ્વાકુવંશીય જિતશુત્ર નામે મહાપરાક્રમી રાજા હતા અને તે રાજાને સુમિત્રવિજય નામે, યુવરાજ પદને શોભાવતો લઘુ બંધુ હતો. રાજાને રૂપ-લાવણ્યથી યુકત વિજયાદેવી નામે પટ્ટરાણી હતી. યુવરાજ્ઞી પદને શોભાવતી વૈજયંતી નામે (સુમિત્રવિજયની પત્ની) હતી.
અજિતનાથ પ્રભુનુ ચ્યવન વિમલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી,  વૈશાખ સુદ - ૧૩ના, રોહિણી નક્ષત્રમાં, વિજયાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે જ રાત્રે વિજયા અને વૈજયંતી બન્ને એ ૧૪ સ્વપ્નો જોયા. પ્રાતઃ કાલે વિજયાદેવીએ જિતશત્રુ રાજાને અને વૈજયંતીએ સુમિત્રવિજયને પોતાને સ્વપ્નનાં આવ્યાં હતાં તે અંગે જણાવ્યું.
સુમિત્રવિજયે વડીલબંધુ - જિતશત્રુ રાજાને વૈજયંતીનો સ્વપ્નવૃત્તાંત જણાવ્યો.
જિતશત્રુ રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવ્યા અને રાણી તથા યુવરાજ્ઞીના સ્વપ્નોનું નિવેદન કર્યું. તેઓએ પરસ્પર વિમર્શ કરી, સ્વપ્ન શાસ્ત્રાનુસાર સ્વપ્નના અર્થ જણાવતાં કહ્યું કે, "તીર્થંકર અને ચક્રવર્તીની માતા ૧૪ સ્વપ્ન જુએ છે. બે તીર્થંકર કે બે ચક્રવર્તી એક સાથે થતા નથી. તીર્થંકરની માતા આ મહાસ્વપ્નો અત્યંત પ્રકાશિત જુએ છે જયારે ચક્રવર્તીની માતા આ સ્વપ્નો કંકઇ ઝાંખા જુએ છે."
માતા વિજયાદેવીનાં સ્વપ્નો તેજસ્વી હોવાથી તેમનો પુત્ર તીર્થંકર થશે અને વૈજયંતી દેવીનો પુત્ર ચક્રવર્તી થશે. સ્પષ્ટફળ સાંભળી સંતુષ્ટ થયેલ રાજાએ સ્વપ્નપાઠકોને ગ્રામ, ગરાસ, વસ્ત્ર અને અલંકાર વગેરે પારિતોષિક આપી વિદાય કર્યા.

અજીતનાથ પ્રભુનો જન્મઃ

આઠ મહિના અને ૨૫ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા, મહાસુદ - ૮ના રોહિણી નક્ષત્રમાં વિજયાદેવીએ, ગજ (હાથી)ના લાંછનવાળા, સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. તે જ રાત્રે, પ્રભુના જન્મ પછી થોડીવારે વૈજયંતીએ પણ પુત્રને જન્મ આપ્યો. રાગાદિ વડે નહિ જીતાવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે, રાજા-રાણી સોગઠે રમતા તેમાં રાજા રાણીને જીતી શકયા નહિ, તેથી માતા-પિતાએ પ્રભુનું નામ અજિત રાખ્યું.
ભ્રાતપુત્રનું નામ સગર રાખ્યું. તીર્થંકરો ત્રણ જ્ઞાન લઇને જન્મે છે. તેથી તેઓને અભ્યાસની જરૂર નથી હોતી. સગરકુમારનો વિદ્યાભ્યાસ ઊપાધ્યાય પાસે શરૂ થયો. તીવ્ર મેઘાના કારણે સગરકુમાર અલ્પ સમયમાં દરેક વિદ્યાઓમાં પારંગત થવા લાગ્યા સગરકુમારને કોઇપણ વિષયમાં સંદેહ થાય તો અજિતકુમારને પૂછતા અને અજિતકુમારની કળામાં જે કંઇ ન્યૂનતા હતી, તે સગરકુમારે શીખવાડીને પૂર્ણ કરી. બન્ને કુમારો બાલ્યવયને વ્યતીત કરી, યૌવનવયને પ્રાપ્ત થયા. સુવર્ણ સમાન કાંતિવાળા, ૪૫૦ ધનુષ્યની ઊંચાઇથી યુકત, બન્ને કુમારોનું વક્ષઃસ્થળ ‘શ્રીવત્સ’ના ચિહ્નથી લાંછિત હતું. બન્ને કુમારોના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા.
બન્ને કુમારો ૧૮ લાખ પૂર્વના થયા ત્યારે લઘુબંધુ સહિત રાજા જિતશત્રુ સંસારથી ઊદ્વેગ પામ્યા અને હૈયું વૈરાગ્ય રંગથી વાસિત થયું. તેઓના પૂર્વજોની આજ રીત હતી કે કેટલાક વર્ષ પ્રજાનું રક્ષણ કરી પશ્ચાત્ રાજય પુત્રને સોંપી મોક્ષના લક્ષ્યે દીક્ષા અંગીકાર કરતા. વંશના ક્રમાનુસાર જિતશત્રુ રાજાએ અજિતકુમારને રાજયધુરા સંભાળવા
તથા સગરકુમારને યુવરાજ પદ સંભાળવા કહ્યું. સુમિત્રવિજય તો રાજાની સાથે જ સાધુવ્રત સ્વીકારવા તૈયાર હતા પરંતુ જિતશત્રુ રાજાએ સમજાવ્યા કે, "અજિતકુમાર તીર્થંકર છે, તેમના તીર્થમાં તમારી સિદ્ધિ થવાની છે માટે હાલમાં ભાવયતિ બની રહો, અજિતકુમારને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પશ્ચાત દીક્ષા ગ્રહણ કરજો." જિતશત્રુ રાજાની આજ્ઞા શિરોધાર્ય કરી, સુમિત્રવિજય ભાવયતિ બનીને સંસારમાંજ રહ્યાં અજિતકુમારનો રાજયાભિષેક થયો.
જિતશત્રુ રાજાએ દીક્ષા અંગીકાર કરી, અંતરંગ શત્રુઓને જીતી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પરમપદને પ્રાપ્ત થયા.
સમગ્ર પ્રજાનું પુત્રવત્ પાલન કરતા, પ્રજાના હૃદય સિંહાસન ઊપર આરૂઢ થવા છતાં અજિતરાજાને લેશમાત્ર ગર્વ ન હતો. રાજયધુરાને વહન કરતા, એક પૂર્વાંગ સહિત ૫૩ લાખ પૂર્વ નિર્ગમન થયા. અજિતરાજા સ્વયંમેવ ચેતવવા લાગ્યા કે હવે મારૂં ભોગાવલી કર્મ ભોગવાઇ ગયું છે અને દીક્ષા લેવાનો સમય થયો છે. સગરકુમાર પાસે પોતાની સંસાર કારાગૃહથી મુકત બનવાની ઇચ્છ વ્યકત કરી અને રાજયધુરા સંભાળવા કહ્યું.
અજિતરાજાનાં આવાં વચનો સાંભળતાં જ તેઓ ગદ્ગદ કંઠે કહેવા લાવ્યા, "હે બંધુ! મારો એવો તો કયો અપરાધ છે કે આપ મારા ઊપર આ ભાર નાંખવા તૈયાર થયા છો. હું આપના ચરણની સેવા છોડીશ નહિ. તમે રાજા થયા ત્યારે જેમ હું યુવરાજ થયો હતો તેમ હવે આપ વ્રતધારી થશો તો હું તમારો શિષ્ય બનીશ. ગુરુની સેવામાં તત્પર એવા શિષ્યો માટે તો ગુરુને માટે ભિક્ષા
માટે જવું તે સામ્રાજયથી પણ અધિક છે. હું તમારી સાથે દીક્ષા લઇશ, તમારી સાથે વિહાર કરીશ, તમારી સાથે પરિષદો સહન કરીશ અને તમારી સાથે ઊપસર્ગોને પણ સહન કરીશ. આપ દીક્ષા અંગીકાર કરશો તો હું કોઇપણ રીતે દૂર રહેવાનો નથી. આપની સેવામાં સાથે જ રહીશ."
અમૃત જેવી વાણીથી અજિતરાજાએ સગરકુમારને સમજાવ્યા " સંયમ પ્રત્યેનો તેમનો આગ્રહ યુકત છે પરંતુ તમારૂં ભોગાવલી કર્મ હજું ક્ષય પામ્યું નથી માટે હમણાં રાજય સંભાળો અને યથાવસરે મોક્ષના સાધનભૂત એવા વ્રતોને ગ્રહણ કરજો. કે યુવરાજ! હાલ તો ક્રમથી પ્રાપ્ત આ રાજયને તમે ગ્રહણ કરો અને સંયમરૂપ સામ્રાજયને અમે ગ્રહણ કરશુ." ભાવિ પ્રભુની આજ્ઞાથી વિવશ બની સગરકુમાર રાજય સ્વીકારવા તૈયાર થયા.

અજિતનાથ પ્રભુની દીક્ષા ઃ-

સુપ્રભા નામની શિબિકા દ્વારા અજિતરાજા સહસામ્રવનમાં પધાર્યા. મહાસુદ - ૯ના, રોહિણી નક્ષત્રમાં, સપ્તચ્છદ વૃક્ષ નીચે, છઠ્ઠ (બે ઊપવાસ)ના તપ સહિત, સાયંકાળે, ૧,૦૦૦ રાજાઓ સહિત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે અયોધ્યામાં બ્રહ્મદત્ત રાજાનો ઘેર પરમાન્ન (ખીર)થી પ્રભુનું પારણું થયું. અપ્રતિબદ્ધ વિહારી ભગવાન અખંડિત રીતે સમિતિ - ગુપ્તિનું પાલન કરતા, નિર્મમ -
નિસ્પૃહ થઇ, પોતાના સંસર્ગથી ગ્રામ અને શહેરોને તીર્થ રૂપ કરતા, પૃથ્વી ઊપર વિચરવા લાગ્યા કોઇ પર્વતના શિખર ઊપર બીજું શિખર હોય તેમ કાયોત્સર્ગમાં સ્થિર થઇ જતા, તો કોઇ વાર સમુદ્ર તટ ઊપર વૃક્ષની જેમ સ્થિર બની જતા, તો કોઇ વાર ભયંકર અટવીમાં ધ્યાનમગ્ન બની ઉભા રહેતા. છઠ્ઠથી શરૂ કરી યાવત્ આઠમાસ પર્યંતનું તપ કરતા, આર્યક્ષેત્રમાં વિચરવા લાગ્યા. વિવિધ તપો અને વિવિધ અભિગ્રહો દ્વારા પરિસહોને સહન કરતા ૧૨ વર્ષ પર્યંત છદ્મસ્થાનપણામાં કર્મોનો ક્ષય કરતા રહ્યાં.

અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાનઃ-

વિચરતા-વિચરતા પ્રભુ દીક્ષાવન સહાસ્રામવનમાં પધાર્યા. સપ્તચ્છદ વૃક્ષ નીચે શુકલધ્યાનની શ્રેણી એ આરૂઢ થયા. ક્ષપક શ્રેણીને પ્રાપ્ત થઇ, પોષ વદ ૧૧ના રોહિણી નક્ષત્રમાં, છઠ્ઠના તપયુકત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. દેવરચિત્ સમવસરણમાં બે ગાઊ અને ચૌદસો યોજન ઊંચા ચૈત્યવૃક્ષ નીચે બેસી પ્રભુએ ધર્મધ્યાનના ચાર ભેદને વર્ણવતી પ્રથમ દેશના આપી.
સહસેન પ્રમુખ ૯૫ ગણધરો થયા. પ્રથમ સાધ્વી ફાલ્ગુની (ફાલ્ગુ) પ્રર્વિતની બની. અજિતનાથ ભગવાનના તીર્થંમાં શ્યામવર્ણી, હાથીના વાહનવાળો ‘મહાયક્ષ’ નામે યક્ષ શાસનદેવ બન્યો અને લોહાસનરૂઢ ‘અજીતબલા’ નામે દેવી શાસન દેવી બની.

બ્રાહ્મણના પ્રશ્નોત્તર

ગ્રામાનુગ્રામ વિચરતાં પ્રભુ કૌશાંબી નગરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી. પ્રભુની દેશના પૂર્ણ થતાં બ્રાહ્મણ દંપતીએ પ્રભુને વંદન કરી પૂછ્યું ‘હે ભગવન! આ આવી રીતે કેમ છે?’
પ્રભુ ઊત્તરમાં કહ્યું - "એ સમકિતનો મહિમા છે. મેઘધારાથી દાવાગ્નિ શાંત થાય તેમ સમકિત ગુણવડે સર્વ પ્રકારના વૈર શાંત થાય છે, દેવતાનું આયુષ્ય બંધાય છે. આ તો સમકિતનું અલ્પફળ છે. તેનું મહાફળ તો સિદ્ધ પદ અને તીર્થંકરત્વની પ્રાપ્તિ છે." પ્રભુના આ વચનથી સંતુષ્ટ બની બ્રાહ્મણે પ્રભુના વચનનો ‘તહત્તિ’ કરી સ્વીકાર કર્યો.
સહસેન ગણધરે ત્યાં ઊપસ્થિત સર્વ લોકોના ઊપકાર માટે આ વાર્તાલાપનું સ્પષ્ટીકરણ પ્રભુને પૂછ્યું. પ્રભુએ વાર્તાલાપનું રહસ્ય પ્રગટ કરતા કહ્યું.
"આ કૌશાંબી નગરીની સમીપે શાલિગ્રામ નામનું નગર છે. ત્યાં શુદ્ધભટ નામનો બ્રાહ્મણ રહે છે. એકવાર દરિદ્રતાથી પીડિત આ શુદ્ધભટ્ટ, પત્ની, માતા-પિતાને કહ્યા વિના દૂર દેશાંતરે ચાલ્યો ગયો. પત્ની સુલક્ષણા પતિના વિયોગથી નિરાધાર બની ઊદ્વેગને પ્રાપ્ત થઇ.
વર્ષાકાળમાં વિપુલા નામનાં સાધ્વી સુલક્ષણાની આજ્ઞા લઇ, તેના નિવાસસ્થાનમાં રહ્યા. પ્રતિદિન સાધ્વીજીનો ઊપદેશ સાંભળતા-સાંભળતા સુલક્ષણાએ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી, શ્રાવક વ્રત અંગીકાર કર્યા. કાલાંતરે શુદ્ધભટ્ટ ઘણું જ ધન કમાઇ પોતાના ઘરે આવ્યો. સુલક્ષણાના સત્સંગથી શુદ્ધભટ્ટ પણ સમ્યક્ત્વને પામ્યો અને શ્રાવકવ્રત સ્વીકાર્યા.
‘આ બ્રાહ્મણ, શ્રાવક બની ગયો.’ તેવા પ્રકારની નિંદા તેઓના સમાજમાં થવા લાગી. નિંદાઓની વચ્ચે પણ તે શ્રાવકધર્મ દૃઢ રહ્યો. વિપ્ર દંપતીને ગૃહસ્થાશ્રમના ફળ સ્વરૂપે એક પુત્ર ઊત્પન્ન થયો. એકદા શુદ્ધભટ્ટ પુત્રને લઇ ધર્મ-અગ્નિષ્ટિકામાં ગયો ત્યાં ‘તું શ્રાવક છો, અહિથી દૂર જા, આ પવિત્ર અગ્નિ અશુદ્ધ બની જશે.’ આવા કટુ વચનોથી બ્રાહ્મણો ચંડાલની જેમ તેનો તિરસ્કાર કરવા લાગ્યા. તિરસ્કારપૂર્ણ વચનો તે બ્રાહ્મણ સહી ના શકયો. તેણે ક્રોધિત બની પ્રતિજ્ઞા કરી " જો જિનોકતધર્મ સંસારસમૃદ્રને
તારનાર ન હોય, અરિહંત ભગવાન આપ્તદેવ ન હોય અને જ્ઞાન, દર્શન, ચારિત્ર મોક્ષમાર્ગ ન હોય તો આ અગ્નિ મારા પુત્રને બાળી નાખે અને જો તે સાચું હોય તો આગ્નિ મારા પુત્રને ન બાળે." તેમ પ્રતિજ્ઞા કરી (બોલી) પુત્રને તે અગ્નિમાં નાખી દીધો. તત્કાળ અગ્નિ શાંત થઇ ગઇ અને કમળ ઊપર રમતો બાળક બધાએ જોયો.
સમ્યક્ત્વ સમ્પન્નદેવીએ સમકિતનું માહાત્મ્ય પ્રગટ કરવા અગ્નિ શાંત કરી, બાળકની રક્ષા કરી. તે ઘટનાને લક્ષ્ય કરી આ બ્રાહ્મણે (શુદ્ધભટે) મને પ્રશ્ન કર્યો કે "આ આમ કેમ છે?" આ બાળક કેવી રીતે બચ્યો?  પ્રશ્નના પ્રત્યુત્તરમાં સમકિતનો પ્રભાવ દર્શાવ્યો.
પશ્ચાત્ ભગવાન ભવ્ય જીવોને તારતા પૃથ્વી પર વિચરવા લાગ્યા.
પ્રભુને ૯૫ ગણધરો, ૧,૦૦,૦૦૦ મુનિ, ૩,૦૦,૦૦૦ સાધ્વિઓ, ૨,૯,૦૦૦ શ્રાવકો, ૫,૪૫,૦૦૦ શ્રાવિકાઓ, ૨૨,૦૦૦ કેવળજ્ઞાની, ૧૨,૫૦૦ / ૧૨,૫૫૦ મનઃ પર્યવજ્ઞાની, ૯,૪૦૦ અવધિજ્ઞાની, ૩,૭૦૦ / ૩,૭૨૦ ચૌદપૂર્વી, ૧૨,૪૦૦ એ ૨૦,૪૦૦ વૈક્રિયલબ્ધિધારી થયા.

અજિતનાથ પ્રભુનું નિર્વાણઃ-

નિર્વાણ સયમ સમીપ જાણી પ્રભુ સમ્મેત શિખર પર્વત ઊપર પધાર્યા. ૧૦૦૦ શ્રમણો સાથે, એક માસનું અનશન કરી, ચૈત્ર સુદ -૫ ના, મૃગશીર્ષ નક્ષત્રમાં, કાયોત્સર્ગાસનમાં સ્થિત પ્રભુ નિર્વાણપદને પામ્યા. ૧૮ લાખ પૂર્વ કુમારાવસ્થાનાં, એક પૂર્વાંગ અધિક ૫૩ લાખ પૂર્વ રાજયાવસ્થાનાં, એક પૂર્વાંગ ન્યૂન એક
લાખ પૂર્વ શ્રમણવસ્થામાં એમ સર્વ મળી ૭૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. ઋષભદેવ સ્વામીના નિર્વાણ બાદ ૫૦ લાખ કરોડ સાગરોપમે અજિતનાથ ભગવાન નિર્વાણ પામ્યા.
______________________________________________

ત્રીજી શ્રી સંભંવનાથજી

ત્રીજો ભવે - શ્રી સંભંવનાથ ભગવાન

જંબૂદ્વીપના ભરતક્ષેત્રના કુણાલદેશમાં શ્રાવસ્તિ નામનું નગર હતું. તેમાં ઇક્ષ્વાકુ વંશમાં જિતારિ રાજા થયા. તેઓ જાણે મૂર્તિમાન ધર્મ જ ન હોય તેમ અધર્મકારી વચનો બોલતા નહિ. તેવું આચરણ પણ ન કરતા અને મનથી અધર્મકારી ચતવન પણ કરતા નહિ. તેઓ શસ્ત્રધારી છતાં દયાળુ, શકિતમાન છતાં ક્ષમાવાન, વિદ્ધાન છતાં
અભિમાન રહિત અને યુવાન છતાં જિતેન્દ્રિય હતા, તેમને સેનાદેવી નામે પટ્ટરાણી હતી.

સંભંવનાથ પ્રભુનું ચ્યવનઃ-

વિપુલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી ફાગણ સુદ-૮ ના મૃગાશીર્ષ નક્ષત્રમાં, સેનાદેવીની કુક્ષિમાં અવતર્યો.

સંભંવનાથ પ્રભુનો જન્મઃ-

નવ માસ અને છ દિવસનો ગર્ભકાળ વ્યતીત થતા, માગસર સુદ - ૧૪ના મૃગશીર્ષ નક્ષત્રમાં, સુવર્ણવર્ણી, અશ્વના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો.
શુભ અતિશયોના સંભવથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શંબાનું (શગ) ધાન્ય ઘણું થયું હતું. તેથી રાજાએ બાળકનું નામ સંભવનાથ પાડ્યું.
યૌવનને પ્રાપ્ત, ૪૦૦ ધનુષ્ય ઊંચા સંભવકુમારનું પાણિગ્રહણ અનેક રાજકન્યાઓ સાથે થયું. પ્રભુ ૧૫ લાખ પૂર્વના થયા ત્યારે તેમનો રાજયભિષેક થયો અને જિતારિ રાજાએ દીક્ષા અંગીકાર કરી.
સંભવ રાજાના પુણ્ય પ્રભાવથી, રાજયમાં પ્રજા ‘ઇતિ (દુષ્કાળાદિ ઊપદ્રવો)’ તથા ભયમુકત અને પૂર્ણ આયુષ્ય ભોગવવાવાળી બની. ચાર પૂર્વાંગ સહિત ૪૪ લાખ પૂર્વ પર્યંત સંભવરાજાએ વૈરાગ્યવાસિત હૃદયે રાજયનું પાલન કર્યું.

સંભવનાથ પ્રભુની દીક્ષાઃ-

દીક્ષાવસર જાણી પ્રભુ ‘સિદ્ધાર્થા’ નામક શિબિકામાં બેસી સહસ્રામ્રવનમાં પધાર્યા. માગસર સુદ - ૧૫ના, મૃગશીર્ષ નક્ષત્રમાં, છઠ્ઠ તપ યુકત પ્રભુએ, અપરાહ્ન કાળે, ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી.
૧૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં, ૧૨ પૂર્વાંગયુકત ૨૯ લાખ પૂર્વ રાજયાવસ્થામાં, ૧૨ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ દીક્ષાવસ્થામાં રહી, સુમતિનાથ પ્રભુએ ૪૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.
_____________________________________________

શ્રી અભિનંદન ભગવાન

ત્રીજો ભવ - અભિનંદન પ્રભુનો.

પ્રભુનું ચ્યવનઃ
જંબુદ્વીપના આપણા આ ભરતક્ષેત્રના, કોશલ દેશની અયોધ્યા નામક નગરીમાં ઇક્ષ્વાકુ વંશીય, સંવર રાજાની સિદ્ધાર્થા રાણીની કુક્ષિમાં, વૈશાખ સુદ - ૪ ના અભિજિત નક્ષત્રમાં, મહાબલ મુનિનો જીવ અવતર્યો.

પ્રભુનો જન્મઃ

૮ માસ ૨૮ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતાં, મહાસુદ - ૨ના અભિજિત (પુનર્વસુ) નક્ષત્રમાં, સુવર્ણવર્ણી, વાનરના લાંછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજય, નગરી સર્વે અભિનંદન - હર્ષને પામ્યા તથા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે શક્રેન્દ્રે પ્રભુને અભિનંદિત કર્યા (સ્તવ્યા) તથા વિશ્વને પ્રમોદ કરનાર હોવાથી પિતાએ પુત્રનું અભિનંદન એવું નામ પાડ્યું.
યૌવનને પ્રાપ્ત પ્રભુ ૩૫૦ ધનુષ્યની ઊંચાઇવાળા થયા. અનેક રાજકન્યાઓ સાથે અભિનંદનકુમારના વિવાહ થયા. કુમાર સાડા બાર લાખ પૂર્વના થયા ત્યારે તેમનો રાજયાભિષેક કરી, રાજય  સોપી સંવર રાજાએ દીક્ષા અંગીકાર કરી.

પ્રભુની દીક્ષા ઃ-
સંસારના શ્રેષ્ઢ રાજા તરીકે અભિનંદન રાજાએ આઠ પૂર્વાંગ સહિત સાડા છત્રીશ લાખ પૂર્વ પર્યંત રાજય કર્યું. પશ્ચાત્ ‘અર્થસિદ્ધા’ નામની શિબિકા દ્વારા સહસ્રામ્રવન ઊદ્યાનમાં પધાર્યા. મહાસુદ - ૧૨ના, અભિજિત નક્ષત્રમાં, અપરાહ્ન સમયે, છઠ્ઠ તપ કરી, પ્રભુએ ૧૦૦૦ પુરુષો સાથે દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે અયોધ્યા નગરીમાં ઇદ્રદત્ત બ્રાહ્મણના ઘેર પ્રભુનું પરમાન્ન (ખીર)થી પારણું થયું. આહારદાનના પ્રભાવે ઇન્દ્રદત્તે ભવબંધન છોડી નાંખ્યા.

કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ-

પ્રભુ છદ્મસ્થપણે ૧૮ વર્ષ પર્યંત આર્યક્ષેત્રમાં વિચર્યા. વિચરતા - વિચરતા પ્રભુ પુનઃ દીક્ષાવન સહસ્રામ્રવનમાં પધાર્યા. ત્યાં પ્રિયાલવૃક્ષ (રાયણ) નીચે છઠ્ઠ તપયુકત, પોષ સુદ - ૧૪ના, અભિજિત નક્ષત્રમાં, પ્રભાતના સમયે પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવરચિત સમવસરણની મધ્યમાં બે ગાઊ ૨૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન ઊપર બેસી, પ્રભુએ અશરણ ભાવના વર્ણવતી પ્રથમ દેશના આપી.
પ્રભુને વજ્રનાભ પ્રમુખ ૧૧૬ ગણધર થયા. પ્રભુની પ્રથમ શિષ્યા અજિતા નામની સાધ્વી પ્રર્વિતની બની.
પ્રભુના તીર્થમાં શ્યામવર્ણી, હસ્તિના વાહનવાળો ‘યોક્ષેશ્વર’ નામનો યક્ષ શાસનદેવ બન્યો અને શ્યામવર્ણી, કમળાસીન ‘કલિકા’ નામની યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુને સ્વહત દીક્ષિત ૩,૦૦,૦૦૦ સાધુઓ, ૬,૩૦,૦૦૦ સાધ્વીઓ ૨,૮૮,૦૦૦ શ્રાવકો, ૫,૨૭,૦૦૦ શ્રાવિકાઓ, ૧૪,૦૦૦ કેવળજ્ઞાની, ૧૧,૬૫૦ મનઃપર્યવજ્ઞાની, ૯,૧૦૮ મતાંતરે ૯,૮૦૦ અવધિજ્ઞાની, ૧,૫૦૦ ચૌદપૂર્વી, ૧૦,૦૦૦ મતાંતરે ૧૧,૦૦૦ વાદી અને ૧૯,૦૦૦ વૈક્રિય લબ્ધિવાન થયા.

નિર્વાણની પ્રાપ્તિઃ

કેવળજ્ઞાન સહિત પ્રભુ આઠ પૂર્વાગ અને ૧૮ વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ પર્યત વિચરી, અંતિમ સમય ૧૦૦૦ મુનિઓ સાથે, સમ્મેત શિખર પર્વત ઊપર એક માસનું અનશન કરી, વૈશાખ સુદ - ૮ના, પુષ્પ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
કુમારવસ્થામાં સાડા બાર લાખ પૂર્વ, રાજયાવસ્થામાં આઠ પૂર્વાંગ સહિત સાડા છત્રિસ લાખ પૂર્વ અને સંયમાવસ્થામાં ૮ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ, સર્વ મળી પ૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું .
શ્રી સંભવનાથ સ્વામીના નિર્વાણ બાદ ૧૦ લાખ ક્રોડ સાગરોપમે અભિનંદન સ્વામી નિર્વાણ પામ્યા.
___________________________________________________

પાંચમાં શ્રી સુમતિનાથ ભગવાન

ત્રીજો ભવ સુમતિનાથ પ્રભુનો.

પ્રભુનું ચ્યવન ઃ-

આ જંબુદ્વીપના, ભરતક્ષેત્રના કોશલ દેશની વિનીતા (અયોધ્ય) નગરીમાં, ઇક્ષ્વાકુ વંશીય મેઘરાજા રાજય કરતા હતા. તેઓને મંગલા નામે શીલવતી પટ્ટરાણી હતી.
પુરુષસહનો આત્મા દેવલોકથી ચ્યવી શ્રાવણ સુદ - ૨ ના મઘા નક્ષત્રમાં મંગલાદેવીની કુક્ષિમાં ઊત્પન્ન થયો. ગર્ભવૃદ્ધિ પામતા, ગર્ભના પ્રભાવે માતાને સારી મતિ ઊત્પન્ન થવા લાગી એકવાર રાજયસભામાં એક જટીલ સમસ્યાનો ન્યાય કરવાનો હતો. રાજા ન્યાય ન કરી શકયા. ગર્ભના પ્રભાવે રાણી મંગળાએ તે ન્યાય કર્યો.
વાત એમ બની હતી કે એક બાળકને લઇ, બે સ્ત્રીઓ રાજયસભામાં આવી હતી. આ બન્ને સપત્નીઓનો દાવો હતો કે પુત્ર પોતાનો છે. બે પત્નીઓ વચ્ચે એક બાળકને છોડી બાળકના પિતા મૃત્યુ પામ્યા હતા. પિતાનો વારસો પુત્રને મળે તેથી બન્ને પત્નીઓ ધનની લાલસાથી મૃતપતિનું ધન અને પુત્ર પોતાના છે તેવો દાવો કરવા લાગી.
સમાન દેખાવવાળી આ બન્ને સ્ત્રીઓમાં બાળક કોનું છે તે નિર્ણય રાજા કરી શકતા ન હતા. માતાને બતાવી શકે તેવી બાળકની ઉંમર ન હતી. તે સમયે રાણી મંગળાએ કહ્યું "૩ જ્ઞાનના ધારક તીર્થંકર મારા ગર્ભમાં રહેલ છે. તે તમારો ન્યાય કરશે માટે મારો પુત્ર જન્મે ત્યાં સુધી રાહ જુઓ. આ તમારું બાળક ત્યાં સુધી રાજયમાં વૃદ્ધિ પામશે."
રાણીની આ વાત સાથે અપરમાતા સહમત બની પરંતુ બાળકની ખરી માતા આ કાળક્ષેપ સહન કરવા તૈયાર ન થઇ. ત્યારે રાણીએ નિર્ણય આપ્યો," માતા બાળકનો વિયોગ સહન ન કરી શકે માટે આ સ્ત્રીનું આ બાળક છે."
મતાંતરે મંગળા રાણીએ ન્યાય કરતા કહ્યું કે મિલકતના બે ભાગ કરી બન્નેને આપીદો. તેવી રીતે બાળકના પણ બે વિભાગ કરી બન્નેને આપી દો. આ ન્યાયને એક સ્ત્રીએ સ્વીકારી લીધો જયારે બીજી સ્ત્રીએ આંસું સાથે કહ્યું કે દ્રવ્ય અને પુત્ર બન્ને તે સ્ત્રીને આપો. બાળક જીવશે તેમાં હું સુખ માનીશ. મારા પુત્રને હું મારવા ઇચ્છતી નથી. આ પ્રમાણે કહેતી સ્ત્રી જ બાળકની સાચી માતા છે તેમ રાણીએ નિર્ણય કરી, સગી માતાને પુત્ર સોંપ્યો.

પ્રભુનો જન્મઃ-

મંગલાદેવીની કુક્ષીમાં નવ માસ અને છ દિવસનો ગર્ભકાળ વ્યતીત થતા, વૈશાખ સુદ - ૮ના, મઘાનક્ષત્રમાં મંગળાદેવીએ સુવર્ણવર્ણી, કૌંચપક્ષીના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો.
પ્રસન્નમુદ્રા અને શાંત દૃષ્ટિથી સુમતિકુમાર શોભતા હતા. મોક્ષલક્ષ્મી અને પુણ્યલક્ષ્મી એક સાથે પ્રભુમાં વસતી હતી. જગતના બધા જ શાંત પરમાણુઓ શરીરમા આવી રહ્યા હતા તો સર્વે ઊત્તમ ગુણો તેમના આત્મામાં આવી વસ્યા હતા.
૩૦૦ ધનુષ્યની ઊંચી કાયાવાળા સુમતિકુમાર યૌવનને પ્રાપ્ત થયા ત્યારે અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું.
પ્રભુ દસ લાખ પૂર્વના થયા ત્યારે માતા-પિતાના આગ્રહથી રાજયભાર સ્વીકાર્યો. ૧૨ પૂર્વાંગ સહિત ૨૯ લાખ પૂર્વ પર્યંત સુમતિરાજાએ પ્રજાનું પાલન કર્યું.

સંયમ સ્વીકાર ઃ-

દીક્ષા સમય સમીપ આવતા, સુમતિરાજા અભયંકરા નામની શિબિકા ઊપર આરૂઢ થઇ, સહસ્રામ્રવનમાં પધાર્યા વૈશાખ સુદ-૯ ના, મધા નક્ષત્રમાં નિત્યભકત એવા પ્રભુએ એક હજાર રાજાઓ સાથે દિવસના આગલા પહોરે. દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે વિજયપુરમાં પદ્મરાજાના ઘેર પરમાન્ન (ખીર)થી પારણું થયું. ૨૦ વર્ષ પર્યંત સુમતિનાથ પ્રભુ ધ્યાન સાધના કરતા રહ્યા.

કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ

પ્રભુ વિચરતા-વિચરતા દીક્ષા ગ્રહણ કરેલ તે જ સહસ્રામ્રવનમાં પધાર્યા તે વનમાં પ્રિયંગુ વૃક્ષ નીચે પ્રભુ ધ્યાન મગ્ન બન્યા. છઠ્ઠ તપથી યુકત પ્રભુએ ચૈત્ર સુદ -૧૧ ના, મઘા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવ નિર્મિત સમવસરણમાં એક ગાઊ સોળસો ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સિંહાસનારૂઢ થઇ પ્રભુએ એકત્વ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી. તીર્થ સ્થાપના બાદ, ત્રિપદી અનુસાર દ્વાદશાંગીની રચના કરી.
ચમર પ્રમુખ ૧૦૦ ગણધરો થયા. કાશ્યપી પ્રમુખ સાધ્વીઓ બની.
પ્રભુના તીર્થમાં શ્વેતવર્ણી, ગરુડના વાહનવાળો તુંબરું નામક યક્ષ શાસનદેવ બન્યો અને સુવર્ણવર્ણી, પદ્માસીન મહાકાલી નામક યક્ષિણી શાસનદેવી બની, તેઓ નિરંતર પ્રભુની સેવામાં રહેવા લાગ્યા.
પ્રભુને ૧૦૦ ગણધર, ૩,૨૦,૦૦૦ સાધુઓ, ૫,૩૦,૦૦૦ સાધ્વીઓ ૨,૮૧,૦૦૦ શ્રાવકો, ૫,૧૬,૦૦૦ શ્રાવિકાઓ, ૧૩,૦૦૦ કેવળજ્ઞાની, ૧૦,૪૫૦ મનઃપર્યવજ્ઞાની, ૨,૪૦૦ ચૈદપૂર્વી, ૧૮,૪૦૦ વૈક્રિયલબ્ધિધારી તથા ૧૦,૪૫૦ વાદીનો પરિવાર થયો.

નિર્વાર્ણણપદની પ્રાપ્તિઃ-

પ્રભુ ૨૦ વર્ષ અને ૧૨ પૂર્વાંગ ન્યૂન ૧ લાખ વર્ષ પર્યંત પૃથ્વી પર વિચરી મોક્ષમાર્ગ બતાવતા રહ્યા. પ્રભુ મોક્ષ સમય સમીપ જાણી સમ્મેતશિખર પર્વત ઊપર પધાર્યા. ૧૦૦૦ મુનિ સાથે એક માસનું અનશન કરી, ચૈત્ર સુદ - ૯ ના પુનર્વસુ નક્ષત્રમાં અવ્યયપદને પામ્યા, નિર્વાણ પદને પામ્યા.
________________________________________________

છઠ્ઠા શ્રી પદ્મપ્રભ ભગવાન

ત્રીજો ભવ - પદ્મપ્રભ ભગવાનનો

પ્રભુનું ચ્યવનઃ-

આપણા ભરતક્ષેત્રના વત્સદેશની કૌશામ્બી નગરી હતી. તેમાં ઇક્ષ્વાકુવંશી ધરણ (શ્રીધર) રાજા અને સુસીમા નામે પટ્ટરાણી હતા.
ભગવાન પદ્મપ્રભનો જીવ ૯ મી ગ્રૈવેયકથી ચ્યવી મહાવદ - ૬ના, ચિત્રા નક્ષત્રમાં, સુસીમાદેવીની કુક્ષિમાં ઊત્પન્ન થયો. ગર્ભવૃદ્ધિ પામતા દેવીને પદ્મની શય્યામાં સૂવાનો દોહદ થયો. દેવતાઓએ તે દોહદ તત્કાળ પૂર્ણ કર્યો.

પ્રભુનો જન્મઃ-

૯ માસ અને છ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા માતાએ કારતક વદ - ૧૨ના, ચિત્રા નક્ષત્રમાં, રકતવર્ણી, પદ્મના લાંછનયુકત પુત્રને જન્મ આપ્યો. પ્રભુની કાંતિ પદ્મ જેવી હતી તેથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મની શય્યામાં સૂવાનો દોહદ થયો હતો તેથી પ્રભુનું પદ્મપ્રભ નામ રાખ્યું.
૨૫૦ ધનુષ્યની કાયાવાળા પદ્મકુમાર યૌવનવયને પ્રાપ્ત થયા. અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા
સાડા સાત લાખ પૂર્વના પદ્મકુમાર થયા ત્યારે તેમનો રાજયાભિષેક થયો રાજયનું પાલન કરતા, ૧૬ પૂર્વાંગ અને સાડી એકવીશ લાખ પૂર્વ વ્યતીત થયા.

પ્રભુની દીક્ષાઃ-
સંસારથી વિરકત બનેલા પદ્મરાજા ‘નિવૃતિકરા’ નામની શિબિકા દ્વારા સહસ્રામ્રવનમાં પધાર્યા. છઠ્ઠના તપયુકત પ્રભુએ કારતક વદ - ૧૩ના, ચિત્રા નક્ષત્રમાં, અપરાહ્ન કાળે, ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવ રાજાના ઘેર પયન્ના(ખીર)થી પ્રભુનું પારણું થયું. છ માસ પર્યંત પ્રભુ આર્યક્ષેત્રમાં વિવિધ અભિગ્રહો ધારણ કરી, ધ્યાનમગ્ન બની, સાધના કરતા રહ્યા.

કેવળજ્ઞાની પ્રાપ્તિ ઃ-

વિહાર કરતા -કરતા પ્રભુ પુનઃ સહસ્રામ્રવનમાં પધાર્યા. વડના (છત્રોધ) વૃક્ષનીચે, છઠ્ઠ તપ કરી પ્રભુ ધ્યાનમાં લીન બન્યા. ચૈત્ર સુદ - ૧૫ ના ચિત્રા નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ સમવસરણની રચના કરી. દોઢ ગાઊ ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સહાસનારૂઢ પ્રભુએ સંસારભાવનાને સમજાવતી પ્રથમ દેશના આપી. પ્રથમ દેશના બાદ તીર્થની સ્થાપના કરી.
સુવ્રત પ્રમુખ ૧૦૭ ગણધરો થયા પ્રથમ ‘રતિ’ નામના સાધ્વી પ્રર્વિતની બની.
પ્રભુના શાસનમાં નિલવર્ણી, મૃગના વાહનવાળો કુસુમ નામે યક્ષ શાસનદેવ બન્યો અને શ્યામવર્ણી, પુરુષના વાહનવાળી અચ્યુતા યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુને ૧૦૭ ગણધરો, ૩,૩૦,૦૦૦ સાધુઓ, ૪,૨૦,૦૦૦ સાધ્વીઓ, ૨,૭૬,૦૦૦ શ્રાવકો, ૫,૦૫,૦૦૦ શ્રાવિકાઓ, ૧૨,૦૦૦ કેવળજ્ઞાની, ૧૦,૩૦૦ મનઃપર્યવજ્ઞાની, ૧૦,૦૦૦

અવધિજ્ઞાની ૨,૨૦૦ મતાંતરે ૨,૩૦૦ ચૌદપૂર્વી, ૧૬,૧૦૮ વૈક્રિય લબ્ધિધારી, ૯,૬૦૦ વાદી થયા.

નિર્વાણ પ્રાપ્તિઃ-

૨૦ વર્ષ, ૧૬ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ પર્યંત પ્રભુ કેવળી પણે વિચરી જનકલ્યાણ કરતા રહ્યા.
નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ સમ્મેતશિખર ઊપર પધાર્યા. ૩૦૮ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, માગસર વદ - ૧૧ના, ચિત્રા નક્ષત્રમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં પ્રભુ નિર્વાણ પામ્યા.
સાડા સાતા લાખ પૂર્વ કુમારવસ્થામાં, ૧૬ પૂર્વાંગ સહિત સાડા ઍકવિસા લાખ પૂર્વ રાજયાવસ્થામાં, ૧૬ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ મુનિપણામાં વ્યતીત કર્યાં. સર્વ મળી ૩૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.
સુમતિનાથ પ્રભુના નિર્વાણ બાદ ૯૦,૦૦૦ કરોડ સાગરોપમ બાદ પદ્મપ્રભ નિર્વાણ પામ્યા.
__________________________________________________

સાતમાં તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાન

ત્રીજો ભવ - શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનો

આપણા આ ભરતક્ષેત્રના, કાશી દેશની, વારાણસી નગરીમાં પ્રતિષ્ઢિત નામક રાજા અને તેમની પૃથ્વી નામક પટ્ટરાણી હતા.

પ્રભુનું ચ્યવનઃ-

સુપાર્શ્વનાથનો જીવ છઠ્ઠી ગ્રૈવેયકથી ચ્યવી ભાદરવા વદ - ૮ના (ગુજરાતી તિથિ પ્રમાણે શ્રાવણ વદ - ૮ના) અનુરાધા (વિશાખા) નક્ષત્રમાં, પૃથ્વીદેવીની કુક્ષિમાં અવતર્યો. ગર્ભવૃદ્ધિ પામતા માતાએ એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા ઊપર પોતાને સૂતેલી જોઇ.

પ્રભુનો જન્મઃ-

૯ માસ અને ૧૯ દિવસનો ગર્ભકાળ વ્યતીત થતા, જેઠ સુદ - ૧૨ના અનુરાધા (વિશાખા) નક્ષત્રમાં, સુવર્ણવર્ણી, સ્વસ્તિકના લાંછનવાળા પ્રભુને જન્મ આપ્યો. પ્રભુના પાર્શ્વ (પડખા) શુભ હોવાથી અથવા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાના દેહમાં સુપાર્શ્વતા (પડખાની સુંદરતા) આવી તેથી પુત્રનું નામ સુપાર્શ્વ પાડ્યું.
યૌવનવયને પ્રાપ્ત, ૨૦૦ ધનુષ્યની ઊંચી કાયાવાળા સુપાર્શ્વકુમારના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા. સુપાર્શ્વકુમાર ૫ લાખ પૂર્વના થયા ત્યારે પિતાએ તેમનો
રાજયાભિષેક કર્યો. ૨૦ પૂર્વાંગ અધિક ૧૪ લાખ પૂર્વ પર્યંત સુપાર્શ્વ રાજાએ રાજયનું પાલન કર્યું.

સંયમ સ્વીકારઃ-

દીક્ષા સમય સમીપ આવતાં સુપાર્શ્વ રાજા ‘મનોહરા’ નામની શિબિકામાં આરૂઢ થઇ સહસ્રામ્રવનમાં પધાર્યા. જેઠ સુદ - ૧૩ના અનુરાધા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગે ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠના તપયુકત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે પાટલીખંડ નગરમાં મહેન્દ્ર નામક રાજાના ઘરે, પરમાન્ન (ખીર) થી પ્રભુનું પારણું થયું.
એકાકી, મૌનવ્રતધારી, અભિગ્રહોમાં તત્પર ધ્યાન અને કાયોત્સર્ગમાં સ્થિર થતા પ્રભુ નવ માસ સુધી આર્યક્ષેત્રોમાં વિચરતા રહ્યા.

કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ-

પ્રભુ વિહાર કરતા-કરતા સહસ્રામ્રવનમાં પધાર્યા. છઠ્ઠનું તપ કરી શિરીષ વૃક્ષ નીચે ધ્યાનસ્થ બન્યા. ફાગણ વદ - ૬ના વિશાખા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવનિર્મિત  સમવસરણમાં એક ગાઊ અને ૪૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સિંહાસનારૂઢ પ્રભુએ અન્યત્વ ભાવનાને સમજાવતી દેશના આપી.
પ્રભુને વિદર્ભ પ્રમુખ ૯૫ ગણધર થયા. પ્રથમ શિષ્યા સોમા નામક સાધ્વી પ્રર્વિતની બની.
પ્રભુના તીર્થમાં શ્યામવર્ણી, હસ્તિના વાહનવાળો માતંગ નામે યક્ષ શાસનદેવ બન્યો અને સુવર્ણવર્ણી, હસ્તિના વાહન પર આરૂઢ શાંતા નામે યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુને ૯૫ ગણધરો, ૩,૦૦,૦૦૦ સાધુઓ, ૪,૩૦,૦૦૦ સાધ્વીઓ ૨,૫૭,૦૦૦ શ્રાવકો, ૪,૯૩,૦૦૦ શ્રાવિકાઓ, ૧૧,૦૦૦ કેવળજ્ઞાની ૯,૧૫૦ મનઃ પર્યવજ્ઞાની, ૯,૦૦૦ અવધિજ્ઞાની, ૨,૦૩૦ ચૌદ પૂર્વી, ૧૫,૩૦૦ વૈક્રિયલબ્ધિધારી, ૮,૪૦૦ વાદી થયા.

નિર્વાણપદની પ્રાપ્તિઃ-

પ્રભુ નવ માસ અને વીશ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ પર્યંત કેવળીપણે વિચરતા રહ્યા. નિર્વાણ સમય સમીપે જાણી પ્રભુ સમ્મેતશિખર પર્વત ઊપર પધાર્યા. ૫૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી ફાગણ વદ - ૭ ના અનુરાધા (મૂળ) નક્ષત્રમાં મોક્ષપદ પામ્યા. પ લાખ પૂર્વ કુમારાવસ્થામાં, વીશ પૂર્વાંગ સહિત ચૌદ લાખ પૂર્વ રાજયાવસ્થામાં, વીશ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ દીક્ષાવસ્થામાં, સર્વ મળી ૨૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. પદ્મપ્રભુ નિર્વાણ પામ્યા પશ્ચાત્ નવ હજાર ક્રોડ સાગરોપમ
બાદ સુપાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા.
__________________________________________________

આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું ચરિત્ર

આપણા આ જંબુદ્વીપના, ભરતક્ષેત્રમાં, પૂર્વદેશની ચંદ્રાનના (ચંદ્રપુરી) નામની નગરીમાં મહાસેન નામક રાજા હતા. તેઓ અત્યંત દાનવીર હતા. તેઓની લક્ષ્મણા નામક પટ્ટરાણી હતી.

પ્રભુનું ચ્યવનઃ-

પદ્મનાભ મુનિનો જીવ અનુત્તર વિમાનથી થતા પોષ વદ - ૧૨ના અનુરાધા નક્ષત્રમાં, ચ્યવી લક્ષ્મણાની  કુક્ષિમાં અવતર્યો. ચંદ્રના ચિહ્નવાળા, શ્વેતવર્ણી પુત્રને લક્ષ્મણા દેવીએ જન્મ આપ્યો. બાળકની ચંદ્ર જેવી સૌમ્ય કાંતિ હતી તેથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનનો દોહદ થયો હતો તેથી બાળકનું નામ ચંદ્રપ્રભ રાખવામાં આવ્યું.
૧૫૦ ધનુષ્યની ઊંચાઇ ધરાવતા, યૌવનને પ્રાપ્ત ચંદ્રપ્રભકુમારનું અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. ચંદ્રપ્રભકુમાર અઢીલાખ પૂર્વના થયા ત્યારે પિતાએ રાજયગાદી કુમારને સોંપી. ચોવીશ પૂર્વાંગ સહિત સાડા છ લાખ પૂર્વ પર્યંત ચંદ્રપ્રભ રાજાએ રાજયસંપ્રદા ભોગવી.

સંયમ સ્વીકારઃ-

દીક્ષા સમય સમીપ જાણી ચંદ્રપ્રભ રાજા ‘મનોરમા’ નામક શિબિકા દ્વારા સહસ્રામ્રવન ઊદ્યાનમાં આવ્યા. પોષ વદ-૧૩ના અનુરાધા નક્ષત્રમાં દિવસના પાછલા પહોરે, છઠ્ઠના તપ સહિત, ૧૦૦૦ રાજાઓ સહિત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે પદ્મખંડ નગરમાં સોમદત્ત રાજાના ગૃહે પરમાન્ન (ખીર)થી પારણું થયું. મૌનધારી, એકાકી, મમતા રહિત પ્રભુ છદ્મસ્થપણે ૩ માસ પર્યંત વિચરતા રહ્યા.

કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ-

વિચરતા-વિચરતા પ્રભુઃપુનઃ સહસ્રામવનમાં પધાર્યા. પુન્નાગ (નાગ) વૃક્ષ નીચે ધ્યાનરત બન્યા. ફાગણ વદ - ૭ ના, અનુરાધા નક્ષત્રમાં, છઠ્ઠ તપ સહિત એવા પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. દેવનિર્મિત સમવસરણમાં ૨૫૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન ઊપર બેસી પ્રભુએ અશુચિ ભાવનાને વર્ણવતી ધર્મદેશના આપી.
 દિન્ન (દત્ત) પ્રધાન ૯૩ ગણધરો થયા. સુમના નામક સાધ્વી પ્રર્વિતની બની.
પ્રભુના શાસનમાં લીલાવર્ણવાળો, હંસના વાહનવાળો, વિજય નામક યક્ષ શાસનદેવ બન્યો અને પીળાવર્ણવાળી, વરાલકના વાહનવાળી ભૃકુટિ મતાંતરે જવાળા નામક યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુને ૯૩ ગણધર, ૨,૫૦,૦૦૦ સાધુઓ, ૩,૮૦,૦૦૦ સાધ્વીઓ, ૨,૫૦,૦૦૦ શ્રાવકો, ૪,૯૧,૦૦૦ શ્રાવિકાઓ, ૧૦,૦૦૦ કેવળજ્ઞાની, ૮,૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૨,૦૦૦ ચૌદપૂર્વી, ૧૪,૦૦૦ વૈક્રિયલબ્ધિધારી, ૭,૬૦૦ વાદી થયા. ૩ માસ, ૨૪ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ પર્યત પ્રભુ કે કેવળજ્ઞાન સહિત વિચરતા રહ્યા.

નિર્વાણ પ્રાપ્તિ ઃ-

નિર્માણકાળ સમીપ જાણી સમ્મેતશિખર પર્વત ઊપર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન વ્રત ગ્રહણ કરી, ભાદરવા સુદ - ૭ના, જયેષ્ઢા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
અઢી લાખ પૂર્વ કૌમારાવસ્થામાં, ચોવીશ પૂર્વાંગ સહિત સાડા છ લાખ પૂર્વ રાજયાવસ્થામાં, ૨૪ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ શ્રમણાવસ્થામાં, સર્વ મળી ૧૦ લાખ પૂર્વનું  આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી સુપાર્શ્વ જિનના નિર્વાણ બાદ ૯૦૦ ક્રોડ (કરોડ) સાગરોપમ થવા પર શ્રી ચંદ્રપ્રભુ સ્વામી નિર્વાણ પામ્યા.
______________________________________________________

નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાનનું ચરિત્ર

ત્રીજો ભવ - સુવિધિનાથ ભગવાનનો

પ્રભુનું ચ્યવનઃ-

આપણા આ ભરતક્ષેત્રના શૂન્યદેરની કાકંદી નામક નગરીમાં સુગ્રીવ નામે રાજ હતા. તેમની રામા નામે પટ્ટરાણી હતી. ફાગણ વદ - ૯ના, મૂળ નક્ષત્રમાં મહાપદ્મ રાજાનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવી, રામાદેવીની કૃક્ષીમાં અવતર્યો.

પ્રભુનો જન્મઃ-

આઠ માસ અને ૨૬ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા માગસર વદ - ૫ના, મૂળ નક્ષત્રમાં, મગરના લાંછનવાળા, શ્વેતવર્ણી પુત્રને માતાએ જન્મ આપ્યો.
પ્રભુ મોક્ષમાર્ગની સમ્યક્વિધિના પ્રવર્તક હોવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા સર્વવિધિમાં કુશળ બન્યા તેથી પુત્રનું ‘સુવિધિ’ નામ રાખ્યું. પ્રભુની દંતપંકિત પુષ્પ જેવી સુશોભિત હોવાથી ‘પુષ્પદંત’ એ બીજું નામ આપ્યું (‘સુવિહ ચ પુપ્ફદંતં’- લોગસ્સ સૂત્રમાં એક જ તીર્થંકરના આ બે નામનો ઊલ્લેખ કરી, સ્તુતિ કરેલ છે.)
૧૦૦ ધનુષ્ય ઊંચા સુવિધિકુમાર, યૌવનવયને પ્રાપ્ત થયા ત્યારે અનેક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ થયું. સુવિધિકુમાર ૫૦,૦૦૦ પૂર્વના થયા ત્યારે તેમનો રાજયાભિષેક થયો. વિધિવત્ ૨૮ પૂર્વાંગ સહિત ૫૦,૦૦૦ પૂર્વ પર્યંત રાજયધુરાનું વહન કર્યું.

સંયમ સ્વીકારઃ-

સૂરપ્રભા નામની શિબિકા ઊપર આરૂઢ થઇ સુવિધિરાજા સહસ્રામ્રવનમાં પધાર્યા. માગસર વદ - ૬ના મૂળ નક્ષત્રમાં, અપરાહ્ન કાળે - ત્રીજા પ્રહોરે, ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી.
બીજા દિવસે શ્વેતપૂર નગરમાં પુષ્પરાજાના ઘેર પરમાન્ન (ખીર)થી પારણું થયું.
નિઃસંગ, ધ્યાનમગ્ન બની પ્રભુ ૪ માસ પર્યંત છદ્મસ્થપણે વિચરતા રહ્યા.

કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ-

દીક્ષાવન સહસામ્રવનમાં પુનઃ પધાર્યા. માલૂર (મલ્લી)વૃક્ષ નીચે આત્મધ્યાનમાં સ્થિર થયા. કારતક સુદ - ૩ના, મૂળ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવનિર્મિત સમવસરણમાં ૧૨૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સિંહાસન ઊપર બિરાજી, પ્રભુએ આશ્રવ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી.
પ્રભુને વરાહ પ્રમુખ ૮૮ ગણધર થયા. પ્રથમ સાધ્વી વારૂણી પ્રર્વિતની બની.
પ્રભુના શાસનમાં શ્વેતવર્ણી, કાચબા ના વાહનવાળો ‘અજિત’ યક્ષ શાસનદેવ બન્યો. ગૌર વર્ણવાળી, વૃષભના વાહનવાળી ‘સુતારા’ નામે યક્ષિણી શાસનદેવી બની.
અઠ્યાસી પૂર્વાંગ અને ૪ માસ, એક લાખ પૂર્વ પર્યંત પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચર્યા.
પ્રભુને ૮૮ ગણધર, ૨,૦૦,૦૦૦ સાધુઓ, ૧,૨૦,૦૦૦ સાધ્વીઓ, ૨,૨૯,૦૦૦ શ્રાવકો, ૪,૭૨,૦૦૦ શ્રાવિકાઓ, ૭,૫૦૦ કેવળજ્ઞાની, ૭,૫૦૦ મનઃપર્યવજ્ઞાની, ૮,૪૦૦ અવધિજ્ઞાની, ૧,૫૦૦ ચૌદપૂર્વી, ૧૩,૦૦૦ ર્વૈકયલબ્ધિધારી, ૬,૦૦૦ વાદીઓ થયા.

નિર્વાણની પ્રાપ્તિઃ-

નિર્વાણ સમય સમીપ જાણી પ્રભુ સમ્મેતશિખર પર્વત ઊપર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, ભાદરવા સુદ - ૯ના, મૂળ નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.